________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૯
એ ગાંઠની જેનાથી નિવૃત્તિ થાય, એટલે રાગ, દ્વેષ, અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે, એ જ મોક્ષનો ઉપાય છે. ત્રણ શબ્દો જુદા પાડી વિગતવાર સમજી લઇએ. રાગ, દ્વેષ બે શબ્દો અને અજ્ઞાન ત્રીજો શબ્દ. રાગ-દ્વેષ તે ચારિત્ર મોહનીયના ખાતામાં જાય છે અને અજ્ઞાન શબ્દ દર્શનમોહનીયના ખાતામાં જાય છે. આ બે પેટા ખાતેદાર છે. મોહનીય કર્મ મુખ્ય છે, તે દાદો છે. ચારિત્ર મોહનીયનાં બે પ્રકાર, (૧) રાગ અને (૨) દ્વેષ. દર્શન મોહનીયનો એક પ્રકાર તે અજ્ઞાન અને અજ્ઞાનનું બીજું નામ મિથ્યાત્વ. ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં સિદ્ધીંગણીએ કહ્યું કે મોહ રાજા છે. માયા, મહામૂઢતા તેની પટરાણી છે. અને રાગ કેશરી પાટવીકુંવર છે અને દ્વેષ ફટાયો એટલે નાનો કુંવર છે. ક્રોધ, માન, માયા, લોભ પૌત્રો છે. મમતા અને આસિકત મોહરાજાની બે લાડકી દીકરીઓ છે. બાપને દીકરી બહુ વ્હાલી હોય એટલે તેના ચાળા જુદા હોય છે. આ આખું કુટુંબ જગતના અનંત પ્રાણીઓને નચાવી રહ્યું છે. આખા કુટુંબનું રાજ આ જગત ઉપર ચાલી રહ્યું છે.
જ્યારે મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે આત્મામાં એના પ્રત્યે તન્મય ભાવ થાય છે. એ તન્મય ભાવ થવો તે જ બંધનું કારણ છે. મર્મ સમજી લ્યો, મોહનો ઉદય થતાં, આત્માનું એ ઉદયમાં તન્મય થવું તે જ બંધનું કારણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મો તો પૂર્વે બાંધેલાં છે. કર્મો બેલેન્સમાં પડ્યાં છે, તે ઉદયમાં આવવાનાં, પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ-લીંક આગળ ચાલતી નથી. ધર્મ કરવો એટલે શું કરવાનું ? સાધના કરવી એટલે શું કરવાનું ? કર્મ તો પૂર્વે બાંધેલાં છે અને તેના સ્વકાળે ઉદયમાં આવે છે. પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ આગળ વધતી નથી અને તે આગળ ન વધે તો જૂના કર્મોની ધારા તૂટી જાય છે. એના કારણે ગાંઠ પણ તૂટી જાય છે. એ ન ભળવાની પ્રક્રિયા કયારે બને ? જો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તો. આ શાસ્ત્રો એટલા માટે વાંચવાના, સત્સંગ પણ એટલા માટે કરવાનો, જ્ઞાની પુરુષો પાસે એટલા માટે જવાનું, એમના ચરણોમાં એટલા માટે નિવાસ કરવાનો, શ્રવણ, મનન, ચિંતન, નિદિધ્યાસન આ પ્રક્રિયાઓ એટલા માટે કરવાની કે જેથી સ્વરૂપમાં સ્થિર રહેવાય. શાસ્ત્રો એમ જ કહે છે કે તારામાં ઠર. સદ્ગુરુ પણ એમ કહે છે કે તારામાં ઠર. મુમુક્ષુ પણ એમ કહે છે કે તારામાં ઠર. તીર્થંકરો અને અનંત જ્ઞાનીઓ પણ એમ જ કહે છે કે તું તારામાં ઠર. બધા જ્ઞાનીઓને સ્ટેજ ઉપર આવી એક જ વાત કહેવાની છે કે તું તારા પોતાનાં સ્વરૂપમાં ઠર પણ સ્થિર કઇ રીતે રહેવાય?
જ્ઞાની પુરુષો કહે છે આ તારામાં જે વૃત્તિઓ ઊઠે છે તેનાથી તું અલગ રહે અને રાગ દ્વેષ ન કરતા તું સમભાવમાં વર્ત તો સ્થિર થઇશ. સમભાવમાં જો વર્તે તો જૂનાં કર્મોની ગાંઠ છૂટી જાય અને નવી ગાંઠ પડે નહિ, બંધાય નહિ. ધર્મ કરવો એટલે શું કરવું? સાધના કરવી એટલે શું કરવું ? ધર્મની ક્રિયા કરવી એટલે શું કરવું ? ફરી સમજી લ્યો. ધર્મ મત કે માન્યતા નથી. ધર્મ જુદા જુદા હોઇ શકે નહિ. ધર્મ અલગ અલગ નથી. કૃપાળુદેવે કેટલીય જગ્યાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org