________________
કાર્ડ-૧ – ગાથા-૧૧
સન્મતિપ્રકરણ આમ પદાર્થોમાં ઉત્પત્તિ અને નાશ જ આ નય દેખે છે. કોઈ એક જન્મ પામેલ બાલક પ્રતિસમયે શરીર-બુદ્ધિ-અવયવો આદિની અપેક્ષાએ હાનિ-વૃદ્ધિ પામવારૂપે ઉત્પત્તિ-વ્યયવાળો જ છે. તો જ ૨૫ વર્ષની ઉંમરે તે વિશિષ્ટ શરીરવાળો, વિશિષ્ટબુદ્ધિવાળો અને વિશિષ્ટ અવયવોના બાંધાવાળો બને છે. ૨૫ વર્ષની ઉંમરે જે સ્થૂલ શરીર છે. વિકસિત બુદ્ધિ છે, મજબુત બાંધો દેખાય છે. તે કંઈ કોઈ એક દિવસમાં કે એક રાતમાં થઈ ગયો નથી. પ્રત્યેક સમયે બદલાય છે. તો જ ૨૫ વર્ષે આવી પરિસ્થિતિ થાય છે. તથા સાંજે મેળવેલું દૂધ સવારે દહીં રૂપે પરિણામ પામેલું દેખાય જ છે. હવે રાતના બાર કલાકના એક એક સમયમાં દૂધપણાનો કંઈક કંઈક નાશ, અને દહીંપણાની કંઈક કંઈક ઉત્પત્તિ તેમાં થાય છે. આમ જો માનીએ તો જ બાર કલાક ગયા પછી દૂધનો પરિપૂર્ણ નાશ અને દહીંની પરિપૂર્ણ ઉત્પત્તિ ઘટી શકે. આવા આવા અનેક ઉદાહરણોથી પૂર્વપર્યાયનો વ્યય અને નવા પર્યાયની ઉત્પત્તિ પ્રતિસમયે સર્વે ભાવોમાં થાય છે આમ આ પર્યાયાર્થિક નય માને છે અને આ નયની વાત આ નયની અપેક્ષાએ સાચી પણ છે જ.
હવે દ્રવ્યાર્થિકનય તે જ સર્વે ભાવોને અનુત્પન્ન અને અવિનષ્ટ અર્થાત્ ધ્રુવ જ દેખે છે. આ નય અભેદગ્રાહી દૃષ્ટિવાળો છે એટલે પ્રતિસમયે ઉત્પાદ-વ્યયજન્ય જે વિશેષો છે તે આ નયને દેખાતા નથી. પરંતુ દ્રવ્ય તો તેનું તે જ છે ને ? એમ ધૃવત્વ જ દેખાય છે. જેમકે એકવાર ઉત્પન્ન થઈ ચુકેલા મગના દાણા ચુલા ઉપર સીઝવા માટે ચડાવ્યા. તે અગ્નિના શેકથી ભલે થોડા થોડા સીઝે છે. પરંતુ અડધો કલાક કે એક કલાક થાય તો પણ જે આ મગના દાણા છે તે મગના જ દાણાપણે રહે છે. કંઈ ઘઉંના દાણારૂપે કે જુવારના દાણારૂપ બદલાઈ જતા નથી. વચગાળામાં મગ દ્રવ્ય સદા મગ દ્રવ્ય રૂપે જ રહે છે. માટે વચગાળામાં ઉત્પાદ-વ્યય નથી પણ ધ્રુવતા જ છે, કોઈ જન્મ પામેલ બાળક ૨૫ વર્ષ યુવાન થયો, તો પણ તે જેનો પુત્ર છે તેના જ પુત્ર રહે છે. મનુષ્યાકારે શરીરવાળો છે તે મનુષ્યાકારે જ રહે છે. કંઈ પશુ-પક્ષી રૂપે બદલાઈ જતો નથી. તેથી તે મનુષ્યના ભવમાં મનુષ્યપણે ધ્રુવ જ છે. મેળવેલું દૂધ સવારે દહીં થાય છે. પરંતુ દૂધ પણ ગોરસ છે અને દહીં પણ ગોરસ જ છે. દૂધનું દહીં બનવા છતાં ગોરસપણે તેનું તે જ રહે છે. જો બદલાઈ જ જતું હોય તો ગોરસના ત્યાગીને દૂધ ગોરસ હોવાથી ભલે ન પીવાય પણ દહીં ખવરાવું જોઈએ. પણ ડેરી પ્રોડકશન બંધ કરનારાને તેમાંનું કશું જ નથી ખવાતું. તેનો અર્થ એ કે દૂધનું દહીં બનવા છતાં ગોરસપણે (ડેરી પ્રોડકશનપણે) તે ધ્રુવ જ છે. આવાં આવાં અનેક ઉદાહરણોથી આ દ્રવ્યાર્થિક સર્વે ભાવોમાં પર્યાયોનું રૂપાંતર થવા રૂપ, ઉત્પત્તિ-વિનાશ તરફ ઉપેક્ષાભાવ રાખીને દ્રવ્ય સંબંધી ધ્રુવતાને જ વધારે પ્રધાનપણે દેખે છે અને આ નયની આ વાત આ નયની અપેક્ષાએ બરાબર પણ છે જ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org