________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૩
બાદ ન કરી શકાય તે સ્વભાવ. અનંતકાળથી આ વિભાવો અને કર્મો હોવા છતાં ક્ષણભરમાં તેને દૂર કરી શકાય છે. તમે નિર્ણય કરો તેટલીજ વાર થાય છે. તમે જે વખતે નિર્ણય કરો કે અનંતકાળના વિભાવને ટાળવો જ છે તો ટાળી શકો છો. તમે એમ કહો છો કે ધ્યાનમાં બેસીએ ત્યારે વિચારો બહુ આવે છે. તમે કોઈ મહેમાનોને જમવાનું આમંત્રણ આપો કે આ દિવસે આટલા વાગે આવજો. પછી તમે ભૂલી ગયા પણ મહેમાનો તો આવીને ઊભા રહે. તમે આમંત્રણ આપ્યું હતું તેથી આવ્યા. વિચારોને આમંત્રણ આપ્યું હતું તેથી આવ્યા. વિચારોનો વાંક નથી. આમંત્રણ નહિ આપો તો વિચારો નહિ આવે. વિભાવોને પણ આપણે આમંત્રણ આપીએ છીએ. કેવળ કંઈપણ નહિ, માત્ર નિજ સ્વભાવ. આ બધામાંથી માત્ર નિજ સ્વભાવ ગ્રહણ કરવો.
શ્રી સીમંધર જિનવર સાહેબ, વિનતડી અવધારો, શુદ્ધ ધર્મ જે પ્રગટચો તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી
વિનવીએ મન રંગે. પ્રભુ તમારામાં જે તમારો સ્વભાવ આવિર્ભાવ પામ્યો છે, એવો જ અમારો પણ સ્વભાવ છે. અમારો સ્વભાવ અત્યારે ઢંકાયેલો, દબાયેલો, અવરાયેલો છે. તેના ઉપર રાગ દ્વેષનાં ઢાંકણાં આવે છે, જેમ મોટો પટારો દબાવીને ભર્યો હોય. ઉપર ખંભાતી તાળું હોય, કંઈ દેખાય નહિ પણ કોઇક એમ કહે કે આ પટારામાં હીરા, માણેક મોતી ભર્યા છે પણ દેખાતાં નથી. આપણે કહીશું કે દેખાતાં નથી તો તાળું ખોલ. ઢાંકણું ઉઘાડ. રાગદ્વેષના ઢાંકણા નીચે ચૈતન્યનો ખજાનો દબાયેલો છે. આ રાગદ્વેષનાં તાળાં ખોલવા તે કઠિન વાત નથી. પૂ.જીવવિજયજી મહારાજે ગુજરાતીમાં બહુ સરસ વાત કરી કે,
રાગ અને રીસા દોય ખવીસ, યે તુમ દુઃખ કા દિશા. રાગ અને રીસ, રીસ એટલે ગુસ્સો, દ્વેષ, અણગમો, નાકનું ટેરવું ચડી જાય. આવો માણસ સામેથી આવતો હોય અને આપણને જોઈ જાય તો રસ્તો બદલી નાખે. કોઈ પૂછે કેમ ? તો કહેશે ઓલો અભાગિયો આવે છે એટલે. રાગ અને રીસ એ કેવા છે ? ખવીસા. ગામડામાં માથા વગરનું ભૂત તેને ખવીસ કહે છે. આ ખવીસ હોય કે ન હોય પરંતુ રાગ અને દ્વેષ ખવીસ છે. આ જ દુઃખની ખાણ છે પછી ઉપાય બતાવે છે.....
“જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઈશા. જ્યારે રાગ અને દ્વેષને તમે દૂર કરશો ત્યારે તમે જગતના ઈશ્વર થઈ જશો. વારંવાર પુનરાવૃત્તિ કરીએ છીએ કે રાગ દ્વેષ દૂર કરો કારણ કે તમારો ખજાનો ઢંકાઈ ગયો છે. આત્માનો ખજાનો એટલે કેવળ નિજ સ્વભાવ-આત્માનો સ્વભાવ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત વીર્ય, અનંત ચારિત્ર અને અનંત આનંદ વિગેરે આત્માના ગુણો છે, સ્વભાવ છે, બીજા ઘણા ગુણો છે પરંતુ આ મુખ્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, શાશ્વતતા, અનંતતા આ તમારો સ્વભાવ છે. આવો જે ચૈતન્યનો સ્વભાવ, આત્માનો સ્વભાવ તેનું અખંડજ્ઞાન વર્તે તેને કહેવાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org