________________
૧૫૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
સર્વધર્મ એકતા :
ગુરુકુલ કાંગડીમાં ભરાયેલી સર્વધર્મ પરિષદમાં પ્રમુખીય ભાષણ આપતાં આનંદશંકરે સર્વધર્મના પરસ્પર મેળ અંગે પોતાના વિચારો વ્યક્ત કરેલા છે. પરિષદમાં થયેલા સર્વધર્મની પરસ્પર એકતા અંગેના કેટલાક સૂચનોની સમીક્ષા કરી આનંદશંકર આ વિષયમાં પોતાનો સ્વતંત્ર મત પ્રગટ કરે છે.(ધર્મવિચાર ૧, પૃ. ૬૨૩)
(૧) અનેક ધર્મને સ્થાને એક ધર્મ સંપાદન કરવાનો એક માર્ગ એ છે કે અન્ય સર્વધર્મોનો તલવાર, અગ્નિ કે નિંદાના બળથી નાશ કરીને આપણો પોતાનો ધર્મ સ્થાપિત કરવો. આનંદશંકર આ માર્ગને કુત્સિત, દુષ્ટ અને જંગલી ગણે છે. તેમને મન આ માર્ગથી ધર્મ નહિ પણ ધર્માભાસ જ પ્રાપ્ત થાય છે. કારણકે એથી જે માનસિક વાચિક અને કાયિક ક્રિયા ચાલે છે, એ ધર્મના તત્ત્વથી વિરુદ્ધ છે.
(૨) ધર્મની એકતાનો બીજો માર્ગ કાળબળને અનુલક્ષીને રાહ જોવી એ છે.મનુષ્ય સંસ્કૃતિઓના વિકાસનો આ નિયમ છે કે, જ્યારે અનેક સંસ્કૃતિઓ એક સ્થાનમાં સંમિલિત થાય છે ત્યારે એમનો પરસ્પર સંબંધ થઈને એમાંથી એક વિજયી થાય છે અને બીજી પરાભવ પામે છે. અથવા તો સર્વ એકબીજામાં મળીને એમાંથી એક નવો જ પ્રકાર અથવા રૂપાંતર ઉત્પન્ન થાય છે. અનેક ધર્મના સંમિશ્રણ અથવા વિગ્રહની આ ક્રિયાને આનંદશંકર મનુષ્ય સંસ્કૃતિના ઈતિહાસના ઉત્ક્રાંતિવાદી સિદ્ધાંત મુજબ નિરંતર ચાલ્યા જ કરતી પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. આમ છતાં બુદ્ધિપૂર્વકની એકતા સાધવાના માર્ગ તરીકે આનંદશંકર તેને સ્વીકારતા નથી.
(3) ધર્મની એકતા સાધવાનો બીજો એક માર્ગ એ ગણાય છે કે, પૃથ્વીના સર્વધર્મ લઈને એમના વિશેષ યા ભેદક અંશ છોડી દેવા અને એમના સામાન્ય યાને એકાકાર અંશ ગ્રહણ કરવા, અને એ રીતે તારવી કાઢેલા અવિરોધી અંશોના સંગ્રહને જ “ધર્મ”નું નામ આપવું. ધર્મના આવા સ્વરૂપને આનંદશંકર ધર્મની એકતાનો સાચો માર્ગ ગણતા નથી. કારણકે નિર્વિશેષ સામાન્યને (abstract) વિશેષ (Concrete)ની અપેક્ષાએ આનંદશંકર ઊતરતું ગણે છે. કારણકે તેમના મતે વિશેષને ઉડાવીને સામાન્યને બચાવવું અશક્ય છે. આમ, ધર્મના શરીરનો નાશ કરીને ધર્મનો અશરીર આત્મા રહી શકતો નથી. એટલો દેહાત્મવાદ પ્રકૃત વિષયમાં આનંદશંકર માન્ય રાખે છે.
ધર્મની એકતા સંપાદન કરવાનો બીજો એક માર્ગ એ છે કે તે તે ધર્મરૂપ સર્વ તંતુ મેળવીને એક પટ બનાવવો, અને એ જ મહાવસ્ત્રને દીક્ષાવસ્ર રૂપે ધારણ કરવું. પરંતુ આવા કૃત્રિમ પ્રયત્નને આનંદશંકર શક્ય લેખતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org