________________
૨ ૬
પ્રવચન ક્રમાંક - ૩૯, ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ વિજ્ઞાન એમ કહે છે કે તમારી એનર્જી ત્યાં પહોંચતી નથી. જેમ ગાડીમાં પેટ્રોલ હોય તો જ ગાડી ચાલે. ડ્રાઈવર ગમે તેટલો હોંશિયાર હોય, સ્ટીયરીંગ બ્રેક બધું બરાબર હોય, પણ પેટ્રોલ ન હોય તો ગાડી ન ચાલે. તેમ શ્વાસોચ્છવાસ ન હોય તો ઈન્દ્રિયો કામ કરી શકે નહિ. એટલા માટે તો આપણે કહીએ છીએ કે ફલાણાભાઈના પ્રાણ ગયા. કાઠિયાવાડી ભાષામાં તો મઝાનો શબ્દ છે, “પાછા થયા” તે આત્મસિદ્ધિને જણાવે છે. મર્યો એમ નથી કહેતાં પણ પાછા થયા એટલે ફરી જનમ્યા. આત્મા નિત્ય છે તે સૂત્ર તેણે જાણ્યું હશે. પ્રાણ એ જીવનનું પ્રેરક બળ છે.
યોગ સાધનામાં સૌથી વધારે કામ પ્રાણ અને મન ઉપર થયું છે. પ્રાણ મનને અને મન પ્રાણને ગતિ આપે છે. માટે એમ કહ્યું કે શ્વાસોચ્છવાસ તે આત્મા છે, તેને જુદો માનવો તે મિથ્યા છે. તો અમને લાગે છે કે શરીરથી, ઈન્દ્રિયોથી કે પ્રાણથી આત્મા જુદો હોય તેમ વાસ્તવિક લાગતું નથી. કોઈ ચિન્હ હોય તો આત્મા છે તેમ ખબર પડે. કોઈ ચિન્હ તો મળતું નથી. માટે શરીર તે જ આત્મા છે. એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ, જ્યાં ધજા ત્યાં મંદિર છે, હવે આપ જ કહો કે કયું ચિન્હ છે કે તેનાથી અમે આત્માને જાણીએ?
જો આત્મા હોય તો તે કેમ ન જણાય? આટલું વિજ્ઞાન વિકસ્યું, આટલી ભૌતિક પ્રગતિ થઈ, આકાશમાં ગયા, પાતાળમાં ગયા, દુનિયાના ખૂણે ખૂણા ફરી વળ્યા. વિજ્ઞાનને જાણવાનું કંઈ બાકી રહેતું નથી. આત્મા હોય તો ખોળી કેમ ન કાઢે ? ઘડો દેખાય છે, કપડું દેખાય છે, જો આત્મા હોય તો દેખાય નહિ ? આના ઉપરથી અમને એમ નિર્ણય થાય છે કે આત્મા નથી.
આ નિર્ણય તમને ઠીક લાગ્યો ને? સાધુઓ, સદ્ગુરુ, મંદિરો, ધ્યાન, જાપ, આ કશાની જરૂર જ ન પડે. આત્મા નથી તેમ જો સ્વીકાર થાય તો આપણી બધામાંથી મુક્તિ થાય. કોઈ એમ ન કહે કે “તમે વહેલા ધ્યાન કરવા ઊઠો, પ્રાણાયામ કરો, દેવવંદન, પૂજા વિગેરે કરો. શાસ્ત્રો વાંચો, કાઉસ્સગ્ગ કરો.” આ બધી ઉપાધિમાંથી મુક્તિ. સૂર્યોદય પહેલાં ઊઠવું ન પડે. આત્મા હોય તો તેને મુક્ત કરવા આ બધું કરવું પડે. પણ આત્મા જ નથી માટે મોક્ષનો ઉપાય મિથ્યા છે, ફોગટ છે.
- છતાં અંતરમાં શંકા થાય છે કે હશે તો? દેખાતો કે જણાતો નથી પરંતુ આત્માની શંકા કોરી ખાય છે. અંતરમાં શંકા છે તેથી થાય છે કે “સમજાવો સદુપાય’ તો તેનું સમાધાન થાય તેવું કરો. શું છે? તે અમને કહો, અમે ખોટા પણ હોઈએ અને અમારી વાત બરાબર ન પણ હોય. જે કહીએ છીએ તે યોગ્ય ન હોય, અમે જાણતા ન હોઈએ, અમારી ભૂલ પણ હોય તો અમને સદુપાય સમજાવો, જેથી અમારા મનનું સમાધાન થાય.
શિષ્યના પક્ષે જે શંકા હતી તે વ્યક્ત કરી. તેનું પૂછવાનું અને કહેવાનું પૂરું થયું. સદ્ગુરુ ઉવાચ ! હવે સદ્ગુરુ કહેશે. આગળના સૂત્રો હવે પછી લઈશું.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org