________________
૨૪૨
પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ મોક્ષ એવી અવસ્થા છે કે જ્યાં તમે છો પણ પ્રવૃત્તિ નથી, તમે છો પણ પુણ્ય પાપ નથી. તમે છો પણ શુભ અશુભ નથી, સુખ અને દુઃખ નથી, વિકલ્પો નથી. તમે છો અને પરમ આનંદ અને શાંતિ છે. ગમે છે આ વાત? આવી અવસ્થા જીવ પ્રાપ્ત કરે તેને અમે મોક્ષ કહીએ છીએ. મોક્ષ કોઈ જગ્યાનું નામ નથી પરંતુ મોક્ષ ચેતનાની આંતરિક અવસ્થાનું નામ છે.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦) ટીકાઃ કર્મસહિત અનંતકાળ વીત્યો; તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો,
પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય.
આ ગાથામાં ઘણાં બધાં સૂત્રો છે. ગાથા કઠિન છે. “વીત્યો કાળ અનંત. અનંતકાળ કેમ વીત્યો? તેનું એક જ કારણ, શુભ અને અશુભ કર્મ પ્રત્યે આ જીવને આસક્તિ છે. તમે જ્યારે ગુસ્સો કરો છો ત્યારે માત્ર ગુસ્સો નથી કરતા પણ મૂછો પર હાથ ફેરવો છો કે કેવો ઠેકાણે પાડ્યો ! ગુસ્સા કરતાં આ ભયંકર છે. ગુસ્સો કરો અને મૂછ ઉપર હાથ ફેરવો, એ કર્મોને કાઠાં કરે તેવું છે, અને તીવ્ર રસ પડે તેમ છે. કોઈ તમને નમસ્કાર કરે ને કહે કે બાપા! હવે છોડી દો, તો તમે કહેશો કે કેવો કુણો ઘેંસ જેવો થઈ ગયો ! કેવા તેણે હાથ જોડ્યા ! આ અશુભ કર્મની આસક્તિ છે તેમ શુભ કર્મોની પણ આસક્તિ હોય છે. આસક્તિ બંનેમાંથી ઉઠાવી લેવાની છે. હેય શબ્દ હમણાં વાપરતા નથી. હેય શબ્દ વાપરશું તો તમને ઘણાં પ્રશ્નો ઊઠશે કે અશુભ છોડવા જેવું બરાબર પણ, શુભ પણ હેય? મંદિરમાં ન જવું? પૂજા ન કરવી? પરોપકાર ન કરવો? દાન ન આપવું? તપસ્યા ન કરવી ? સ્વાધ્યાય કે સત્સંગ ન કરવો? દેવવંદન ન કરવું? તો અમારે કરવું શું ત્યારે ? શું કરવું તે જડ્યું નથી માટે આ કરવું. તે જડી જાય પછી આ બધું છોડી દેવું. તમે પાંચમા પગથિયે જાવ ક્યારે? ચોથું પગથિયું છોડશો ત્યારે ને? તમે કહેશો કે ચોથે રહેવું છે અને પાંચમે પણ જવું છે, તો મેળ નહિ પડે. અકસ્માત થશે.
શુભ પ્રવૃત્તિ અને અશુભ પ્રવૃત્તિ અને પ્રત્યે જીવને આસક્તિ છે. જીવને અશુભ પ્રવૃત્તિ હેય લાગે છે. અશુભ પ્રવૃત્તિના પરિણામે પાપ બંધાય તો નરકમાં જવું પડે. અને તે પાપનું ફળ ભોગવવું પડે એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે. તે વર્ણન સાંભળીને, નરકગતિના દુઃખો જાણીને હૈયું કંપી ઊઠે છે. વીરવિજયજી મહારાજે કહ્યું કે “સાંભળી હૈડાં કમકમે રે'. બાપ રે! આવું દુઃખ સહન ન થાય. તેથી અશુભ કર્મની આસક્તિ કદાચ છૂટી જાય. જો પાપ કરીશ તો ઢોરનો જન્મ લઈ દુઃખો સહન કરવો પડશે. આપણને ફ્રેશ્ચર થયું હોય તો એબ્યુલન્સકારમાં આપણને સંભાળીને લઈ જાય પણ ઢોરને થયું હોય તો? એબ્યુલન્સ કારમાં ? કે માથે ઊંચકીને લઈ જાય? શું ત્રાસ? આ બધા દુઃખો સાંભળ્યા, તે આપણે ભોગવવા નથી. આ દુઃખો કેમ આવે છે? તો પાપ કરવાથી આવે છે. પાપ કેમ થાય છે? અશુભ કર્મોથી. અશુભ કર્મો કેમ થાય
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org