________________
૨૦૮
સ્વાધ્યાય સુધા જાય. તેરમાં ગુણસ્થાનકે ફરીને જન્મ ધારણ ન કરવો પડે તેવી સ્થિતિ થાય અને આયુષ્ય ! પૂરું થયે બાકીના અઘાતી કર્મો પણ ક્ષય થઈ જાય. તેથી જીવ નિર્વાણને પ્રાપ્ત થઈ અવ્યાબાધ સુખમાં લીન થઈ જાય.
(૧૧) મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે આસવ અને તેથી ઊલટું તે સંવર.
(૧૨) દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, ને તે મરડવા, તે રૂપ ભૂલ, તે ભૂલથી દુઃખ થાય છે એટલે બંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મ ઉદય સહેજે જ વિપાક આપી નિર્ભરે છે અને નવો બંધ થતો નથી.
(૧૩) દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહઅપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ બાપ તેને પોતાનો દીકરો માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જો કે જ્ઞાનમાં ફેર નથી તોપણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે.
(૧૪) જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસ ઉદય આવે.
(૧૫) જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઈ શકે છે.
(૧૬) જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાનો પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઈને હમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી.
(૧૭) જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે; અર્થાત દેહમાં પરિણમતા નથી.
(૧૮) દેહ અને આત્માનો ભેદ પાડવો તે “ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્ર રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org