________________
૧૪૮
પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ એક સ્થૂળ અને આપણને સમજાય તેવું ઉદાહરણ આપું. અહીં બધા બેઠા છીએ તે લગભગ ૬૦, ૭૦, ૮૦ વર્ષના હશે. તમે જ્યારે જનમ્યા ત્યારે તમારો પહેલો દિવસ હતો. પછી દસ વર્ષના થયા, ત્યારે બાળક કહેવાયા. પછી ૨૦ થી ૨૫ વર્ષના થયા ત્યારે યુવાન કહેવાયા અને ૫૦ થી ૬૦ વર્ષ ગયાં એટલે વૃદ્ધ થયા. તો એ બાલ્યાવસ્થા આજે નથી, આજે યુવાવસ્થા પણ નથી, એ બધી અવસ્થાઓ ગઈ અને વૃદ્ધાવસ્થા આવી. પરંતુ તમે તો જે હતાં તે જ રહ્યાં. દેહની આ બધી અવસ્થાઓનું જ્ઞાન તમને એકને જ થયું ને? હું બાળક, હું યુવાન, હું વૃદ્ધ, તો ત્રણે જુદા જુદા નથી પણ તે જાણનાર તમે એક જ છો.
તમે ઘરમાં હો ત્યારે ધોતિયું પહેર્યું હોય, અને બહાર જાઓ ત્યારે શર્ટ પેન્ટ પહેરીને જાઓ. રાત્રે લૂંગી પહેરીને ફરો. કોઈના ઉઠમણામાં જાઓ તો સફેદ કપડાં. તો આ પહેરનાર તો એકનો એક જ, કપડાં જુદાં જુદાં, તો પહેરનાર બદલાયો? ના, તે બદલાતો નથી. કપડાં બદલાય છે. કપડાં બદલવાથી વ્યક્તિ બદલાતી નથી.
“આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય.” ટકીને બદલાવું એ સિદ્ધાંત છે. તમે ચકરડામાં તો બેઠા જ હશો. ચગડોળ ગોળ ગોળ ફરે છે. એ ચગડોળ ફરે છે અને સ્થિર પણ રહે છે. જો સ્થિર ન હોય તો ચગડોળ અને તમે બન્ને પડો, તેવી જ રીતે ગાડાનાં પૈડાં ફરે છે પરંતુ તેમાં જે ધરી હોય છે તે કાયમ અને સ્થિર છે. તો દ્રવ્ય કાયમ અને અવસ્થા બદલાય તેને કહે છે પર્યાય. હે શિષ્ય ! પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. અને દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે. માટે આત્મા નિત્ય છે અને તેની પર્યાયો એટલે કે અવસ્થાઓ બદલાય છે.
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવનિર્ધાર. (૬૯) ક્ષણિક એટલે ક્ષણ માટે રહેનાર, ક્ષણ પહેલાં પણ નહિ અને ક્ષણ પછી પણ નહિ. અહીં તર્ક અને સિદ્ધાંત વગર સદ્ગુરુ કહે છે કે હે શિષ્ય ! મારે એ જાણવું છે કે આ વસ્તુ ક્ષણિક છે તે નક્કી કોણે કર્યું? એમ કહે કે એણે કર્યું તો ક્ષણ પહેલાં જે હતો તે ક્ષણ પછી પણ હોવો જોઈએ. વસ્તુ સાથે જો એનો નાશ થઈ જાય તો વસ્તુ, દ્રવ્ય ક્ષણિક છે તેમ કોણ કહેશે? આ દલીલ સમજાય છે? ક્ષણિકનું જ્ઞાન જેને થાય છે અને ક્ષણિક છે તે જાણીને બોલનારો ક્ષણિક તો નથી જ. નહિ તો કહેશે કેવી રીતે? એ બોલનાર કાયમ છે.
પ્લેટફોર્મ ઉપર ટ્રેઈન આવે, નવ વાગ્યે ટ્રેન ઉપડે અને ડ્રાઈવર અગિયાર વાગ્યે આવ્યો. બની જ ન શકે ને? ગાડી ચલાવનાર તો પહેલાં હોવો જોઈએ ને? ગાડી ઊપડે તે પહેલાં પણ પ્રાઈવર હોવો જોઈએ અને ગાડી ઊભી રહે ત્યારે પણ પ્રાઈવર હોવો જોઈએ.
ક્ષણિક વસ્તુ છે તે જેણે જાણ્યું તે ક્ષણિક નથી. જે વસ્તુ ક્ષણિક છે તેને જાણનાર પહેલાં પણ છે અને પછી પણ છે. ભાઈ ! તું અનુભવ કર અને નિર્ણય કરી લે. આના ઉપરથી નક્કી થશે કે આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે, જગતમાં જે છે તે છે, અને જેમ છે તેમ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org