________________
૧૫૪
પ્રવચન ક્રમાંક - પ૩, ગાથા ક્રમાંક - ૭૦ કાયમ ટકે છે તે. જે નાશ પામે છે તેની તરફ તમે જોઈ રહ્યા છો અને જે સ્થિર રહે છે તેને તમે જોતાં જ નથી. નાશ પામે છે તેના તરફ જોવું તેને મોહ કહે છે અને જે સ્થિર રહે છે તેના તરફ જોવું તે ધર્મ છે. કોના તરફ જુઓ છો? ચૈતન્ય મૂર્તિ ભગવાન તરફ કે સ્થૂલ દેહ તરફ? દેહ બદલાયા કરે છે.
શાસ્ત્રમાં ત્રણ અવસ્થાઓ વર્ણવી છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એક દિવસ તમે ઘોડિયામાં સૂતાં હતાં તે બાલ્યાવસ્થા છૂટી ગઈ. પછી યુવાવસ્થા આવી, તે પણ ગઈ, અને પછી વૃદ્ધાવસ્થા આવી. ત્રણે અવસ્થાઓ દેહમાં થઈ, પણ ત્રણે અવસ્થાને જાણનારો દેહથી જુદો છે. અને તે ત્રણે અવસ્થાઓ જુદી જુદી છે પણ જાણનારો તો તેનો તે જ છે. અને તે ત્રણે અવસ્થાને જાણે છે, સમજે છે. એ ઘટના એનામાં બને છે. જ્ઞાની પુરુષને અંદરની વાત કરવી છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, ગુણ છે, એમાં પણ સમયે સમયે પરિવર્તન આવે છે, એની પર્યાયો આંતરિક છે. જ્ઞાન ગુણ છે તે હંમેશા સક્રિય છે. જ્યાં સક્રિયતા છે ત્યાં પલટો આવે છે પણ આત્મદ્રવ્યમાં ભેદ થયો નહીં. ભેદ કોનામાં થયો? ભેદ પર્યાયમાં થયો. પર્યાયમાં ભેદ પડ્યા વગર રહે નહિ. પર્યાયને જે જોવે છે તે મોહમાં જીવે છે અને દ્રવ્યને જે જોવે છે તે ધ્યાનમાં જીવે છે.
જેની દૃષ્ટિ પર્યાય તરફ ગઈ તે મોહમાં એટલે અજ્ઞાનમાં જવાનો, પર્યાય તરફ દૃષ્ટિ ગઈ એટલે રાગદ્વેષ થવાના. આ ગમતું, આ અણગમતું એમ થાય. તમે ઝવેરીની દુકાનમાં જાવ અને સોનાના બીસ્કીટો ખરીદો. અને પછી તેમાંથી ઘરેણાં બનાવો. આ ગમતું, આ અણગમતું, આ પસંદ, આ ના પસંદ એમ રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષ પર્યાયમાં થાય છે. દ્રવ્યમાં નથી. અને રાગ દ્વેષ ટાળવા ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ નહિ ટળે. પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવ્યા સિવાય દ્રવ્ય ઉપર દૃષ્ટિ લગાવ્યા સિવાય, રાગ દ્વેષ નહિ ટળે. તો કરવાનું શું? જોર વાપરીને પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવીને તેને દ્રવ્ય તરફ વાળવાની છે, અને દ્રવ્યમાં ઠેરવવાની છે. જો દ્રવ્યમાં દૃષ્ટિ ઠરે તો પણ અવસ્થાઓ તો થશે, પર્યાયો થશે, ઘટનાઓ ઘટશે, બનાવો બનશે, પરિસ્થિતિઓ આવશે, સંયોગો બદલાશે. તમે તેને જોશો પણ ખરા, જાણશો પણ ખરા પરંતુ તમે ત્યાં અટકશો નહિ પણ દ્રવ્યને જ જોશો. દ્રવ્ય ઉપર ઠરીને કે દ્રવ્ય તરફ સ્થિર થઈ પર્યાયને જોવી તેના જેવી જગતમાં બીજી કોઈ સાધના નથી.
પુનરાવૃત્તિ કરીને, દ્રવ્યમાં સ્થિર થઈ પર્યાયને જોવી. પર્યાય તો દેખાશે. તમે ના પાડશો તો પણ બંધ નહિ થાય. તો વાત શું આવી? અનંત ગુણ પર્યાયવાળું જે દ્રવ્ય તે મૂળ પદાર્થ છે અને તે ત્રણે કાળ રહેનાર છે. ત્રણે કાળ જે રહી શકે છે તેનો તમને ખ્યાલ નથી અને જે ત્રણે કાળ રહેવાનું નથી તેને ત્રણ કાળ રાખવા તમારી મથામણ છે. શરીર ત્રણે કાળ રહેવાનું નથી. કોને મરવું ગમે છે? શરીરને ત્રણે કાળ રાખવા આપણી મથામણ તો ખરી ને ? જ્યોતિષીને હાથ બતાવીએ છીએ કે જો ને, હું કેટલા વર્ષ જીવવાનો છું? જે વસ્તુ ત્રણે કાળ રહેવાની નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org