________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩૩ અનુભવવાની પ્રક્રિયા ક્યારેય સંભવતી નથી. માટે જ ચેતનનાં ઉત્પત્તિ અને લય થાય છે તેવો શરીરને અનુભવ ક્યારેય થતો નથી.
ફરી પુનરાવૃત્તિ કરીને...આત્મા શરીર પહેલાં પણ હતો અને નાશ પામ્યાં પછી પણ હશે. માટે હે શિષ્ય ! આ આત્મા અવિનાશી છે. વિનાશી સાથે રહેનારો એ પોતે અવિનાશી છે. એ નિત્ય છે, એ શાશ્વત છે, એ કાયમ છે. આત્મા રહ્યો તેનો અર્થ એવો થાય કે જન્મ પહેલાં પણ હતો. શરીરની ઉત્પત્તિ પહેલાં અને ઉત્પત્તિ પછી જેનું હોવાપણું છે તે શરીરથી બિલકુલ જુદો છે, એવો આત્મા છે અને તે નિત્ય છે.
આટલી વાત થયા પછી પણ શિષ્યના મનનું સમાધાન ન થયું. તેને એમ લાગે છે કે જગતમાં જુદા જુદા સંયોગો છે અને તેમાંથી આ આત્મા ઉત્પન્ન થાય છે, તેથી ૬૪મી ગાથામાં બહુ જ હળવાશથી વાત કહે છે કે
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય;
ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. (૬૪) ફરી જરા શાંત બની આ વાત વિચારીએ. જગતમાં જે કંઈપણ બને છે તે સંયોગોનો ખેલ છે. આપણું શરીર તે પરમાણુઓના સંયોગોનો ખેલ છે. આ કપડું બન્યું એ પણ સંયોગોનો ખેલ છે. જગતમાં દશ્ય ભૂમિકા ઉપર જે કંઈ બને છે તે જુદા જુદા સંયોગોનો ખેલ છે. આ વૃક્ષ આપણને દેખાય છે, તેનું મૂળ, તેનું બીજ, તેની ડાળીઓ એનાં પાંદડાં, ફળ, ફૂલ, વસંત ઋતુ, પાનખર ઋતુ, વર્ષા ઋતુ, પાંદડાંનું ખરી જવું, ડાળ મોટી થવી, ડાળ તૂટી જવી, એમાંથી નવાં પાંદડાં આવવાં, નવાં ફૂલો બેસવાં. આ બધું વૃક્ષમાં જે થાય છે તે સંયોગોનો ખેલ છે. આખા જગતમાં, જે કંઈ જોવામાં આવે છે તે માત્ર સંયોગોનો ખેલ છે. સંયોગોથી નવી નવી રચના થાય છે, પરંતુ એક વાત છે, જે નવી રચનાઓ થાય છે તે એક દિવસ વિખરાઈ પણ જવાની છે
સંયોગ બોલો એટલે વિયોગ તો આવવાનો જ. આ જોડિયા શબ્દો છે. જન્મ બોલો એટલે મૃત્યુ આવવાનું જ છે. સુખ બોલો તો પાછળ દુઃખ આવવાનું જ છે. માનની પાછળ અપમાન, અનુકૂળતા પાછળ પ્રતિકૂળતા પણ આવવાની જ છે. સારું બોલો તો ખરાબ આવવાનું જ છે. આ શબ્દો સાપેક્ષ છે. સાથે જ રહેવાનાં. સંયોગ પણ દેખાય છે અને વિયોગ પણ દેખાય છે. આપણે કહીએ છીએ કે ફલાણાભાઈ અમારા મિત્ર હતા, સાથે બેસીને ચા પીતા હતા, વાતો કરતા હતા, ફરવા જતા હતા, પણ જોતજોતામાં તે ચાલ્યા ગયા. હતા ત્યાં સુધી સંયોગ અને ગયા એટલે વિયોગ, માટે સંયોગને અને વિયોગને જોનારો એનાથી જુદો છે અને તે સંયોગ વિયોગને જુએ છે.
જે જે સંયોગ વિયોગ દેખાય છે તે તે અનુભવ કરનાર જે આત્મા છે તેને માટે તે દશ્ય છે. જરા સમજવું કે સંયોગો જ્યાં પણ દેખાય છે ત્યાં તેનો અર્થ એ થાય કે કોક દેખનારો છે. તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org