________________
પ્રસ્તાવના
જૈનદર્શનનો સર્વમાન્યગ્રંથ એટલે તત્ત્વાર્થાધિગમસૂત્ર. સાંપ્રત ગ્રંથે શ્વેતામ્બર અને દિગમ્બર ઉભય પરંપરામાં વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. વળી સમગ્ર જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષામાં અને સૂત્રાત્મકશૈલીમાં લખાયેલો આ ગ્રંથ સર્વપ્રથમ સ્થાને છે. આ ગ્રંથમાં જૈન આગમના તમામ પદાર્થોનો કુશળતાપૂર્વક સંગ્રહ કરવામાં આવ્યો છે. આ તેમની આગમજ્ઞતાનો સબળ પુરાવો છે. ભાષ્યમાં આવતી દાર્શનિક ચર્ચાઓ અને વ્યાકરણના ઉદ્ધરણોને આધારે કહી શકીએ કે તેઓ સ્વસિદ્ધાન્તની જેમ જ પરસિદ્ધાન્તના પણ પારગામી હતા અને વ્યાકરણશાસ્ત્રના જ્ઞાતા હતા. આ તેમની બહુશ્રુતતા પુરવાર કરે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર ગણે છે, અને પરંપરા પ્રમાણે તેમને પૂર્વવિદ્ અને શ્રુતકેવલિદેશિય જેવા વિશેષણો અપાયા છે. આવા સર્વોત્કૃષ્ટ ગ્રંથ અને ગ્રંથકારના જીવન અને કવન વગેરે ઐતિહાસિક બાબતો અંગે પારસ્પરિક જૈન વિદ્વાનોમાં સાંપ્રત કાળે તીવ્ર મતભેદ પ્રવર્તે છે. આ વિષય ઉપર ઘણું બધું લખાયું છે અને વર્તમાનકાળે પણ તદ્વિષયક લેખનકાર્ય ચાલુ છે. અહીં પ્રસંગોપાત્ત કેટલાંક વિષયો ઉપર સંક્ષેપમાં વિચાર કરવામાં આવશે.
તત્વાર્થાધિગમસૂત્ર અને ભાષ્યગત-વિષયવસ્તુ :
દશ અધ્યાયાત્મક સંસ્કૃતભાષા નિબદ્ધ સ્વપજ્ઞ ભાષ્યની આદિમાં પ્રસ્તાવના સ્વરૂપ ૩૧ સંબંધકારિકાઓ સંગ્રહિત કરવામાં આવી છે. આ કારિકાઓમાં પુરૂષ અંગે, ભગવાન મહાવીર સ્વામીના જીવન અંગે અત્યંત સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રથમ અધ્યાયમાં સમ્યકત્વ, અધિગમની પદ્ધતિ, જ્ઞાન અને નય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા અધ્યાયમાં જીવનું લક્ષણ, ઔપથમિક આદિ ભાવોના પ૩ ભેદો, જીવના ભેદો, ઈન્દ્રિય, ગતિ, શરીર, આયુષ્ય આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયમાં નરક, નારક, મનુષ્યક્ષેત્ર, તિર્યંચ અને તેઓના આયુષ્ય અંગે વિચાર કરવામાં આવ્યો છે. ચતુર્થ અધ્યાયમાં દેવ અંગે તથા દેવોના ભેદ, પ્રભેદ, આયુષ્ય આદિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં અજીવ દ્રવ્યનું સવિસ્તર વર્ણન છે. છઠા અધ્યાયમાં આશ્રવ અંગે વિચાર કરવામાં આવ્યો છે. સાતમા અધ્યાયમાં દેશવિરતિ તથા સર્વવિરતિ તથા વ્રતોના અતિચારનું વર્ણન કરવામાં આવ્યું છે. આઠમા અધ્યાયમાં મિથ્યાત્વાદિથી થતાં કર્મબંધનું વર્ણન છે. નવમા અધ્યાયમાં સંવર તત્ત્વ તથા નિર્જરા તત્ત્વનું વર્ણન છે. દશમા અધ્યાયમાં મોક્ષનું વર્ણન છે. આમ દશ અધ્યાયમાં જૈનદર્શનના દાર્શનિક અને સૈદ્ધાતિક વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. અંતે ૩૨ કારિકાઓ છે, તેમાં કર્મક્ષય અને મોક્ષસુખ અંગે વિચાર કરવામાં આવ્યો છે. શ્વેતામ્બરીય પરંપરા પ્રમાણે ૩૪૪ સૂત્રો છે જ્યારે દિગમ્બરીય પરંપરામાં ૩૫૭ સૂત્રો છે. ભાષ્ય ૨૨૦ શ્લોક પ્રમાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org