________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૩ — ગાથા-૫૪-૫૫
૩૫૭
આધ્યાત્મિક વિકાસ કરવાનો રહેતો જ નથી. જો બીજા ક્ષણે પોતે જ નથી રહેવાનો, તો વિકાસ કોનો ? આ રીતે બૌદ્ધદર્શનની ક્ષણિકપણાની આ માન્યતા આધ્યાત્મિક વિકાસયાત્રાની અવરોધક બને છે. તેઓ સંતાન અને વાસના જેવા તત્ત્વોની કલ્પના કરીને ધર્મપુરૂષાર્થ ઘટાવે છે. પરંતુ તે બૌદ્ધો વડે સંતાન અને વાસનાની કલ્પના કરીને જે ધ્રુવત્વ સમજાવાય છે. તે પણ ક્ષણપરંપરાથી ભિન્ન માને તો પણ અને ક્ષણપરંપરાથી અભિન્ન માને તો પણ સંભવતાં નથી. આ રીતે આત્માને નિત્ય ન માનવાથી આત્મશુદ્ધિ તરફનો વિકાસ કરવાનો રહેતો જ નથી. તેથી આ વિચાર પણ આધ્યાત્મિક વિકાસનું બાધક છે.
(૩) “આત્મા તો છે. વળી તે નિત્ય પણ છે. પરંતુ કર્મોનો કર્તા નથી” આવી પણ એક માન્યતા છે. અને તે કપિલ ઋષિકૃત સાંખ્યદર્શનની માન્યતા છે. સાંખ્યદર્શનનું કહેવું એવું છે કે આ સંસારમાં “પુરૂષ અને પ્રકૃતિ” એમ બે જ તત્ત્વ છે. ત્યાં પુરૂષ એટલે આત્મા છે. તે નિત્ય છે. શુદ્ધ-બુદ્ધ છે. કર્મોનો અકર્તા અને અભોક્તા છે. પ્રકૃતિ (કે જે સત્ત્વ-રજસ અને તમસની બનેલી છે તે) જ કર્મોની કર્તા-ભોક્તા છે. આ માન્યતામાં આત્મા નિત્ય તો છે. પરંતુ તે આત્મા કર્મોનો અકર્તા હોવાથી મલીન જ થતો નથી. શુદ્ધ-બુદ્ધ જ રહે છે તેને શુદ્ધિ માટે કંઈ કરવાનું રહેતું જ નથી. તેથી આ પણ મિથ્યાત્વનું જ સ્થાન છે કર્મોનું કર્તૃત્વ માન્યા વિના આ સંસારની ચિત્ર વિચિત્રતા કેમ ઘટે ? જો આત્મા કર્તા ન હોય અને કેવલ એકલી પ્રકૃતિ જ કર્તા હોય તો મૃતક શરીરમાં પણ કર્તૃત્વ ઘટવું જોઈએ. જો આ આત્મા કર્મ કરતો જ નથી તો તેનો ક્ષય કરવા માટે ધર્મ પુરુષાર્થ પણ કરવાનો રહેતો જ નથી. આમ આ માન્યતા પણ આધ્યાત્મિક વિકાસયાત્રાની બાધક છે.
(૪) “આત્મા છે, તે નિત્ય પણ છે. કર્મોનો કર્તા પણ છે. પરંતુ કર્મોનો ભોક્તા નથી’’ આવી પણ એક વિચારસરણી છે તેઓનું કહેવું એવું છે કે ચૈતન્યતાવાળો આત્મા છે. તે અનાદિ-અનંત હોવાથી નિત્ય છે. શુભાશુભ પરિણામો પ્રમાણે કર્મોનો કર્તા છે. પરંતુ · આત્મા શુદ્ધ-બુદ્ધ-નિર્લેપ હોવાથી કોઈ પણ કર્મોનો તે ભોક્તા નથી, કર્મોનું કર્તૃત્વ હોવા છતાં પણ સ્ફટિકની જેમ સદા નિર્લેપ અવસ્થા હોવાથી કાળાન્તરે પણ ભોગવવાનું કંઈ રહેતું જ નથી. માટે કર્તા છે પણ ભોક્તા નથી. આ પણ મિથ્યા માન્યતા છે. મિથ્યાત્વનું સ્થાન છે. કારણ કે પ્રથમ તો આત્મા કેવળ એકલો નિર્લેપ નથી. મલીન દ્રવ્ય છે. તેથી જેવો કર્મોનો કર્તા છે તે જ પ્રમાણે પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવવાથી ભોક્તા પણ છે જ. તો જ સુખીદુઃખી રાજા-રંક પણું સંભવે છે. તથા જો કરેલાં કર્મો ભોગવવાનાં જ ન હોય તો ગમે તે જીવ નિર્ભયપણે ગમે તેટલાં કર્મો કરનારો થશે અને જો આમ જ હોય તો ધર્મ-અધર્મસંસ્કાર-અસંસ્કાર જેવી કોઈ વ્યવસ્થા જ રહેશે નહીં માટે આ મત પણ બરાબર નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org