________________
૧૦૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
જો તે ઠેકાણે બ્રહ્મને કારણ ન માનો તો બ્રહ્મની સર્વશક્તિમત્તા હાનિ પામે. વિશ્વના અનંત ચેતનપ્રાણીઓથી થતાં કાર્યોમાં બ્રહ્મ કારણ ન ઠરે અને બ્રહ્મની શક્તિ સર્વવિષયક ન થતાં માત્ર એકદેશી થાય. વળી, ત્યાં પણ બ્રહ્મ કારણ ખરું એમ કહેશો તો કારણકોટિમાં વૃથા ગૌરવ થશે તથા પાપ-પુણ્યની વ્યવસ્થા પણ એ મત પ્રમાણે બની શકશે નહિ. અસંખ્ય જીવમંડલને કૃત્રિમ પૂતળાંની માફક રમાડી, જે કર્મ તેઓ પરતંત્ર રીતે કરે છે તેને માટે સુખદુઃખાદિ ફરમાવવાં એ બ્રહ્મનો કેવો ન્યાય ? કેવી કરુણા ? ખરો નિરીશ્વરવાદતો આ જ. આથી ઈશ્વરની વિશેષ નિદા શી થઈ શકે ? માટે બ્રહ્મમાં સર્વશક્તિમત્વ ઉત્પન્ન કરવા અદ્વૈતમત સ્વીકારવો જોઈએ.” (ધર્મવિચાર – ૧, પૃ. ૩૧૯)
આવું સર્વશક્તિમાન બ્રહ્મ, અલૌકિક સત છે, લૌકિક અસત છે અને એકનો બાધ કરી બીજું ઉદય પામે છે.
“આપણી વ્યવહારાવસ્થા એક ગાઢ સુષુપ્તિ છે એ અનુભવ થોડે ઘણે ભાગે પ્રત્યેક ધાર્મિક હૃદયનો છે. પ્રભુનો સાક્ષાત્કાર જેમ વધારે તીવ્ર, વધારે ઊંડો, વધારે ખરો થતો ચાલે છે, તેમ આ અનુભવ, આત્મામાં વધારે સ્થિર અને ચૂત થતો (સિવાતો) આવે છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૮૩) સગુણ બ્રહ્મ :
અદ્વૈતમતને આધારે નિર્ગુણ શેય બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ કરી આનંદશંકર સગુણ બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. વેદાંત અનુસાર સગુણ (ઉપાસ્ય)બ્રહ્મનાં બે સ્વરૂપ છે :
(૧) અધિદેવત (૨) અધ્યાત્મ
ચેતનરૂપે રહી જડ જગતને પ્રર્વતાવનારું, માયિક સ્વરૂપ તે બ્રહ્મનું અધિદૈવત સ્વરૂપ છે, જ્યારે પ્રાણીમાત્રમાં આત્મારૂપે ભાસનાર અવિદ્યોહિત સ્વરૂપ તે બ્રહ્મનું અદ્યાત્મ સ્વરૂપ છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૩૨૧) અધિદૈવત સ્વરૂપની ઉપાસનામાં સાકાર - બ્રહ્મનું ધ્યાન, મૂર્તિપૂજન ઇત્યાદિ આવે છે. અધ્યાત્મ સ્વરૂપની ઉપાસનાના બે પ્રકાર છે : (૧) માત્ર સ્વપિંડમાં જ અથવા તો મનુષ્યમાત્રમાં જ નહિ પરંતુ ભૂતમાત્રમાં બ્રહ્મ છે એમ
સમજી સર્વની ઉપાસના કરવી અને ભેદ-બુદ્ધિ ટાળવી. (૨) અષ્ટાંગયોગનું અનુસરણ
આ બંનેનો હેતુ મન સ્થિર કરી બ્રહ્માકાર કરવું તે છે. પૂર્વે કહ્યું છે તેમ બ્રહ્મમાં મનવાણી જઈ શકતી નથી, બ્રહ્મ જ્ઞાત તથા અજ્ઞાત બંનેથી ભિન્ન તથા પર છે. તેથી અંતઃકરણ શુદ્ધ કરી વાસનાનો ક્ષય કરવો એટલું જ ઉપાસનાનું પ્રયોજન આનંદશંકર બતાવે છે. મોક્ષનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org