________________
૨૪૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પોઈન્ટ છે. ઉપયોગ જ્યારે અંદરમાં ન રહેતાં બહાર જાય છે ત્યારે વિકલ્પો ઉત્પન્ન થાય છે. અને ઉપયોગ બહાર જો ન જાય તો, સ્થિરતા આવે.
જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે. પોતાના સ્વભાવમાં રમણતા કરવી તેનું નામ ચારિત્ર. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે', આત્મજ્ઞાનમાં જે મગ્ન છે તેને શ્રમણ કહેવાય અને બીજા દ્રવ્યલીંગી કહેવાય. ચિદાનંદજી મહારાજે ઘણી સરળતાથી વાત કરી છે કે આત્માના જ્ઞાનમાં જે મગ્ન છે તે પુદ્ગલના ખેલને જોયા કરે છે. પહેલાં જોતો હતો અને તેમાં ભળતો હતો, હવે માત્ર જોયા કરે છે, ભળતો નથી. ભળતો નથી એટલે કર્મનું ઈન્વેસ્ટમેન્ટ બંધ, રોકાણ બંધ. ભળે તો બંધ ચાલુ. જોવાનું તો થશે કેમકે જ્ઞાન છે ને, ભળવું એ મોહનું કામ છે અને જોવું તે જ્ઞાનનું કામ છે. ભળવું તે રાગનું કામ છે અને જોયું તે જ્ઞાનનું કામ છે. જ્ઞાન ભલે જાણે પણ અંદર તમે ભળો નહિ તેવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. એવી અવસ્થા એ સ્થિર અવસ્થા છે, એને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યફ ચારિત્ર કહે છે. “આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યત જો.” એવી સ્થિરતા આવી. “જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે પોતાના સ્વભાવમાં રમણતા કરે તેને કહેવાય છે શુદ્ધ અવસ્થા. ત્યાં કોઈ વિકલ્પ, વિકાર કે વાસના વગેરે ઊઠતા નથી. દ્વન્દ્ર ઊઠતા નથી અને રાગદ્વેષ પણ ઊઠતા નથી, આ બધું બંધ જ હોય. મેઈન સ્વીચ બંધ થઈ ગઈ, પછી બાકીની સ્વીચો તમે ચાલુ બંધ કરશો તો બચ્ચાંના ખેલ જેવું લાગશે.
કોઈ પણ રીતે આપણા ઉપયોગને બહારથી ખેંચીને સ્વરૂપમાં લાવીને ઠેરવવો, આના જેવી બીજી મોટી કોઈ સાધના નથી. આને કહેવાય છે ધ્યાન. તે બે અસર કરે છે. એક તો નવા કર્મની આવક બંધ થઈ જાય અને બીજું બેલેન્સમાં જે કર્મો પડ્યાં છે તેનો નિકાલ થઈ જાય. કપડાં ઉપર ચોંટેલી ધૂળને ખંખેરી નાખો તો કપડું ચોખ્ખું થઈ જાય, તેમ આવેલાં કર્મોને ધ્યાનથી ખંખેરી નાખો. કર્મો ક્ષય થાય તેને કહેવાય છે નિર્જરા. જૂના કર્મોનું બેલેન્સ ખલાસ થઈ ગયું, બેલેન્સ નીલ થયું. કર્મોની નીલ બેલેન્સવાળી અવસ્થા એને કહેવાય છે મોક્ષ. અર્થાત્ “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા.” એક વિકલ્પ પણ જેની પાસે રહ્યો નથી, એક વૃત્તિ પણ જેની પાસે રહી નથી, એવી અવસ્થા જો પ્રાપ્ત થાય તો તે બુદ્ધિમાન શિષ્ય ! અમે એને મોક્ષ કહીએ છીએ.
આત્મા સિદ્ધશીલામાં જાય છે, ઊર્ધ્વ આરોહણ કરે છે, ત્યાં કેવી રીતે રહે છે ? એવી ચિંતામાં પડશો નહિ. જશો એટલે ખબર પડશે. અત્યારે બધું જ સ્પષ્ટ નહિ થાય. લોકો પૂછે છે કે ત્યાં શું હોય? ચોપાટી છે? નાટક સિનેમા હોય? ત્યાં ખાવાપીવાનું કે બોલવાનું હોય? છાપું કે ટી.વી. ન હોય તો ટાઈમ કેમ જાય? ત્યાં કંઈ જ નથી, કાળાતીત અવસ્થા છે. તું તો છો ને ! એટલું તો જો, તું છો.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org