________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૭
અનંત પ્રકાર કર્મના એટલા માટે થાય છે કે અનંત પ્રકારના ભાવો છે. દરેકનો ક્રોધ એકસરખો હોતો નથી. ઓછા વધતા પ્રમાણમાં ક્રોધ હોય છે. કોઇને તમે સમજાવો તો તુરતજ સમજી જાય છે, કોઇને વધારે કહેવું પડે અને કેટલાક એવા બહાદુર હોય છે કે ચાર જણ ઝાલી રાખે તો પણ ઝાલ્યો ન રહે. કહેશે કે મને છોડો. પતાવી લેવા દો. ક્રોધનું છેલ્લામાં છેલ્લું પરિણામ હિંસા. યશોવિજયજી મહારાજે કહ્યું કે ‘હિંસા ગિની અતિ બૂરી રે વૈશ્વાનરની જોડ’. બે ભાઇ બહેન છે, તેમાં બહેનનું નામ છે હિંસા અને ભાઇનું નામ છે ક્રોધ. આ ભાઇ બહેન એવાં છે કે સાથે જ રહે. આ બેન સાસરે જતી નથી પણ ભાઇની સાથે જ રહે છે. જ્યાં ક્રોધ છે ત્યાં હિંસા છે. જેટલો તીવ્ર ક્રોધ તેટલી તીવ્ર હિંસા. જેટલી તીવ્રતા ક્રોધની તેટલી જ તીવ્રતા હિંસાની પણ છે. એક માણસ લાલ આંખ કરે વાત પૂરી થઇ ગઇ, એક માણસ વધારે બોલે ત્યાં વાત પૂરી થઇ ગઇ. ત્રીજો માણસ દાંત કચકચાવીને અપશબ્દો બોલે વાત પૂરી થઇ ગઇ, ચોથો માણસ ગાળાગાળી કરે વાત પૂરી થઇ ગઇ. કોઇ માણસ તમાચો મારી લે પછી શાંત અને કોઇ માણસ હાથમાં બંદૂક લઇ ગોળી મારે ત્યારે વાત પૂરી થાય અને આતંકવાદી તો મશીનગન લઇને આવે છે. આ બધા જુદા જુદા પ્રકાર થયા. જેટલાં પ્રમાણમાં ભાવની તીવ્રતા તેટલા પ્રમાણમાં કર્મની તીવ્રતા.
કર્મનું પ્રેરક બળ આપણો ભાવ છે. અહંકાર તો બધામાં હોય છે. નાનકડા છોકરામાં પણ અહંકાર હોય. નાનો છોકરો પણ રીસાઇ જાય છે. એક છોકરો સ્કૂલમાંથી આવ્યો અને બહારથી મમ્મી, મમ્મી ! બૂમ પાડી. મમ્મીએ સાંભળ્યું નહિ. છોકરો કહે, શું કરતી હતી ? મેં કેટલી બૂમો પાડી તે સાંભળી નહિ ? આ ટેણીયો, તેને એટલો ક્રોધ અને તેનું ગજું એટલું, સમજણ એટલી, તે પ્રમાણેનો ક્રોધ. પરાકાષ્ટાનો પણ ભાવ હોય છે. હિટલરે ૬૦ લાખ માણસોને ખતમ કર્યા. મહાભારતના યુદ્ધમાં કરોડો માણસો ખતમ થઇ ગયા. આ હિંસાનું પરિણામ જુઓ. હિંસા પાછળ ક્રોધ, દ્વેષ, ઘૃણા, અહંભાવ, તિરસ્કાર આ બધાં ભેગાં હતાં. તેના કારણે આ થયું. આ ભાવ અંદર થાય છે.
ભાવ શબ્દ સ્પષ્ટ કરું છું. ચૈતન્યના પ્રદેશમાં થતું કંપન, એમાંથી પ્રગટતી જે ધારા તેનું નામ ભાવ. જેમ સિતાર ઉપર લખેલું ન હોય કે આ ભીમપલાશ રાગ છે કે આ દીપક રાગ છે, આ ઠુમરી છે. તાર તો એના એ છે પણ આંગળી જે રીતે ફરે તેવાં રાગ નીકળે. આંગળી તમે ફેરવો તો કોકનું માથું દુ:ખી જાય, પણ રવિશંકર ફેરવે તો ડોલવા લાગી જાવ. એના એ તાર છે પણ આંગળી જુદી જુદી ફરે છે અને તેમાંથી સંગીત પ્રગટ થાય છે, આત્મપ્રદેશમાં કંપન થાય છે તેના કારણે અંદર જે જુદી જુદી રીધમ થાય છે તેને કહેવાય છે ભાવ.
આપણે એમ કહીએ છીએ કે મને તમારા પ્રત્યે બહુ ભાવ છે, પ્રેમ છે. તેઓ કહે કે લાવ, બતાવ. બતાવી ન શકાય પણ લાગણી છે. કુછ કુછ હો રહા હૈ. કંઇક થાય છે ને! આ ભાવ. આ ભાવ પછી વિચાર, પછી સંકલ્પ, પછી વિકલ્પ, પછી વૃત્તિ, પરંતુ મૂળ ભાવ. આવા અનંતભાવો આત્મામાં થાય છે. ધીરજથી ખ્યાલમાં લેજો. આવા અનંત ભાવો આત્મામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org