________________
જિન-પ્રતિમાનાં દર્શનથી સ્થિરા-દષ્ટિ અર્થાત્ સમ્યગ્-દર્શનની પ્રાપ્તિ થાય તો ‘શબ્દ-નયે’ નિમિત્ત-કારણતા જાણવી.
આ રીતે, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તદશારૂપ ‘કાંતા-દૃષ્ટિ’ અને ‘પ્રભા-દૃષ્ટિ’ની પ્રાપ્તિ જિન-પ્રતિમાના આલંબને થાય, તો ‘સમભિરૂઢ-નય’ની અપેક્ષાએ તેની નિમિત્ત-કારણતા છે.
અને, શુદ્ધ શુક્લ-ધ્યાનની પ્રાપ્તિ એટલે કે ‘પરા-દૃષ્ટિ’ની પ્રાપ્તિ થાય, તો ‘એવંભૂત-નયે’ પ્રતિમાની નિમિત્ત-કારણતા જાણવી. અહીં પરા-ભક્તિની પરાકાષ્ઠા હોય છે.
જિન-પ્રતિમાના દર્શન-વંદનથી યોગની ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
‘યોગવિંશિકા'માં બતાવેલા પાંચે સ્થાનાદિ - (સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને, અનાલંબન) યોગોમાં જિન-પ્રતિમાના આલંબનને ચોથા ‘આલંબન-યોગ' તરીકે દર્શાવેલ છે. અર્થાત્, પ્રતિમાના આલંબનથી ‘આલંબન-યોગ'ની પ્રાપ્તિ થાય છે, તે સિવાય યોગની સિદ્ધિ થતી નથી. માટે જિન-પ્રતિમા એ સર્વ યોગોને ઉત્પન્ન કરનાર હોવાથી યોગ-જનની છે.
જિન-પ્રતિમાથી ચાર અનુષ્ઠાનોની સિદ્ધિ : જિન-પ્રતિમાના દર્શનથી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્તિ-અનુષ્ઠાન પ્રગટ થાય છે. તથા, તેમના કહેલા ધર્મ-તત્ત્વને જાણવાની તેમજ તેનું વિધિ-પૂર્વક પાલન કરવાની અભિલાષારૂપ ‘વચન-અનુષ્ઠાન’ ઉત્પન્ન થાય છે અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાન પાલન દ્વારા ક્રમશઃ ‘અસંગ-અનુષ્ઠાન'ની પ્રાપ્તિ થાય છે.
જિન-મૂર્તિ એ મૂર્તિમંત આલંબન છે. તેના રૂપસ્થ-ધ્યાનથી ‘અરૂપી-રૂપાતીતધ્યાન’ ઉત્પન્ન થાય છે, ‘રૂપાતીત-ધ્યાન' આલંબનયોગને પ્રગટ કરે છે અને ‘આલંબન-યોગ'થી અનુક્રમે કેવલજ્ઞાન, અયોગી-અવસ્થા અને સિદ્ધતા પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વ યોગશાસ્ત્રોએ અને સર્વ અધ્યાત્મ-શાસ્ત્રોએ જિનમૂર્તિને મુક્તિના સર્વશ્રેષ્ઠ સાધન તરીકે વર્ણવી છે.
‘જિન પડિમા જિન સારિખી, ભાખી સૂત્ર મોઝાર'' -આ પ્રમાણે જિનાગોમાં તો જિન-મૂર્તિને જિનેશ્વર તુલ્ય જ માનવામાં આવી છે. એટલું જ નહિ પણ જિન-મૂર્તિ એ (સ્થાપનારૂપે) અરિહંત છે. એમ અભેદ-ભાવ પણ બતાવવામાં આવ્યો છે, તે પણ યુક્તિ-સંગત જ છે.
જૈન-દર્શનમાં પરમાત્માનાં ‘સાકાર’ અને ‘નિરાકાર’-એમ બે સ્વરૂપ માનવામાં આવે છે. અરિહંત એ ‘સાકાર-પરમાત્મા' છે અને અપેક્ષાએ તો અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા કરતાં પણ ભવ્ય જીવો ઉપર વધુ ઉપકાર કરનારા છે.
નમસ્કાર-મહામંત્રમાં સર્વપ્રથમ અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે, તે આ જ રહસ્યને પ્રગટ કરે છે.
સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્મા(ભાવ-અરિહંત)ની વાણી સાંભળીને જ અનેક ભવ્ય જીવો સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ ગુણો પ્રાપ્ત કરે છે.
તેમના ભાવ-નિક્ષેપાને કે અરૂપી કેવલજ્ઞાનને કોઈ પણ છદ્મસ્થ જીવ ગ્રહણ કરી શકતો નથી, એટલે તેમની વિદ્યમાનતામાં પણ તેમનાં નામ અને સ્થાપના (આકારરૂપ મૂર્તિ) જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય હોવાથી મહાન ઉપકાર કરે છે. પરંતુ, ભાવ-નિક્ષેપો તો અરિહંતમાં જ હોવાથી તે અન્ય જીવોને તેટલો ઉપકારક થતો નથી.
જિન-નામ અને જિન-મૂર્તિ(જિન-મુદ્રા) -એ જ સર્વ કાલે સર્વ ભવ્યાત્માઓને મહાન ઉપકારક છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં નામ-નિક્ષેપાને અને સ્થાપના-નિક્ષેપાને મહાન ઉપકારી કહ્યાં છે.
વિચરતાં તીર્થંકર અને તીર્થંકરની મૂર્તિ, બંને મોક્ષના નિમિત્ત-કારણ તરીકે તુલ્ય છે. સાક્ષાત્ તીર્થંકરનાં તેમ જ તેમની મૂર્તિના દર્શનવંદન-પૂજન કરવાથી ભવ્ય જીવોને એક સરખો ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. અને, તેથી જ જિન-વંદન અને મૂર્તિ-વંદનનું ફળ પણ તુલ્ય જ કહ્યું છે, અર્થાત્ તેમાં કાંઈ ન્યૂનાધિક્તા નથી.
આ પ્રમાણે આગમ, અનુભવ અને યુક્તિ વગેરેથી વિચારતાં જિન-મૂર્તિની અજોડ અને અદ્ભુત ઉપકારિતા સમજી શકાય છે. મૂર્તિના આલંબનથી મુમુક્ષુ આત્મા મુક્તિના સુખનો ભોક્તા બને છે. પ્રતિમાના આલંબન વિના મોક્ષની સાચી અભિલાષા પણ જાગ્રત થતી નથી, તો પછી મોક્ષ-પ્રાપ્તિની તો વાત જ ક્યાં રહી ?
આ રીતે, જિન-મૂર્તિના મહા-મહિમાને જાણીને સર્વ કોઈ ભવ્યાત્માઓએ જિન-મૂર્તિનું આલંબન સ્વીકારી, અનુક્રમે અનંત-સુખમય મોક્ષ-પદને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમશીલ બનવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only ૩૧૯
www.jainellbrary.org