________________
૨૪૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
ભાગવત મત :
ભાગવતને આનંદશંકર ષગ્દર્શનોની સમાનકક્ષાનું એક વધારાનું ભક્તિપ્રધાન દર્શન ગણાવે છે. જેમ ‘કર્મ’ એ જ્ઞાન નથી છતાં એની મીમાંસા થઈને ‘પૂર્વમીમાંસા’ દર્શન થયું છે તેમ ભક્તિની પણ મીમાંસા ભાગવતમાં જોવા મળે છે. અર્થાત્ ભક્તિના સ્વરૂપ સંબંધી અન્ય દર્શનોની માફક સૂત્રબદ્ધ વિચાર ભાગવતમાં જોવા મળે છે. તેને અનુસરીને આનંદશંકર ભાગવતદર્શનને પણ ષગ્દર્શનની સમાનકક્ષાનું દર્શન ગણાવી તેની મહત્તા પ્રસ્થાપિત કરી આપે છે.
આપણા દેશમાં ભક્તિ ધર્મનો ઉદ્ભવ ચારે થયો તે અંગે વિદ્વાનોમાં મતભેદ છે. વેબર તથા કેટલાક ખ્રિસ્તી પાદરીઓના મતે હિંદુસ્તાનમાં ભક્તિધર્મનો ઉદ્ભવ ખ્રિસ્તી ધર્મ પછી અને એની અસરથી થયેલો છે. ભાંડારકરના મતે આપણા દેશમાં ભક્તિધર્મનો પ્રારંભ ગૌતમબુદ્ધના સમયની લગભગમાં થયેલો છે. ટીળક તેને ગૌતમબુદ્ધ અને ઉપનિષદની વચ્ચેના કાળમાં માને છે. ઉપરોક્ત મતોને આનંદશંકર સ્વીકારતા નથી. તેમના મતે : “ભક્તિ એ હૃદયની ઊર્મિ છે અને ધર્મ એ મનુષ્યના સમગ્ર આત્માનો અર્થાત્, બુદ્ધિ, હૃદય અને કૃતિ ત્રણેનો વ્યાપાર છે. એટલે કોઈ પણ ધર્મ કોઈ પણ કાળે તદ્દન ભક્તિરહિત હોય એ સંભવતું નથી.’’(ધર્મવિચાર૨, પૃ.૧૫૮)
આમ, ભક્તિ એ ધર્મનું આવશ્યક તત્ત્વ હોવાથી અને દુનિયાના કોઈપણ ધર્મમાં જ્ઞાન કરતાં ભક્તિ અને કર્મ વહેલા જ નજરે પડે છે એ ન્યાયે આનંદશંકર હિંદુસ્તાનમાં ભક્તિધર્મ છેક ઋગ્વેદ કાળથી જ અસ્તિત્વમાં છે તેમ સિદ્ધ કરે છે. ઋગ્વેદસંહિતામાં રહેલી દેવોની સ્તુતિ એ ઉપાસ્યભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ ઋગ્વેદકાળથી ચાલી આવતી આ ભક્તિને પ્રથમ વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવાનું કામ ચિત્રશિખંડી, નારદ, શાંડિલ્ય વગેરે મુનિઓએ કરેલ છે. ભાગવતની તત્કાલીન સમયમાં એટલી બધી પ્રશંસા થઈ કે તેના ઉપર અનેક ટીકાઓ લખાઈ છે.
ભાગવત મતમાં ભક્તિને પરમાત્માને પામવાનું મુખ્ય સાધન માનવામાં આવે છે. ‘ભાગવત’ અને ‘ભાગવત મત’નો અર્થ સમજાવતાં આનંદશંકર કહે છે : “ભાગવત મતમાં ‘ભગ’ એટલે જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ અને તેજ - એ છ ગુણ અને એ ગુણવાળો પરમાત્મા તે ‘ભગવાન્’- એમ ‘ભગ’ અને ‘ભગવાન્ શબ્દના અર્થ કરવામાં આવે છે. ભગવાનના થઈને રહેલા તે ‘ભાગવત’ ભક્ત, અને તેઓનો મત તે ભાગવત મત.” (ધર્મવિચાર-૨, પૃ.૧૫૯)
ભાગવત મતમાં આપણે ત્યાં વિશિષ્ટ પેટાભેદ પણ ઊપજેલા છે. શિવ, વિષ્ણુ અને દેવી એ હિંદુધર્મમાં ભક્તિના મુખ્ય ત્રણ સંપ્રદાય ગણાય છે. ક્યારેક વિશેષ અર્થમાં ભાગવત મતમાં પરમાત્માનાં પાંચ સ્વરૂપ માનવામાં આવે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org