________________
૧૫૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
સેન્ટ્રલ હિંદુ કોલેજ, બનારસની સ્થાપના વખતે હિંદુધર્મના પ્રાચીન જ્ઞાન ભંડારમાંથી ઉત્કૃષ્ટ બોધદાયક વચનો, કથાઓ અને પ્રસંગોનો સંગ્રહ કરી એક ગ્રંથાવલિ રચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાનમાં આનંદશંકર “સુદર્શન’ જૂન, ૧૮૮૯ના અંકમાં કેટલાંક માર્ગદર્શક સૂચનો કરે છે. તેમાંથી તેમના ધાર્મિક શિક્ષણ અંગેના વિચારો જાણવા મળે છે. (૧) “આ ગ્રંથાવલિમાં સંસ્કૃત ભાષા ઉપરાંત આખા હિંદુસ્તાનમાં બહુધા સ્વીકારાયેલી એવી ભાષાઓમાંથી - કબીર, તુલસીદાસ આદિનાં વચનોનો પણ સંગ્રહ કરવો જોઈએ, જેથી ધાર્મિક જ્ઞાન સંસ્કૃતમાં જ હોઈ શકે એવી અંધશ્રદ્ધા દૂર થાય તથા માત્ર મુખપાઠ કરવાને બદલે વસ્તુનો હૃદયમાં સાક્ષાત્કાર કરવા તરફ વિદ્યાર્થીઓનું વિશેષ વલણ થાય. બને તો જેમ સંસ્કૃતનો અભ્યાસ કરાવાય તેમ પાલિનો પણ સાથે જ કરાવાય તો ઠીક, તેમ ન બની શકે તો પાલિનું સંસ્કૃતમાં સ્વરૂપાંતર કરી એ ભાષામાં પ્રતિપાદિત ઉપદેશોનો પણ વિદ્યાર્થીઓને લાભ આપવો જોઈએ. (૨) બૌદ્ધ અને જૈન ધર્મનો પણ વિશાળ હૃદયથી આ યોજનામાં સમાવેશ કરવો ઘટે છે. કારણકે એ ધર્મનો ઉપદેશ મૂળમાં બ્રાહ્મધર્મને અંગે જ થયો હતો. તે સમયમાં પ્રવર્તમાન અનેક પ્રકારના કચરાને બ્રાહ્મણધર્મના પ્રવાહમાંથી દૂર કરવાને એ ધર્મો શક્તિમાન થયા છે. (૩) આ ધાર્મિક ઉપદેશ શાસ્ત્રીઓ પાસે જ અપાવવાનો વિચાર હોય તો એ ભૂલ છે. ધાર્મિક બોધ સબળ અને સફળ કરવાનું સાધારણ નિયમ તરીકે એક જ સાધન છે અને તે એ કે જેણે સારી વિદ્વતા તથા સાધુતા (ઉભય આવશ્યક છે) – સંપાદન કરી છે એવા વિશાળ આત્માના સંન્યાસીઓ તથા જૈન ભિક્ષુઓ પાસે ઉપદેશ અપાવવો. આવા પુરુષો ન મળી શકે તો પછી ઉચ્ચ કેળવણીવાળા વાનપ્રસ્થાશ્રમી વિદ્વાનોને હાથે કામ લેવું. સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમ ઉપર અમારો ભાર એટલા માટે છે કે લાંબા ધાર્મિક અનુભવ વિના તથા એ સાથે આવતી શાંતિ વિના, તથા અસાધારણ ત્યાગ વિના, ધાર્મિક ઉપદેશમાં વિશુદ્ધિ તથા બળ આવતાં નથી; તેમજ ધર્મના વિષયમાં કલહપ્રિયતા પણ ઘણું કરી પરમાત્માનું ધામ સમીપ આવ્યા વિના નષ્ટ થતી નથી. (૪) “આ ગ્રંથાવલિ તથા ધાર્મિક કેળવણીની સર્વ વ્યવસ્થા બહુ વિશાળ હૃદયથી અને દીર્થ દષ્ટિથી થવી જોઈએ. નહિ તો, જુદા જુદા ધર્મો વચ્ચે અનિષ્ટ વિરોધ થશે. તથા પરિણામે હમણાં જ સ્વતંત્રતા પામેલ ભરતખંડની બુદ્ધિને પુનઃઅયોગ્ય શાસ્ત્રશૃંખલા પહેરાવાશે એ અસંભવિત નથી. આપણા દેશના પાછળના કાળના અંધકારને લીધે અનેક આચારવિચારો, જેને ધર્મના તાત્ત્વિક સ્વરૂપ સાથે બહુ લેવાદેવા નથી અને જેમાં મનુષ્ય બુદ્ધિએ અને આપણા શાસ્ત્રકારોએ પણ અનેક મતભેદ દર્શાવ્યા છે તેને ધર્મનું ઘણીકવાર આગ્રહપૂર્વક તત્ત્વ માનવામાં આવે છે. પરંતુ તેવા અંશોને જો આ કોલેજ ધર્મની કેળવણીમાં પ્રવેશ કરવા દેશે તો તેથી અત્યંત હાનિ થવાનો સંભવ છે. (ધર્મવિચાર -૧, ૪૯૧-૪૯૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org