________________
૭૬
પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬ સાવધાન એટલા માટે થવાનું છે કે એ પ્રગટ છે. પ્રગટ એને કહેવાય છે કે જેના હોવાપણાં માટે કોઈ પણ કારણની જરૂર નથી. સૂર્ય આકાશમાં ઉગ્યો, પ્રગટ થયો. ફૂલ ખીલ્યું, પ્રગટ થયું. બાળક જન્મે, પ્રગટ થયું. શરદપૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ઉગ્યો, પ્રગટ થયો. નદી વહેતી થઈ, પ્રગટ થઈ. પ્રગટ એટલે હોવું, હાજર હોવું. પ્રગટ એટલે છે, તેને લાવવાની જરૂર નથી. તમે આત્મા છે, તેમ વાત કરો તો પણ ઠીક છે, આત્મા નથી એમ વાત કરો તો પણ ઠીક છે, આત્માને માનો તો પણ ઠીક અને ન માનો તો પણ ઠીક. નહિ માનો તો નુકસાન થશે. માનશો તો ઘણો લાભ થશે. માનવું ન માનવું તમારી મરજી. અહીં તો છે અને પ્રગટ છે. પ્રગટ એટલે પ્રાપ્ત. જેના હોવા માટે કશાની જરૂર નથી. તર્કની, દલીલની જરૂર નથી. અરે ! શાસ્ત્રોની પણ જરૂર નથી.
આ પ્રગટ સાથે શબ્દ વાપર્યો છે “રૂપ'. આ રૂપ બોલીએ ત્યારે ભ્રમણા થાય છે. રૂપ એટલે આકૃતિ નહીં, રૂપ એટલે રંગ નહીં, રૂપ એટલે કદ કે વજન નહીં. રૂપ એટલે સુંદર, કાળું, પીળું, ધોળું એ રૂપ નહીં. પરંતુ રૂપ એટલે તેનું સ્વરૂપ. તો પ્રગટ ચૈતન્ય છે અને તેનું સ્વરૂપ પણ છે. શું સ્વરૂપ છે? બહુ મઝાનો શબ્દ છે, ચૈતન્યમય. ચૈતન્યમય શબ્દ ચિતમાંથી બન્યો છે. ચિતિ ચૈતન્યમ્ જે ચેતે છે, જાણે છે, પ્રત્યેક સમયે જે જાણે છે, એ જાણવાની પ્રક્રિયા નિરંતર જેનામાં ઘટે છે એને કહેવાય છે ચિતિ શક્તિ અને આવી ચિતિ જેનામાં છે તેને કહેવાય ચૈતન્ય.
કોઈપણ શબ્દને સમજ્યા વગર ન બોલશો. પ્રત્યેક શબ્દને જુદો પાડો. બીજને તૂટવા દો, તેમાંથી વડલો થશે. શબ્દને તૂટવા દો, તેમાંથી અર્થ આવશે. આ એકલા શબ્દો કોથળામાં પાંચ શેરી જેવા છે, સ્પષ્ટ નહિ થાય. બરાબર સમજાશે નહિ. ચૈતન્ય એટલે ચિતિ શક્તિ અને ચિતિ એટલે જાણવું, નિરંતર જાણવું, જે જાણ્યા જ કરે છે તેવું. જાણ્યા જ કરે તેવો પ્રગટ જેનો સ્વભાવ છે. ભાઈ, તારે આત્મા માનવો, ન માનવો તારી મરજીની વાત છે, પરંતુ આ જગતમાં એવું એક તત્ત્વ છે, જે પ્રગટ સ્વરૂપે છે અને જાણ્યા કરે તેવો તેનો સ્વભાવ છે. તમને કંઈ ખ્યાલમાં આવે છે? તમે શું કરો છો? શરીરથી પણ જાણો છો, ઈન્દ્રિયોથી પણ જાણો છો. મનથી પણ જાણો છો, બુદ્ધિથી પણ જાણો છો. તમે જાણવા સિવાય બીજું કંઈ કરતાં નથી. આ જાણનારો
ક્યારેય ઊંઘતો નથી. હંમેશા જાગૃત સ્વરૂપે છે. કંઈ સમજાય છે? રાત્રે સૂતા હો અને મચ્છર કરડે ત્યારે જાણનારો બેઠો છે. ખબર પડે કે મચ્છર કરડ્યો અને ખબર પડતાંની સાથે જ મસ્તકમાં સમાચાર પહોંચે છે. સાહેબ ! જોખમ છે, મચ્છર ડાબા પગના અંગૂઠા ઉપર બેઠો છે. અને હાથને આજ્ઞા થાય કે પહોંચી ત્યાં અને મચ્છરને વિદાય કરો. આ બધું બન્યું તેમાં બે ચાર કલાક લાગતા હશે ? તતક્ષણ બને, કારણ કે અંદર જાણનારો બેઠો છે. જરા ઊંડાણમાં જઈ વાત કરીએ. અનંતકાળથી ચૈતન્ય છે અને અનંતકાળથી સમયે સમયે ચૈતન્ય જાણવાનું કામ કરે છે. આવું લક્ષણ જેનું છે તેને હે શિષ્ય ! અમે આત્મા કહીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org