________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૮૯
અમારે દુઃખ કેમ ભોગવવું પડે છે ? તો કોઈ કહે એવાં કર્મો કર્યા માટે. તો પૂછો છો કે કોણે કર્યાં, કેવી રીતે થયાં ? તમે એટલું સમજી લો કે કર્મની પણ એક વ્યવસ્થા છે. ચૈતન્ય એ પણ દ્રવ્ય છે અને જડ પણ એક દ્રવ્ય છે. જડ અને ચેતન બે દ્રવ્યો છે. કર્મો જડ દ્રવ્ય છે. તમે જડને તો જુઓ છો. કારણ કે જડ રૂપી છે તેથી જડને સમજાવવાની જરૂર નથી. એટલા માટે કોઈ જ્ઞાની પુરુષે પુદ્ગલ દ્રવ્યને સમજાવવાની બહુ મહેનત કરી નથી. જગત દેખાય છે, પદાર્થો દેખાય છે પરંતુ મહેનત જે કરવી પડે છે તે જોનાર, દેખનાર માટે કરવી પડે છે. દેખનાર, જોનાર જે અંદર બેઠો છે, તે જે વસ્તુ જોવે છે તેને માને છે પણ પોતાને માનતો નથી. આ સમસ્યા સમજો. તમે જેને જુઓ છો તેને માનો છો કે આ પુદ્ગલ દ્રવ્ય છે અને તમે પોતે જોનાર છો તેને (આત્માને) માનતા નથી એટલા માટે ષટ્કદમાં આત્મા નથી અને હોય તો જણાય કેમ નહિ ? ત્યાંથી શરૂઆત થઈ. હે ગુરુદેવ ! આત્મા છે જ નહિ. કેમ ? તો
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ,
બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ.
જોનાર છે, જુએ છે, જોવાની ક્રિયા ચાલે છે, જોવાની પ્રક્રિયા ચાલે છે, જોતો હોવા છતાં અને જોવાની ક્રિયા કે પ્રક્રિયા કરતો હોવા છતાં જે જોનાર પોતે છે તે પોતાની ના પાડે છે. જે વસ્તુ જોવે છે તેની હા પાડે છે. શબ્દો સમજી લો. જોનારની જોનાર પોતે ના પાડે છે અને જે વસ્તુ જોવે છે તેની હા પાડે છે. આ જે દેખાય છે તે છે તે તમને સમજાવવું પડતું નથી. આ રૂપિયાની નોટો તિજોરીમાં જ મુકાય, એ કચરાપેટીમાં ન નખાય એ કહેવું પડતું નથી. જોનાર જેને જોવે છે તેને માને છે. જે વસ્તુને જોવે છે તે પુદ્ગલ અને જે જોનાર છે તે ચૈતન્ય. આ બે વસ્તુઓ જગતમાં છે. એમાં ચૈતન્ય, જોનાર તમે છો. આ જગતમાં જે આગળ જ્ઞાનીઓ થઈ ગયા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે તે બધાએ એક જ વાત કરી છે કે જે ચૈતન્ય છે તે જોનારો છે અને દેખાય છે તે જડ છે અને તું જોનાર જડથી જુદો છો.
આપણી સૃષ્ટિમાં પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજું કંઈ દેખાતું નથી. અને પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય નથી એવી ખોટી સમજણ જેનાથી થાય તેને કહેવાય છે મિથ્યાત્વ. કુદેવ, કુગુરુ, કુધર્મ, સદ્ગુરુ, અસદ્ગુરુ એ બધી વાત પછી કરીશું. પહેલી વાત તો એ કે આ જડ અને ચેતન બે દ્રવ્યો છે. જડ દ્રવ્ય સિવાય બીજાનું અસ્તિત્વ જે સ્વીકારતો નથી અને જેના કારણે અસ્વીકાર થાય છે તેને કહેવાય છે મિથ્યાત્વ. મિથ્યાત્વનું બીજું નામ દર્શનમોહ. જ્યાં સુધી પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય જગતમાં છે, તેનો સ્વીકાર નહિ થાય ત્યાં સુધી સાધનાની શરૂઆત નહિ થાય.
પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, પુદ્ગલ દ્રવ્ય તમને દેખાય છે માટે તમે તેના તરફ ઢળો છો. અને તેથી રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષથી કર્મો બંધાય છે, તેનું ફળ નક્કી થાય છે, એ ભોગવવું પડે છે, અને સંસારમાં જુદી જુદી ગતિઓમાં જવું પડે છે. આપણે એમ કહીએ છીએ કે અમારે મોક્ષ જોઈએ છે. જોઈએ છે મોક્ષ અને ધંધો કરવો છે પુદ્ગલ દ્રવ્યનો, મેળ નહિ પડે. પુદ્ગલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org