________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૭
જૈન દર્શનના કેટલાક શબ્દો સમજી લ્યો. આ જગતમાં પદાર્થો છે, વસ્તુ છે. એ પદાર્થ કે વસ્તુ માટે જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે દ્રવ્ય. દ્રવ્ય એટલે વસ્તુ. પુદ્ગલ પણ એક વસ્તુ છે, પદાર્થ છે, દ્રવ્ય છે. આત્મા પણ વસ્તુ છે, પદાર્થ છે, દ્રવ્ય છે. પુદ્ગલમાં તમને અસંખ્ય વિભાગો જોવા મળશે. દા.ત. ફર્નિચર. ફર્નિચરની મોટી મોટી દુકાનો હોય છે. હજારો જાતના ફર્નિચર એક જ લાકડામાંથી બનાવેલાં હોય છે. હજારો જાતનાં ફર્નિચર ભલે હોય, પણ એને કહેવાય વસ્તુ. પરંતુ સમગ્ર વસ્તુ માટે જો વાત કરવી હોય તો તેને કહેવાય છે પુદ્ગલ. પુદ્ગલ વસ્તુ છે, આકાશ વસ્તુ છે અને આત્મા પણ વસ્તુ છે. અને વસ્તુને દ્રવ્ય કહેવાય છે.
કોઈ પૂછે કે સાકર કેવી છે ? તો સાકર ગળી છે. મરચું કેવું છે ? તો મરચું તીખું છે. લીંબુ કેવું છે ? તો લીંબુ ખાટું છે. આ ગળાશ, તીખાશ, ખટાશ તે વસ્તુના ગુણ છે. અને ત્રીજી વાત એ કે તે વસ્તુની જુદી જુદી અવસ્થા પણ હોય. સાકરનો પહેલાં ગાંગડો હોય, સાકર વાટેલી પણ હોય, સાકર ચામાં પણ હોય, દૂધમાં પણ હોય. એ સાકર મીઠાઈમાં પણ હોય. આ બધી સાકરની જુદી જુદી અવસ્થા. તો ગુણ (શક્તિ) અને અવસ્થા આ બન્ને જેનામાં હોય તેને કહેવાય છે દ્રવ્ય.
આત્મા દ્રવ્ય છે અને જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર્ય, વીર્ય તેનાં ગુણો છે. અને તેમાં સમયે સમયે જે પરિવર્તન થાય છે તે તેની પર્યાયો છે. તો કેટલા શબ્દો આવ્યા ? દ્રવ્ય, ગુણ, પર્યાય. આ ત્રણ ઉપ૨ ૧૪ પૂર્વેની ઈમારત ઊભી છે.
અવસ્થા વગર વસ્તુ હોઈ શકે નહિ. કોઈને કોઈ અવસ્થા વસ્તુમાં રહેશે જ. જેમકે પાણી દરિયામાં હોય તો તે આકારનું, નદીમાં હોય તો તે આકારનું, ખાબોચિયામાં હોય તો તે આકારનું અને લોટામાં હોય તો તે આકારનું. છે પાણી પણ આકાર જુદા જુદા. આને કહેવાય છે અવસ્થા અથવા પર્યાય. કોઈપણ વસ્તુ હોય તો તેના ગુણો પણ હોય, અને જુદી જુદી અવસ્થાઓ પણ હોય. આપણે એ સમજવું છે કે પાણી તો એનું એ જ છે. પરંતુ તમે ઘડામાંથી બહાર કાઢી બાલટીમાં નાખો તો આકાર બદલાયો ને ? ઘડામાં આકાર જુદો હતો અને બાલટીમાં તે જ પાણીનો આકાર જુદો થશે. પછી બાલટીમાંથી લોટામાં પાણી લીધું એટલે તેનો આકાર બદલાયો. લોટામાંથી ગ્લાસમાં પાણી લીધું તો આકાર બદલાયો. રહ્યું કોણ ? પાણી રહ્યું, પણ આકારો બદલાયા. આકાર કાયમ નહિ. પાણી કાયમ રહ્યું. આકાર બદલાશે વસ્તુ નહિ બદલાય. એ અપેક્ષાએ જો વિચાર કરીએ તો આકાર કાયમ નથી, વસ્તુ કાયમ છે. આત્મા દ્રવ્ય છે. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ પલટાયા કરે તેવો છે, અનિત્ય છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય છે. આ શબ્દોમાં ખૂબી છે. વસ્તુ એટલે આત્મા કાયમ ટકી રહેવાનો, વસ્તુ બદલાશે નહિ. પરંતુ ‘પર્યાયે પલટાય’ એટલે જુદી જુદી અવસ્થાને કા૨ણે એ બદલાય છે. આ આપણામાં બનતી અને બદલાતી ઘટના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org