________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૩૫
પ્રવચન ક્રમાંક - ૧૦૬
ગાથા ક્રમાંક - ૧૩૫ કારણ યોગે હો કારજ નિપજે
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. (૧૩૫) ટીકા - સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. (૧૩૫)
આ જૈન દર્શનના પાયાનો સિદ્ધાંત છે, જેના ઉપર સાધનાની ઇમારત ઊભી છે. આ પાયાનો સિદ્ધાંત સમજવામાં ન આવે ત્યાં સુધી સાધક સાધના કરી શકે નહિ. સાધના કરવા માટે, પ્રક્રિયામાં ઢળવા માટે સાધકને મૂળભૂત પાયાનો સિદ્ધાંત સમજી લેવો જરૂરી છે. આ ગાથામાં પરમકૃપાળુદેવે ઉઘોષણા કરી છે અને તમામ શાસ્ત્રોએ પાયામાં આ વાત કરી છે કે જે અંદર હશે તે બહાર આવશે, છુપાયેલું હશે તે પ્રગટ થશે, તેનો જ આવિર્ભાવ થશે. વસ્તુમાંથી જે કંઈ આવશે તે વસ્તુમાં હશે તે જ બહાર પ્રગટ થશે. બીજનો ચંદ્રમા ભલે અંશે જ દેખાતો હોય પરંતુ તેમાં પૂર્ણિમાનો ચંદ્ર છૂપાયેલો છે. માટે પૂનમ ઊગે છે, દેખાય છે બીજ પણ જોનાર એમ માને છે કે તેમાં પૂર્ણિમા છે અને ચંદ્ર પણ પૂરેપૂરો ખીલે છે. જૈનદર્શનની મૌલિક વાત એ છે કે વસ્તુમાં છૂપાઈને જે કંઈપણ રહ્યું છે, તે જ પ્રગટ થાય છે. જે વસ્તુમાં નથી તે કયારેય પ્રગટ નહિ થાય અને જે હશે તે પ્રગટ થયા વગર રહેશે નહિ.
તિરોભાવ અને આવિર્ભાવ બે શબ્દો છે. તિરોભાવનો અર્થ અંદર છૂપાઈને રહેવું, આવિર્ભાવનો અર્થ જે છૂપાયેલું છે તેનું પ્રગટ થવું. બે વાતો કરવી છે. હશે તે પ્રગટ થશે પરંતુ તે પહેલાં નકકી કરવું પડે. છે તેને જો પ્રગટ કરવું હોય તો તે માટે પ્રક્રિયામાં ઢળવું પડે. તો બંને પ્રક્રિયાઓ આવે છે. નિશ્ચયથી “છે' તેનો નિર્ણય થાય અને વ્યવહારનયની સાધના દ્વારા જે છે તે પ્રગટ થાય. પરિપૂર્ણ સ્વરૂપ વસ્તુમાં છૂપાઈને રહ્યું છે. તે સ્વરૂપ પ્રગટ કરવું છે માટે સાધના છે. સમ્યગ્દષ્ટિ આત્મા પોતાની સમ્યગ્દર્શન થયા પહેલાની અવસ્થાનું અવલોકન કરે છે અને પ્રગટ થયેલી અવસ્થાને પણ અનુભવે છે અને તેની સામે સિદ્ધ પરમાત્માની અવસ્થાનું લક્ષ છે. પોતે ચોથે ઊભો છે ત્યાં ઊભો રહીને સર્વજ્ઞ પરમાત્માને ભાવથી જોઈ શકે છે. તેને ખબર પડે છે કે આટલું અંતર કાપવાનું છે. ચોથે ગુણસ્થાને આવે એટલે સાધનાની પરિસમાપ્તિ થઈ એમ જે માનતા હોય તે ભ્રમમાં છે, મિથ્યાભ્રમમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org