________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૪૫
ગાથા ક્રમાંક - પપ-પ૬ તર્કથી આત્મસિદ્ધિ
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? (૫૫) ટીકાઃ ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, “તે છે” એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો
જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? (૫૫)
અત્યંત સાવધાનીથી અને પૂરેપૂરા જાગૃત બનીને આ મૌલિક શબ્દો છે એને તથા તેનો જે અર્થ છે એ બન્નેને લક્ષમાં લેવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરજો.
જીવનનું પરિવર્તન થાય, ક્રાંતિ થાય, જીવનમાં ટ્રાન્સફરમેશન થાય, એવી આ પળ છે. સમગ્ર જીવનનું રૂપાંતરનો પ્રારંભ થાય એવી આ ઘટના છે. જેમણે જીવનમાં પરિવર્તન કરવું છે, જેમણે જીવનનું રૂપાંતર કરવું છે, જેમણે જીવનમાં વિકસિત થવું છે, જેણે અવસ્થા બદલવી છે, તેણે સાવધાનીપૂર્વક આ શબ્દો લક્ષમાં લેવા પડશે.
ઉઘાડી આંખે જે આપણને દેખાય છે, તેને કોઈ વિશ્વ કહે છે, કોઈ સંસાર કહે છે, કોઈ જગત કહે છે. પરંતુ કોઈ જ્ઞાનીને પૂછો તો જ્ઞાની એમ કહેશે કે પુદ્ગલની આ જુદી જુદી અવસ્થાઓ છે. આ અવસ્થા એટલે time being રચના, કાયમ નહિ, પરંતુ અમુક સમય પૂરતી મર્યાદિત રચના. આ મર્યાદિત શબ્દ વાપરીએ ત્યારે તે ૫૦ વર્ષ હોઈ શકે, ૬૦ કે ૭૦ વર્ષ પણ હોઈ શકે અને ૧૦૦ વર્ષ કે તેથી વધારે પણ હોઈ શકે. અવસ્થાઓ બદલાયા કરશે. આજે જગતમાં તમે કંઈપણ જુઓ છો તે જુદી જુદી અવસ્થાઓને જુઓ છો. એક બાળકને સતત જોશો તો પ્રત્યેક ક્ષણે બાળક બદલાય છે. બાળકમાં બદલાવાની પ્રક્રિયા બાલ્ય અવસ્થાથી તે વૃદ્ધાવસ્થા સુધી અને મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી ચાલશે. એક કપડું બજારમાંથી લાવ્યા, બહુ સુંદર છે. ૨૫ જણને બતાવ્યું, બધાએ માથું પણ હલાવ્યું, પહેર્યું પણ ખરું અને થોડા વખત પછી એ કપડું જોવા જશો તો ઘરમાં તમને મસોતાં તરીકે મળી આવશે. બહેનોને મસોતું એટલે શું તે ખબર છે. નવું કપડું કેટલું સુંદર હતું પણ વખત જતાં ધીરે ધીરે અવસ્થા બદલાઈ ગઈ. દૂધ આવ્યું, તેમાંથી દહીં બનાવ્યું, પછી માખણ, પછી ઘી થયું, વાપર્યું એટલે પેટમાં ગયું. તેમાંથી મળ થયો અને પછી ખાતર થયું. વસ્તુઓની આવી અસંખ્ય અવસ્થાઓ બદલાય છે. ક્ષણે ક્ષણે બદલાય છે. જગતનો અર્થ શું? અવસ્થાંતર નિરંતર જ્યાં થાય છે તેને કહેવાય છે જગત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org