________________
વસંતવિલાસનો છંદ
૩૩ સારું એવું અંતર હોય ત્યારે તો મૂળની ભાષા વ્યક્ત કરતાં લક્ષણો ક્યાં અને પ્રતિલિપિ સમયની ભાષાની અસરનાં દ્યોતક લક્ષણો ક્યાં એ બાબતનું સ્પષ્ટીકરણ કઠિન હોવા છતાં, ખૂબ જ આવશ્યક બને છે. આ પ્રકારનો નિર્ણય કરવામાં કૃતિ પદ્યાત્મક હોય ત્યારે કૃતિનો છંદ સારી રીતે માર્ગદર્શક થાય.
પણ છંદના અભ્યાસની કઠિનતાઓ ભાષાના અભ્યાસની કઠિનતાઓથી ઓછી ઊતરે તેવી નથી. પ્રાચીન કૃતિના છંદની તપાસ કરતી વેળા કેટલીક પાયારૂપ હકીકતો આપણે વીસરી ન જ શકીએ. પહેલું તો એ કે છંદના વાસ્તવિક સ્વરૂપ અને તેનું પઠન કરતી વેળા વ્યક્ત થતું સ્વરૂપ એ બંને વચ્ચે ભેદ હોય અગર ન હોય, પણ દરેક છંદને પોતાનું ચોક્કસ અને તત્કાળ પૂરતું સ્થિર બંધારણ તો હતું જ. બીજું, છંદનું માપ જાળવવાને લેખકો એટલા આતુર હતા કે તે માટે વ્યાકરણ કે ચાલુ ઉચ્ચારણને તાણવાખેંચવા પડે તોપણ તેઓ જરાયે અચકાતા નહીં. ત્રીજું, દરેક કૃતિની લેખનપદ્ધિતમાં ઊડીને આંખે વળગે તેટલી અસંગતિ અને અનિશ્ચિતતા સામાન્ય નિયમરૂપે હોય છે, એટલે છંદના સ્વરૂપનો નિર્ણય કરતાં પહેલાં અભ્યાસપ્રાપ્ત કૃતિની લેખનપદ્ધતિની વિશિષ્ટતાઓ તારવવી ઘણી જ આવશ્યક છે. ચોથું, એકના એક છંદનું સ્વરૂપ અપભ્રંશ ભૂમિકાથી માંડીને અર્વાચીન ભૂમિકા સુધીમાં કેટલેક અંશે બદલાતું રહ્યું હોવાથી અમુક એક સમયે વપરાયેલા છંદનું સ્વરૂપ નક્કી કરવા માટે, તેની આગળપાછળના સમયનું તે છંદનું સ્વરૂપ એ જ સાચું સ્વરૂપ, એવી માન્યતા કામ નહીં આવે. અપભ્રંશ દોહા, જૂની ગુજરાતીનો દુહો ને અર્વાચીન દોહરો એ સૌ અમુક આગવી વિશિષ્ટતાઓ ધરાવે છે. એટલે આમાંથી એકનાં લક્ષણ અણિશુદ્ધપણે બીજામાં ખોળવા બેસવું એ અશાસ્ત્રીય, અને એટલે જ છંદના સ્વરૂપનિર્ણયમાં પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી છંદોગ્રંથોનો ઉપયોગ ખૂબ જ જાગૃત રહીને કરવાનો રહે છે. આમાં આ ત્રણે વર્ગના છંદોગ્રંથોની પોતાની સંખ્યાબંધ ત્રુટિઓનું પણ આપણો ગૂંચવાડો વધારવામાં સારું એવું અર્પણ” છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org