________________
૮૮
ભેદજ્ઞાન
૧. ભેદ વિજ્ઞાન અને આત્માનુભૂતિઃ
પરથી ભિન્નતાનું જ્ઞાન એ જ ભેદવિજ્ઞાન છે. અને પરથી ભિન્ન નિજ ચૈતન્ય ભગવાનને જાણવો, માનવો, અનુભવ કરવો એ જ આત્માનુભૂતિ છે. સ્વાનુભૂતિ-આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-આત્મસાધના-આત્મ આરાધના-આત્મસાક્ષાત્કાર જુદા જુદા નામ છે. સંપૂર્ણ જિનાગમ અને જિન અધ્યાત્મનો સાર આમાં આવી જાય છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, અન્યત્વ ભાવના, એકત્વ ભાવનાનું ચિંતવન - એની ચરમ પરિણતિ પણ એ જ છે.
અનાદિકાળથી આ આત્મા પરને પોતાના માનીને તેમાં જ રચ્યો પચ્યો રહ્યો છે, આ કારણથી ચાર ગતિ અને ચોરાસી લાખ યોનીઓમાં પરિભ્રમણ કરતો થકો અનંત દુઃખ ભોગવી રહ્યો છે. પર સાથે એકત્વ અને મમત્વના કારણે પોતાનું સાચું સ્વરૂપ સમજી નથી શકતો. (જાણતો નથી, માનતો નથી.)
પરથી એકત્વ અને મમત્વ તોડવા માટે ભેદવિજ્ઞાન અણમોલ સાધન છે. આ ચાર અનિત્ય, અશરણ, એકત્વ અને અન્યત્વ ભાવનાઓનું ચિંતવન ઊંડાણથી કરવાની આવશ્યકતા છે. ભાવભાસન થાય ત્યાં સુધી આ ભેદજ્ઞાન કરવું જરૂરી છે. આમાં અપ્રતિહત પુરુષાર્થની જરૂર છે.
પરથી એકત્વ અને મમત્વ તોડવાનો એક માત્ર ઉપાય પ્રત્યેક વસ્તુની સ્વતંત્ર સત્તાનો સમ્યફબોધ જ છે. પ્રત્યેક વસ્તુ પોતાની સત્તામાં રહીને (દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવમાં) સતત પરિણમન કરી રહી છે. પોતાની સીમામાં (હદમાં) સર્વ પ્રભુતા સંપન્ન કોઈ પણ વસ્તુને અન્ય વસ્તુની માનવી, જાણવી-એના સ્વામી થવું એ મહા મોહ છે, મહા અજ્ઞાન છે, મિથ્યાત્વ નામનું મહા પાપ છે.
‘જ્ઞાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એ યથાર્થ નિર્ણય શ્રુતજ્ઞાનના આલંબનથી કરવાથી આ પ્રકારનું ભેદજ્ઞાન થઈ શકે છે અને એની ફળશ્રુતી મુજબ આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ થાય છે. અને આ મનુષ્ય ભવમાં કરવા જેવું જો કાંઈ કાર્ય હોય તો આ જ છે.