________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૫ કહેવાય છે જન્મ થયો. જન્મ્યા પછી એ પણ નક્કી હોય છે કે આ દેહ આટલા વર્ષ તમારી પાસે રહેશે. ભાડા ચિઠ્ઠી નક્કી થાય છે. મકાન ભાડે લીધું હોય તો નક્કી કરવામાં આવે છે કે અમુક સમય પછી ખાલી કરવું પડશે. આ શરીર તમને જે મળ્યું તે ગતિ નામકર્મે આપ્યું અને કેટલો સમય રહેવાનું તે આયુષ્ય કર્મે નક્કી કરી આપ્યું.
આયુકર્મ લે ઘરકા ભાડાં, દિન દિન કરકે લેખા,
મહતલ પુગ્યા પલક ન રાખે, એસા બડા અદેખા. અહીં એમ કહે છે કે એ એવો ઈર્ષ્યાળુ છે, ઝેરીલો છે કે ટાઈમ પૂરો થયા પછી આંખના પલકાર જેટલો સમય પણ તમને રાખશે નહિ. જન્મ પછી મૃત્યુના સમય સુધી તમે જે કર્યું હશે તે બધું ભોગવવું પડશે. દરેક ક્ષણે, પ્રત્યેક ક્ષણે તમે કંઈ ને કંઈ કરો જ છો. માટે હવે એ ભોગવવા બીજા દેહમાં આગળ ચાલો. માટે પુનર્જન્મ થાય છે. અનંતકાળમાં અનંત દેહ આત્માએ ધારણ કર્યા છે. કંઈ ખ્યાલમાં આવે છે? તમે કહેશો કે અમે નથી માનતા, કંઈ વાંધો નહિ, તમે નહિ માનો તોપણ નિયમમાંથી મુક્તિ મળશે નહિ. જેણે કર્મો કર્યા હશે તેણે પરિણામ ભોગવવાં જ પડશે અને તે ભોગવવા નવો જન્મ લેવો જ પડશે અને તેને કહેવાય છે પુનર્જન્મ.
બીજી મહત્ત્વની વાત, આ જગત સામે તમે નજર નાખશો તો આ જગતમાં જેટલાં પ્રાણીઓ છે તે પ્રત્યેક પ્રાણીની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. પ્રકૃતિ એટલે ટેવ. પ્રકૃતિ એટલે સ્વભાવ. એક ઘરમાં દસ માણસો હોય તો દસેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. સાંજે જમવા બેઠા હોય તો કોઈ એમ કહેશે કે મને ભાખરી જોઈએ છે, કોઈને રોટલી અને કોઈને રોટલો, કોઈને શીરો, જાતજાતનું ભાવે છે, જાતજાતની પ્રકૃતિ અને જાતજાતની ટેવો છે. આ જગતમાં કેટલી બધી વિચિત્રતાઓ છે. એક ડાહ્યો છે પણ તે મગજ ખોઈ બેસે ત્યારે ગાંડાથી પણ ગાંડો છે. એક અહંકારી છે, એક નમ્ર છે. આ દરેકની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. અને સંસ્કારો જુદા જુદા છે.
આ સંસ્કારોનું પોટલું લઈને આપણે અહીં આવ્યા છીએ. ડૉક્ટર વિઝીટે જાય ત્યારે સાથે બેગ રાખતા હોય છે. આપણે પણ જ્યાં જઈએ ત્યાં સંસ્કારોની પેટી લઈને જઈએ છીએ. અને પછી જીવનમાં ખેલ ચાલુ થઈ જાય છે. કોઈ માણસ ઘડી ઘડી ચિડાયા કરે છે. આપણને થાય કે આ આમ કેમ કરે છે? ચિડાવાનો અભ્યાસ કરતો કરતો આવ્યો છે, અને બરાબર ચિડાય છે. કોઈને સમજાવો તો સમજે અને કોઈ સમજે જ નહિ અને કોઈ એવા હોય છે કે સમજાવવા જાઓ તો આપણા ઉપર તૂટી પડે. જગતમાં જાતજાતના નમૂનાઓ છે.
આ જુદા જુદા કેમ? આ ભિન્ન ભિન્ન કેમ ? આ બધો માલ એક સરખો કેમ નહિ? કારણ? પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર છે. દરેક આત્મા, તેની ક્રિયા, અભ્યાસ, સંસ્કારો બધું સ્વતંત્ર છે. તમે અહીં આવો છો ત્યારે સંસ્કાર લઈને આવો છો. માટે કહીએ છીએ કે ભલા અને ડાહ્યા થઈને સંસ્કાર મજબૂત કરશો નહિ. ક્રોધ, અહંકાર, કામવાસના, ઈર્ષા, દ્વેષ, જુઠું બોલવું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org