________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૧૩
(૧) રામાનુજ મત
અત્યારે જે અવસ્થામાં છે તે અવસ્થામાં પણ જીવ પરમાત્માથી અભિન્ન છે. એ અવસ્થિતિવાદ એવો છે કે અચિત તેમજ ચિત્ પરમાત્માના વિશેષણરૂપે અવસ્થિત છે અને પરમાત્મા એ થકી વિશિષ્ટ છે. આ રામાનુજાચાર્યનો યથાવસ્થિત (જે છે તે રૂપે જ અવિદ્યાની કલ્પના કર્યા વિનાનો) વિશિષ્ટાદ્વૈતવાદ. (૨) શાંકરમત
અત્યારે જે છે તે રૂપે જીવ પરમાત્માથી અભિન્ન છે, છતાં ભિન્ન ભાસે છે તે અવિદ્યાએ કરીને - એ શંકરાચાર્યનો સુપ્રસિદ્ધ કેવલાદ્વૈત છે.
આમ,જીવ-બ્રહ્મની અભિન્નતા છેવટે શંકરાચાર્યના કેવલાદ્વૈતને આધારે આનંદશંકર દર્શાવે છે.
આજ સંદર્ભમાં આનંદશંકર જીવ-બ્રહ્મની એકતા સમજાવતાં શાંકરવેદાંતમાં આવતાં વિવિધ દષ્ટાંતોની સ્પષ્ટતા કરે છે. (૧) બિંબપ્રતિબિંબવાદ
દર્પણમાં દેખાતું મુખ વાસ્તવિક મુખથી ભિન્ન નથી. અથવા જળમાં દેખાતું ચંદ્રનું પ્રતિબિંબ ખરા ચંદ્રથી ભિન્ન નથી – અર્થાત્ એમ દેખાય છે છતાં બે મુખ કે બે ચંદ્ર થતા નથી. તેમ બ્રહ્મનું અવિદ્યાત્મક અંતઃકરણમાં પ્રતિબિંબ પડવાથી બ્રહ્મથી જુદો જીવ ભાસે છે, પણ વસ્તુતઃ બ્રહ્મ એકલું જ છે. (૨) અવચ્છેદવાદ
બિંબપ્રતિબિંબવાદ મુજબ ચંદ્ર આકાશમાં છે અને એનું પ્રતિબિંબ જળમાં છે. એટલું દ્વૈત રહી જાય છે. તેવી સંભવિત શંકાની સામે બીજા શાંકરવેદાંતીઓ અન્ય દષ્ટાંતથી જીવ બ્રહ્મનો સંબંધ સમજાવે છે. જેમ ઘટાકાશ અને મહાકાશ જુદા નથી તેમ અનવચ્છિન્ન (વગર ઘેરાયેલું) ચૈતન્ય તે બ્રહ્મ અને અંતઃકરણાવચ્છિન્ન (બુદ્ધિથી ઘેરાયેલું) ચૈતન્ય તે જીવ.
પરંતુ આ વાદમાં પણ આનંદશંકર કહે છે કે, શુદ્ધ ચૈતન્ય અને તેને ઘેરનાર બુદ્ધિ અથવા અંતઃકરણ એટલા પૂરતું અદ્વૈતવાદમાં છિદ્ર પડે. આ શંકાના નિવારણ માટે કેટલાક શાંકરવેદાંતીઓ કર્ણ-રાધેય'ના દષ્ટાંતથી જીવબ્રહ્મનો સંબંધ સમજાવે છે : જેમ કર્ણ પૃથાનો પુત્ર હતો, પણ અજ્ઞાને કરી પોતાને રાધાનો પુત્ર જાણતો હતો, તેમ બ્રહ્મ વસ્તુતઃ બ્રહ્મ છતાં અજ્ઞાને કરી પોતાને જીવ સમજે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org