________________
જીવન અને સાહિત્યસર્જન
ઓગણસમી સદી ભારતીય માનસ માટેનો સંક્રાતિકાળ હતો. આ સમય દરમ્યાન ભારત ઉપર બ્રિટિશ રાજયસત્તાનો દોર પૂર્ણપણે સ્થપાઈ ચૂકયો હતો. ઈ.સ. ૧૮૫૭માં ઉચ્ચ શિક્ષણના પ્રચાર માટે કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં અંગ્રેજી, સંસ્કૃત અને ફારસી ભાષાઓને સ્થાન હતું. યુનિવર્સિટીનું શિક્ષણ પામીને એ યુગના આપણા કેટલાક યુવાનો સ્વદેશભાવનાથી પ્રેરાઈને સુધારાવાદી આંદોલનમાં જોડાયેલા. પરિણામે પૂર્વ અને પશ્ચિમનાં સાંસ્કૃતિક પરંપરા, વિચારો અને મૂલ્યો વચ્ચે તુમુલ સંઘર્ષ પેદા થયો. રાજકીય, સામાજિક, સાહિત્યિક અને ધાર્મિક એમ સર્વ ક્ષેત્રોમાં મૂળભૂત પરિવર્તનો થવા લાગ્યાં. દેશમાં ચાલી રહેલા આવા સંક્રાંતિના સમયમાં તારીખ ૨૨મી જાન્યુઆરી ૧૮૬૯ના રોજ અમદાવાદમાં વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં આનંદશંકર ધ્રુવનો જન્મ થયો. ધર્મના ઉત્તમ સંસ્કારો એમને વારસામાં જ મળેલા. પરિણામે બાળપણથી જ આનંદશંકરની ધર્મવૃત્તિ સતેજ હતી.
એમ.એ.,એલએલ.બી. સુધીના યુનિવર્સિટી શિક્ષણ ઉપરાંત ભારતીય પ્રદર્શનોના સંસ્કૃત ગ્રંથોનો મૂળ અભ્યાસ આનંદશંકરે મિથિલાના પંડિતો પાસે કર્યો હતો. આમ તેઓએ ભારતીય વિચાર પરંપરાને મૂળસોતી આત્મસાત કરી હતી. ધર્મ પ્રત્યે જીવંત રસ તેમજ ઉત્કટ વિદ્યાપ્રીતિને કારણે એમણે સંસ્કૃતના અનેક ગ્રંથોનું જાતે પણ ઊંડું અધ્યયન કરેલું. સંસ્કૃત ધર્મગ્રંથોની સાથે સાથે તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રનો પણ તેમણે ગહન અભ્યાસ કરેલો. ઈ.સ. ૧૮૯૩માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે આનંદશંકર નિયુક્ત થયા. સત્તાવીશ વર્ષ સુધી એમણે ગુજરાત કૉલેજમાં અધ્યાપનનું કામ કર્યું. તે દરમ્યાન આનંદશંકર ન્યાય, તત્ત્વજ્ઞાન અને અંગ્રેજી સાહિત્ય પણ શીખવતા. આ કારણે તેમણે અંગ્રેજી તેમજ સંસ્કૃત સાહિત્યના ગ્રંથો તેમજ પાશ્ચાત્ય અને ભારતીય તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો સઘન અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને ભારતીય તત્ત્વજ્ઞાન તેમજ હિંદુધર્મના ગ્રંથોનું એમણે ઊંડાણથી પરિશીલન કરેલું. અંતે એમની તત્ત્વભાવના તેમજ ધર્મભાવના શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં સ્થિર થઈ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org