________________
નિવેદન
ગુજરાતના વિદ્યાપુરુષ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવના ચિંતન પર મહાનિબંધ તૈયાર કરતી વખતે એ પ્રતીતિ થઈ કે, આનંદશંકરના ચિંતનવિશ્વ પર હજુ પણ સઘન અધ્યયનને અવકાશ છે. તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષ અને મારા ગુરુ પ્રાધ્યાપક ડૉ. યજ્ઞેશ્વર શાસ્ત્રીએ આનંદશંકરના સમગ્ર ચિંતનને આવરી લેતું સ્વતંત્ર પુસ્તક તૈયાર કરવાની સલાહ, પ્રેરણા અને માર્ગદર્શન મને આપ્યું. એના પરિપાક રૂપે આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન આપની સમક્ષ રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું.
એલ.ડી.ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડોલોજીના નિયામક આદરણીય ડૉ. જિતેન્દ્રભાઈ શાહ સમક્ષ મેં આનંદશંકર ઉપરના મારા વિશેષ અભ્યાસ આધારિત એક ગ્રંથ એમની સંસ્થા દ્વારા પ્રગટ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી. આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ જેવી મૂર્ધન્ય ચિંતન પ્રતિભા ઉપર ગ્રંથ પ્રગટ કરવા માટે શ્રી જિતેન્દ્રભાઈએ આ પ્રસ્તાવનો ઉમળકાભેર સ્વીકાર કર્યો. આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ વિશેનું મારું આ પુસ્તક ભારતની ખ્યાતનામ સંસ્થાઓમાંની એક સંસ્થા એલ.ડી.ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડોલોજી, અમદાવાદ પ્રગટ કરે છે, એ મારે માટે આનંદનો અને ગૌરવનો વિષય છે. આ માટે હું સંસ્થાનું અને સંસ્થાના નિયામક આદરણીય શ્રી ડૉ.જિતેન્દ્રભાઈ શાહનો ઋણસ્વીકાર કરું છું.
આ પુસ્તક તૈયાર કરવામાં આરંભથી અંત સુધી મને માર્ગદર્શન આપનાર પ્રશાંતભાઈ દવેના મારા તરફના આત્મીયભાવનું મને સતત પોષણ મળ્યા કર્યું છે. તેમની સાથે થયેલ સહચિંતન મને ખૂબ જ ઉપયોગી નીવડ્યું. આનંદશંકરને યોગ્ય પરિવેશમાં મૂકવાનું નકશીકામ, તેમના વિચારની મૂલવણીઅને તેમની દીપ્તિમાન ચિંતન પ્રતિભાનું આકલન કરવાનું કાર્ય આદરણીય પ્રશાંતભાઈ સાથેના સહચિંતનનો પરિપાક છે એમ કહી હું તેમનો ઋણસ્વીકાર કરું તો જાણે તેમને ન ગમે, પણ આ એક હકીકત રૂપે જ હું લખું છું. મારામાં વિદ્યાપ્રીતિ જગાડનાર, સતત કાર્ય કરવાની પ્રેરણા આપનાર, મારા આદર્શ એવા પ્રશાંતભાઈનો પ્રેમ મને અવિરત મળતો રહેશે એવી મને શ્રદ્ધા છે.
આ પુસ્તકનાં પ્રૂફ ચકાસી જરૂરી સૂચનો આપવા બદલ પ્રા.કનુભાઈ શાહ અને મુરબ્બી ડૉ. બાબુભાઈ શાહનો હું અત્યંત આભારી છું. સંસ્કૃત શબ્દો, સૂત્રો અને શ્લોકોના સંદર્ભની ચકાસણી વખતે પ્રા. વિજયભાઈ પંડ્યાનાં સૂચનો પ્રાપ્ત થયાં છે તે બદલ તેમનો આભારી છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org