________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૩ આ બધાં ભેગાં થયાં, અને અંદરોઅંદર લડવા લાગ્યાં. આંખ કહે મારા વગર નહિ ચાલે, કાન કહે મારા વગર નહિ ચાલે. બધાં ભલે રહ્યાં પણ મારા વગર નહિ ચાલે. પછી એમ નક્કી થયું કે આ ચર્ચા કરવા કરતાં આપણે એક એક વર્ષ ગેરહાજર રહીને જોયું કે મારા વગર ચાલે છે કે નહિ ? આંખને ઉતાવળ આવી, એ કહે કે પહેલાં હું જાઉં છું. કહ્યું કે જા. તેના વગર પણ ચાલ્યું. લાકડીના ટેકે ટેકે પણ કામ ચાલ્યું. કોઈ હાથ પકડનાર મળે એટલે કામ ચાલે. પછી કાન ગયા. દુનિયામાં ઘણા બહેરા માણસો છે. પરંતુ ઈયર પ્લગની મદદથી કામ ચાલ્યું. પછી આગળ ગયા શ્વાસોચ્છવાસ વગર પણ મશીનની મદદથી ચાલ્યું. છેવટે દ્રષ્ટા (આત્મા) એ કહ્યું કે હવે હું જાઉં છું. એક વર્ષ માટે નહિ ફક્ત મિનીટ માટે અને શું હાલત થઈ હશે ? એ તમે કહો. આ બધા ગયા પણ આત્મા વગર ચાલે નહિ. આ બધાની પ્રવૃત્તિ આત્મા છે તો છે. આત્મા છે તો આ બધાનો અનુભવ છે. અને આ અનુભવ બાધ કરી શકાતો નથી એટલે અનુભવને ભૂલી શકાતો નથી. આંખથી જોયું - પણ કોઈ કારણસર આંખ ગઈ તો જોયેલું યાદ રહેશે, કોઈ કારણસર કાન ગયા તો કાનથી જે સાંભળ્યું તે અનુભવથી યાદ રહેશે. તો અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. તો બધું બાધ કરતાં અનુભવ રહી જાય છે, જે ક્યારેય છેદી શકાતો નથી, બાધ કરી શકાતો નથી. હે શિષ્ય ! અનુભવ તે જીવનો સ્વભાવ છે. આ આત્માનું સ્વરૂપ છે.
આ બધી ગાથાઓ કઠિન લાગશે. કઠિન કહી હું તમને ગૂંચવાડામાં મૂકવા નથી માંગતો. સમજવા પ્રયત્ન કરશો તો સમજી શકશો. તમે શાણાં છો. તમારી પાસે બુદ્ધિ છે. જ્ઞાતિના, કુટુંબના, શેરબજારના, મૂડીના, બધા જ પ્રશ્નોમાંથી તમે રસ્તો કાઢી શકો છો. પરમ તત્ત્વનો નિર્ણય કરવા માટે તમારી બુદ્ધિનો સદુપયોગ કર્યો નથી, પરંતુ હવે એ બુદ્ધિનો ઉપયોગ પરમતત્ત્વનો નિર્ણય કરવા માટે કરવાનો છે.
ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org