________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૪૫
નથી, એ છે ભારતીય ધર્મના આત્મા, વિચાર, ક્રિયાશીલ સત્ય, લાગણી અને શક્તિના હાર્દનો એક સુવ્યવસ્થિત બુદ્ધિનિષ્ઠ સિદ્ધાંત અથવા તેનું આંતરચેતના આદિષ્ટદર્શન.” (ભારતીય સંસ્કૃતિના પાયા, પૃ. ૮૩)
આ સંદર્ભમાં પંડિત સુખલાલજી પણ લખે છે કે “ભારતમાં જે તત્ત્વજ્ઞાન જીવિત રહેવા પામ્યું છે તે ધર્મ સંપ્રદાયના આશ્રયને લઈને જ. જેનો કોઈ ધર્મસંપ્રદાય અસ્તિત્વમાં ન આવ્યો અથવા ટકી ન શક્યો તે તત્ત્વજ્ઞાન નામશેષ થઈ ગયું છે.” (ભારતીય તત્ત્વવિદ્યા, પૃ. ૧૦) (૨) ભારતીય તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન જ ન કહેવાય, કારણકે જ્ઞાન હંમેશા પદ્ધતિસર કરેલો
વિચાર હોવો જોઈએ, જેની હિંદુસ્તાનના કહેવાતા તત્ત્વજ્ઞાનમાં ખામી છે.
વેદ-ઉપનિષદથી માંડી નવજાગૃતિ કાળ સુધીમાં હિંદુસ્તાનમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે જે કાંઈ પણ ખેડાણ થયું તે મોટે ભાગે સાહિત્યના માધ્યમથી પ્રગટ થયેલું છે. તેને લઈને ભારતીય તત્ત્વજ્ઞાન ઉપર આવો આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ પશ્ચિમમાં જેમ ધર્મ અને તત્ત્વજ્ઞાન ભિન્ન છે તેમ તત્ત્વજ્ઞાન અને સાહિત્ય પણ એકબીજાથી ભિન્ન છે, જ્યારે આપણે ત્યાં તત્ત્વજ્ઞાન સાહિત્યાદિ કલાઓના માધ્યમથી પણ આવ્યું છે. શ્રી નર્મદાશંકર મહેતા લખે છે : “પશ્ચિમમાં તત્ત્વજ્ઞાન માત્ર બુદ્ધિ વિલાસરૂપ છે અને કલાજ્ઞાન માત્ર ભાવસંતર્પણ કરનાર છે, ત્યારે ભારતવર્ષમાં તત્ત્વજ્ઞાન મોક્ષરૂપે પુરુષાર્થનું સાધન છે અને કલાજ્ઞાન અધ્યાત્મ આનંદનું નિમિત્ત છે” (ધર્મતત્ત્વવિચાર, પૃ. ૧૭૯) આમ, અધ્યાત્મ ભાવનાના ઉત્કર્ષમાં આપણે ત્યાં કલાનો સર્વાંશે ઉપયોગ થયો છે. આનંદશંકર પણ સાહિત્યને તત્ત્વવિચારની અભિવ્યક્તિનું વધુ સારું માધ્યમ માને છે. ઉપરોક્ત આક્ષેપના ઉત્તરમાં આનંદશંકર જ્ઞાનમીમાંસાના ક્ષેત્રના એક મહત્ત્વના પ્રશ્ન “જ્ઞાનના સ્વરૂપની ચર્ચા કરે છે.
પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં જ્ઞાનમીમાંસા ક્ષેત્રે એક સાંકડી સમજણ જોવા મળે છે. વિચારશ્રેણી એ જ જ્ઞાન. જ્ઞાનના સ્વરૂપને જોતાં આવા હઠાગ્રહને આનંદશંકર બરાબર લેખતા નથી. પ્રથમથી કોઈ એક પદ્ધતિ નિશ્ચિત કરી પછી તેના આધારે તત્ત્વના સ્વરૂપને સમજવાની, માપવાની પાશ્ચાત્ય પ્રણાલીમાં એક પ્રકારનો પદ્ધતિગત મતાગ્રહ જોવા મળે છે. આ સંદર્ભમાં આનંદશંકર પશ્ચિમની જ્ઞાનમીમાંસાના ઐતિહાસિક વિકાસની સ્પષ્ટતા કરે છે. પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલની અસર લાંબો કાળ ચાલી હતી અને એ મહાન તત્ત્વવેત્તાએ તત્ત્વના નિર્ણયની જે પદ્ધતિ પાડી હતી તે જ યુરોપ - અમેરિકામાં પ્રચલિત થઈ. પરંતુ અર્વાચીન યુગમાં, જર્મન ફિલસૂફ કાન્ટની અસર તળે પણ એ જ “પદ્ધતિસર વિચાર કરવાની પ્રણાલી ચાલ્યા કરી છે. એરિસ્ટોટલ અને કાન્ટના પ્રભાવને કારણે યુરોપમાં પદ્ધતિનો અતિ આગ્રહ જોવા મળે છે, જેને આનંદશંકર યુરોપના તત્ત્વજ્ઞાનની ખામી ગણે છે. તેની સામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org