________________
૧૬૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ધર્મના પરસ્પર વિરોધમાં એક કારણ એ હોય છે કે તે તે ધર્મના અનુયાયી ધર્મના વિષયમાં પોતપોતાના ધર્મગ્રંથને ઈશ્વરોચ્ચરિત માને છે. કોઈ પણ ધર્મગ્રંથ ક્યા અર્થમાં ઈશ્વરોચ્ચરિત હોઈ શકે છે? તેના ઉત્તરમાં આનંદશંકર કહે છે કે, કોઈપણ લૌકિક ભાષામાં લખાયેલો ધર્મ ઈશ્વરોચ્ચરિત હોઈ શકતો જ નથી. કારણકે ઈશ્વર અશરીરી છે તે આપણી સાથે બહારની વાતચીત કરે એ સંભવિત નથી. આ સંદર્ભમાં તેઓ નોંધે છે :
“ઈશ્વરનો વાસ સર્વ વ્યક્તિના અંતરમાં છે અને અંતરમાં જ બોલે છે. એનું બોલવું અને આપણું સાંભળવું એ શબ્દાકાર હોઈ શકતું નથી. એ કેવળ જ્ઞાનાકારથી જ બની શકે છે. ભલે એ જ્ઞાનને હું શબ્દાકાર કરી લઉં.” (ધર્મવિચાર-૧, પૃ.૬૨૬).
આમ, સર્વધર્મની જે પરા-પશ્યન્તી વાણી છે એ પરમાત્માનો મૂળ ગ્રંથ છે. એ જ આનંદશંકરને મન સર્વધર્મનો સનાતન “વેદ” છે.
આ ઉપરાંત આપણા દેશની ધાર્મિક સ્થિતિ અંગે આનંદશંકર કેટલાંક સૂચનો કરે છે. આ સૂચનોમાં તેમની સર્વધર્મ એકતા અંગેની વિચરસરણી પ્રગટ થતી જોવા મળે છે : (૧) ઇંગ્લેન્ડ જેવાં દેશમાં ક્રિશ્ચિયન ધર્મ બરાબર પળાય છે. આપણો દેશ જ અધાર્મિકતાથી
ભરેલો છે એવા વિચારથી આપણા ધાર્મિક ઉદ્ધાર પરત્વે નિરાશ ન થતાં એમાં જે સુધારા કરવા જેવા છે એ ઉત્સાહપૂર્વક કરવા જોઈએ. સ્વતંત્ર વિચારપ્રધાન ધર્મથી ધાર્મિક ઐક્યનો ભંગ થાય છે અને વ્યવસ્થિત સંપ્રદાયસિદ્ધ ધર્મનું અનુસરણ ઐક્યને અનુકૂળ છે. એટલા માટે ધર્મની જડતા દૂર થાય એટલે અંશે વિચારનો પ્રવેશ થવા દઈ સામાન્ય લોકોને માટે અમુક વ્યવસ્થિત ધર્મ રહે એ ઠીક છે. મનુષ્ય હૃદય એવું વિશાળ, ગંભીર અને અનેકતાથી ભરેલું છે કે એને સ્વાભાવિક રીતે વિકસવા દેતાં જ એમાંથી વિવિધ પ્રકારના ધાર્મિક ભાવો ઉદ્દભવી આવે છે અને આ રીતે વિવિધ ધર્મપંથો અને સંપ્રદાયો જન્મ પામે છે. પણ એ સર્વપંથ – સંપ્રદાયની પાછળ ધાર્મિક એકતા હોવી જોઈએ.
આપણા દેશમાં આવા અનેક પંથો હોવા છતાં આવી એકતા સંપાદન કરવી આનંદશંકરને મન અશક્ય નથી. જૈન, બૌદ્ધ, વેદધર્મ, શીખધર્મ આ બધા જ સંપ્રદાયો ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં એક જ ધર્મ -સરિતાનો પ્રવાહ બની રહે છે એવો આનંદશંકરનો મત છે. “આપણો ધર્મમાં સંપાદિત થયેલા તેમના અનેક લેખોમાં તેમનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થતું જોવા મળે છે. વેદ (બ્રાહ્મણ) ધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મને આનંદશંકર સનાતન હિંદુ ધર્મની જ મુખ્ય શાખાઓ ગણાવે છે. આપણા દેશમાં પ્રવર્તમાન આ ત્રણે ધર્મ અંગે અને તેમાં રહેલી પરસ્પર એકતા અંગેના તેમના ચિંતનમાં તેમનું દૃષ્ટિબિંદુ સમન્વયાત્મક રહેલું જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org