________________
૧૧૨
“જ્ઞાનજ્યોતિ”
સમયસાર ટીકા - શ્લોક ૪૬ઃ જ્ઞાનના મહિમાનું કાવ્યઃ “આ લોકમાં હું ચેતન્ય સ્વરૂપ આત્મા તો એક કર્તા છું અને આ ક્રોધાદિ ભાવો મારા કર્મ છે' એવી અજ્ઞાનીઓને જે કર્તા-કર્મની પ્રવૃત્તિ છે તેને બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ સ્ફરમાન થાય છે. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ રીતે આકુળતારૂપ નથી અને પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે પ્રત્યક્ષ જાણે
ભાવાર્થ આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પર દ્રવ્યો તથા પર ભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. -૪૬. વિશેષ સમાધાનઃ નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. આ લોકમાં અનાદિથી અજ્ઞાનીઓને આ અજ્ઞાનમય કર્તા-કર્મ પ્રવૃત્તિ છે. દયા, દાન, વ્રત, તપ આદિ શુભ પરિણામ અને હિંસાદિ અશુભ પરિણામ-એમ શુભાશુભ પરિણામનો હું કર્તા અને તે મારા કાર્ય છે એવી અજ્ઞાનીઓની કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિકષાયોની નિશ્ચય વ્યાખ્યાઃ ક્રોધની વ્યાખ્યા આત્મા શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રત્યે ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ પર પદાર્થોની રુચિ અને સ્વ સ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે, અને તે અનંતાનુબંધી ક્રોધ છે. માનની વ્યાખ્યાઃ પુણ્ય-પાપ આદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન છે. માયાની વ્યાખ્યા પુણ્ય-પાપ આદિ પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્ય સ્વભાવમય નિજ આત્માનો ઇન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે.