________________
* ભરતનરેશ્વરે કરેલ રૈવતચલની યાત્રા, જિનપ્રાસાદની સ્થાપના
અર્થ : તે રસ્તે આગળ પ્રયાણ કરતાં સુવર્ણ, મણિ, માણિક્યની કાંતિવડે આકાશને ચિત્રવિચિત્ર કરતો ઊંચો રૈવતાચલગિરિ દૂરથી તેઓને જોવામાં આવ્યો. ઈન્દ્રનીલ મણિ સાથે મળેલા સ્ફટિકમણિની કાંતિથી જાણે પૃથ્વીરૂપી સ્ત્રીનો મલ્લીનાં પુષ્પોએ ગૂંથેલો કેશપાશ હોય તેવો તે દેખાતો હતો. વચમાં વચમાં સુવર્ણ રેખાઓ અને સર્વ ભાગમાં નીલ(શ્યામ) વર્ણની શિલાઓ દેખાતી હતી, તેથી વિદ્યુત શિખાવાળા કૃષ્ણમેઘના જેવો તે રૈવતગિરિ ઉન્નત જણાતો હતો. ગિરિ ઉપર ક્રીડા કરતા કિન્નરોના બાળકોએ ઉછાળેલા રત્નના દડા દિવસે પણ આકાશમાં તારાઓનો ભ્રમ ઉત્પન્ન કરતા હતા. રાત્રિએ ચન્દ્રકાંતમણિના શિખરમાંથી ઝરતી અમૃતની નીક વડે જ્યાં વનનાં વૃક્ષોનો સમૂહ યત્ન વગર નીરંતર લીલાં રહેલાંનો દેખાવ આપતાં હતાં. જ્યાં પંચવર્ષી મણિઓની કાંતિવાળાં વિચિત્ર વૃક્ષો પવનના હલાવવાથી પ્રેક્ષકજનોને મયૂરનૃત્યનો ભ્રમ કરાવતા હતા. સર્વ સ્થાને નીલશિલાવાળો અને મધ્ય મધ્યમાં ઉજ્જવળ પાષાણવાળો તે ગિરનાર ગિરિવર સ્ફુરાયમાન તારાવાળો ગગનમાર્ગ હોય તેવો જણાતો હતો. ઊંચી સુવર્ણની ચૂલિકાવાળો અને ચોતરફ વૃક્ષોથી વીંટાઈ રહેલો તે ગિરિ પૃથ્વીદેવીનો રક્ષામણિ હોય તેવો લાગતો હતો. જેમાં રહેલા રસકુંડો અમારા સિવાય ‘ધર્મનો જામીન કોણ છે ? લક્ષ્મીનું સ્થાન કોણ? અને હવે દારિદ્રય ક્યાં રહેશે ?’ એ રીતે પોતાની મહત્તા જાણે બોલી રહ્યા છે. તેમ જ જે ગિરનાર પર્વત ફલવાળા કદલીકેળનાં વૃક્ષોથી, આંબાનાં તોરણોથી અને વિદ્યાધરોની પ્રિયાઓના ગાનથી સદા ઉત્સવ ધરનારો જણાય છે. દિવસે જાજ્વલ્યમાન સૂર્યકાંત મણિઓથી અને રાત્રિમાં પ્રદીપ્ત ઔષધિઓરૂપ દીપકોથી તથા કદલી વૃક્ષરૂપ ધ્વજાપતાકાઓથી જાણે અનંત સંપત્તિનો સ્વામી હોય તેવો જે દેખાય છે. પોતાના ઊંચા શિખર પર વિકાસ પામેલા ઉગ્રમણિના સમૂહથી જે આકાશને શતચન્દ્રવાળું કરે છે. જ્યાં સ્ફટિકમણિની નીકોમાં વહેતું નિર્ઝરિણીનું જલ શેષનાગના શરીર પર ચંદનના વિલેપન જેવું અને ચન્દ્ર પર ચન્દ્રના અર્ચન જેવું દેખાઈ રહ્યું છે. જે પાણીના ઝરણાઓનાં ઝંકારથી સર્વત્ર શબ્દમય થઈ રહ્યો છે. અને પાસેની ભૂમિ પર ચાલતા ગજેન્દ્રોથી જે જંગમ શિખરવાળો લાગે છે. તેમ જ હાથીઓના મદથી લીંપાએલો અને ચમરી મૃગોએ ચામરોથી વીંજેલો તે ઉન્નત ગિરિરાજ શ્રી રૈવતાચલ ખરેખર પર્વતોનો રાજા હોય તેવો જણાતો હતો.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૪૮ www.jainelibrary.org