________________
આમ જૈનધર્મની બન્ને પરંપરામાં આ કૃતિ ઉપર એકાધિક ટીકાઓ રચાઈ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર અનેક સંક્ષિપ્ત અને વિસ્તૃત વિવેચનો ભારતીય ભાષાઓમાં તથા પરદેશીય ભાષાઓમાં પ્રકાશિત થયાં છે અને પ્રચલિત પણ થયાં છે. પરંતુ તત્વાર્થાધિગમસૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યનો એક માત્ર હિન્દી અનુવાદ ૫. ઠાકુર પ્રસાદ વ્યાકરણાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો અને તે ૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમે પ્રકાશિત કર્યો હતો. પ્રસ્તુત અનુવાદ અશુદ્ધ અને ખામીયુકત હોવાને કારણે તેને પં. ખૂબચંદ શાસ્ત્રીએ પરિમાર્જિત કર્યો અને તે પણ શ્રીમ રાજચંદ્ર આશ્રમ દ્વારા પ્રકાશિત થયો છે. આમ છતાં આ અનુવાદમાં અમુક સ્થળે ક્ષતિ રહી જવા પામી છે તેને દૂર કરવા પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે ગુજરાતી ભાષામાં વિવેચન સહિત અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે કરેલાં પ્રથમ અધ્યાયનો સવિસ્તર અનુવાદ પ્રકાશિત થયો છે ત્યારપછી બીજા શેષ અધ્યાયોનો અનુવાદ અદ્યાવધિ પ્રકાશિત થયો નથી એટલે સંભવ છે કે તેમણે માત્ર પ્રથમ અધ્યાયનો જ અનુવાદ કર્યો હશે, બાકીના અધ્યાયોનો અનુવાદ કર્યો નહીં હોય. આમ ગુજરાતી ભાષામાં ભાષ્યના અનુવાદની ખોટને પૂરી પાડવાનું કામ મુનિશ્રી અક્ષયચંદ્રસાગર મ.સાહેબે કરેલ છે.
પ્રસ્તુત અનુવાદ મૂળગ્રંથના ભાવોને અનુરૂપ થાય તે માટે તેમણે પૂરતી કાળજી લીધી છે અને અનુવાદમાં મૂળગ્રંથના હાર્દને ક્ષતિ ન પહોંચે તે માટે પં. રતિભાઈનું તથા તત્ત્વજ્ઞ મુનિશ્રી પૂર્ણાનન્દસાગર મહારાજનું માર્ગદર્શન લીધું છે. પ્રસ્તુત અનુવાદ ગુજરાતી તત્ત્વ જિજ્ઞાસુને ઉપયોગી થશે તેવી આશા છે.
જિતેન્દ્ર બાબુલાલ શાહ
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org