________________
૨૩૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
બચવા હિંદુશાસ્ત્રકારોએ અત્યારના કર્મને ફળવા માટે ભવિષ્યનો જન્મ અને વર્તમાન સ્થિતિનો ખુલાસો કરવા માટે ભૂતકાળમાં જન્મ માનવાનો વિધિ કરેલો છે જેને આનંદશંકર યથાર્થ ગણાવે છે. જો કે શાસ્ત્રોની પુનર્જન્મની આવી વ્યવસ્થામાં અનવસ્થાનો દોષ આવે છે એમ કેટલાક વાંધો ઉઠાવે છે. તેનો ઉત્તર આપતાં આનંદશંકર કહે છે :
“પરંપરા અનાદિ હોઈ એનો છેડો ન જ આવવો જોઈએ. એ જન્મ પરંપરા અમુક કાળે ઉત્પન્ન થઈ એમ માનતાં પ્રશ્ન ઊભો થાય છે કે અમુક જ કાળે એ કેમ ઉત્પન્ન થઈ અને તે પહેલાંનો કાળ ખાલી-શૂન્ય-કેમ પડી રહ્યો ? અમુક કાળથી એનો આરંભ માનતાં પ્રથમ જન્મ આકસ્મિક ઠરે-જે કાર્યકારણના મહાસિદ્ધાંતથી ઊલટું છે.” (ધર્મવિચાર-૨, પૃ.૧૧૭)
અર્થાત્ જન્મ પરંપરામાં જે અનવસ્થા દેખાડવામાં આવે છે તે ત્યજવા યોગ્ય દૂષણ નથી, પરંતુ આવશ્યક ભૂષણ છે.
કર્મ - પુનર્જન્મના સિદ્ધાંતને આનંદશંકર હિંદુધર્મના સર્વમાન્ય સિદ્ધાંતોમાંનો એક ગણાવે છે. તેઓ કહે છે : “આ સિદ્ધાંત હિંદુધર્મમાં એવો સર્વમાન્ય થયો છે કે જૈન અને બૌદ્ધ પંથોએ વૈદિક (બ્રાહ્મણ) ધર્મના બીજા ઘણા સિદ્ધાંતો છોડી દીધા, પરંતુ તેઓ આ સિદ્ધાંતને વળગી રહ્યા.” (ધર્મવિચાર-૨, પૃ.૧૧૮) રામાયણ અને મહાભારતઃ
પંચમહાયજ્ઞ, સંસ્કાર, ચાર વર્ણ અને આશ્રમની વ્યવસ્થા, કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત અને ચાર પુરુષાર્થની યોજના આ પાંચને આનંદશંકર હિંદુધર્મના પંચપ્રાણ ગણાવે છે. હિંદુસ્તાનના ધાર્મિક જીવનનો સાંસ્કૃતિક ઈતિહાસ જોવો હોય તો આનંદશંકર રામાયણ અને મહાભારત વાંચવાની ભલામણ કરે છે. કારણકે એ બંને મહાકાવ્યોમાં આપણને તે વખતના હિંદુસ્તાનની સાંસ્કૃતિક ઝલક જોવા મળે છે.
રામાયણ ગૃહધર્મ અને રાજધર્મનો ઉપદેશ આપનાર ઉત્તમ મહાકાવ્ય છે. ઘરમાં સૌ કુટુંબીઓને પરસ્પર કેવા સ્નેહથી વર્તવું જોઈએ એ રામાયણના અનેક ઉદાહરણોમાંથી જાણવા મળે છે. રામની પિતૃભક્તિ અને રાજધર્મ, એમનાં કર્તવ્યનિષ્ઠા અને એકપત્નીવ્રતની સમાજજીવન પર પડેલી અસરને આનંદશંકર હિંદુધર્મના ઈતિહાસમાં ચિરસ્થાયી ગણાવે છે.
મહાભારતમાં ઘરસંસારની કાળી અને ઊજળી બંને બાજુનું નિરૂપણ જોવા મળે છે. દરેક મનુષ્યમાં ગુણ અને દોષ કેવા ભળેલા હોય છે અને તેથી મનુષ્ય સ્વભાવના કેવા કેવા નમૂનાઓ બને છે એ મહાભારતમાં બહુ રસિક અને અભુત રીતે બતાવ્યું છે. તો ધર્મસ્તતો ગય: “જ્યાં ધર્મ ત્યાં જ જય’ એને આનંદશંકર સમગ્ર ગ્રંથનો મુખ્ય સાર માને છે. મહાભારતમાં ધર્મ સંબંધી એટલું બધું જ્ઞાન ભર્યું છે કે માત્ર મહાભારત વાંચવાથી જ સમગ્ર હિંદુધર્મનું સ્વરૂપ સમજાઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org