________________
૯૦
પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ દ્રવ્ય તરફ તમે ઢળેલા છો અને આત્માનો અસ્વીકાર હોય તેવી અવસ્થા જીવનમાં છે તેને કહેવાય છે મિથ્યાત્વ. જડ અને ચેતન બે જુદા છે તે પહેલી વાત. આ જુદું પાડવું ઘણું કઠિન છે. ઘણો કાળ ગયો પણ હજુ જુદું પડ્યું નથી. એટલા માટે શાસ્ત્રોમાં બે શબ્દો છે. અપૂર્વકરણ અને બીજો શબ્દ છે ગ્રંથિભેદ. બિલકુલ પારિભાષિક શબ્દો છે. અપૂર્વ એટલે પૂર્વે નહિ થયેલું, નહિ આવેલું, નહિ જોયેલું, જાણેલું તેને કહેવાય છે અપૂર્વ, ભૂતકાળમાં નથી બન્યું તેવું અને હવે બન્યું માટે તેને કહેવાય છે અપૂર્વ. કરણ એટલે પરિણામ. આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં ક્યારેય પણ આવાં પરિણામ જીવમાં ઉત્પન્ન થયાં નથી. પરિણામ એટલે ભાવ. કયા પરિણામ ? તો રાગદ્વેષને હું દૂર કરું તેવા પરિણામ જીવમાં કદી પણ ઉત્પન્ન થયા નથી. રાગ દ્વેષની ગાંઠને ભેદે તેવો પરિણામ-વીર્ય તેને કહેવાય અપૂર્વકરણ. બીજો શબ્દ છે ગ્રંથિભેદ. ગ્રંથિ એટલે ગાંઠ, ગાંઠને ભેદવાની છે, તોડવાની છે, જડ અને ચેતન બંને એક છે, અથવા ચેતન નથી અને જડ એકલું જ છે અથવા જડ તે જ ચૈતન્ય છે એવી જે બુદ્ધિપૂર્વકની માન્યતા તેને કહેવાય છે ગ્રંથિ. આ ગાંઠ આડી આવે છે. જીવનમાં ઘણા પ્રકારની ગાંઠ છે, વાયુની ગાંઠ, ટી.બી.ની ગાંઠ, ગુમડાંની ગાંઠ, કેન્સરની ગાંઠ. આ બધી ગાંઠો કરતાં જડ અને ચેતન એક છે અથવા જડનો સ્વીકાર અને ચેતનનો ઇન્કાર, જડ છે અને ચેતન નથી એવો સ્વીકાર એ મોટામાં મોટી ગાંઠ છે. નવાઈ તો એ લાગે કે બુદ્ધિશાળી માણસો આ આત્માનો સ્વીકાર કરતા નથી.
બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. જડ પણ જુદું અને ચૈતન્ય પણ જુદું છે. કેમ ? ‘કેવળ પ્રગટ સ્વભાવ.’ બંનેનો સ્વભાવ પ્રગટ છે. બંનેનો સ્વભાવ જુદો છે. જાણવું તે ચેતનનો સ્વભાવ છે અને ન જાણવું તે જડનો સ્વભાવ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પુદ્ગલનો સ્વભાવ છે. અને ન વર્ણ, ન રસ, ન ગંધ, ન સ્પર્શ એ આત્માનો સ્વભાવ છે. માત્ર જાણ્યા જ કરવું તે આત્માનો સ્વભાવ છે. બંનેના સ્વભાવ જુદા જુદા છે. અને કોઈ પણ કાળે તે એક થઈ શકતાં નથી. બંને એક નહિ થાય. સામાન્ય વ્યવહારમાં પણ મરચું અને સાકર એક ડબ્બામાં નાખો તો પણ એક નહિ જ થાય. એ જુદાં જ રહેશે. વ્યવહારમાં પણ મરચું સાકર એક થઈ શકતાં નથી, તો આત્મા અને પુદ્ગલ એક કેમ થશે ? તે બંને જુદા છે, ત્રણકાળમાં એકપણું પામે નહિ. એકાકાર થઈ શકતાં નથી. ત્રણેકાળ દ્વયભાવ એટલે બે જ ભાવો. દેહ અને આત્મા જુદા છે તેવો દ્વૈતભાવ જગતમાં પ્રસિદ્ધ છે. જૈન દર્શન દ્વૈતવાદી છે. એ બેનો સ્વીકાર કરે છે. જડ અને ચેતન બંને જુદાં છે એવો પ્રગટ અનુભવ જીવનમાં થાય છે.
હવે વાત એ કરવી છે કે જડ અને ચેતન વચ્ચે જે રચના થાય છે, અને જે કર્મબંધ પડે છે તેની ચર્ચા કર્યા પછી ૫૮મી ગાથાનો પ્રારંભ કરીશું.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org