________________
૨૪૬ કાર્ડ-૩ – ગાથા-૧૨
સન્મતિપ્રકરણ જ ગુણો છે. આ રીતે પર્યાય ક્રમભાવી પણે રહીને પલટાતા રહે છે અને ગુણો સહભાવીપણે રહીને પલટાતા રહે છે. તે માટે ક્રમભાવી અને સહભાવી પણાની વિવક્ષા દ્વારા કંઈક ભેદ હોવા છતાં પણ તે બન્નેમાં તાત્ત્વિક પણે અર્થભેદ કંઈ જ નથી. જે જે પરિવર્તન થાય છે. તે તે ગુણોનું જ પરિવર્તન થાય છે. ગુણોને છોડીને દ્રવ્યનું સ્વતંત્ર પરિવર્તન કંઈ જ થતું નથી. પરંતુ દ્રવ્યના આશ્રયે ગુણોનું જે પરિવર્તન થાય છે. તેને જ દ્રવ્યનો ધર્મ હોવાથી દ્રવ્યપર્યાય કહેવાય છે.
આ રીતે વર્ણાદિ જે ગુણો છે. તે જ નીલ-પીતાદિ રૂપે પરિવર્તન પામતા હોવાથી તે વર્ણાદિ ગુણોને જ પર્યાય કહેવાય છે. તથા ચૈતન્યાદિ જીવના જે ગુણો છે તે જ હાનિવૃદ્ધિ રૂપે પરિણામ પામતા હોવાથી તે ચૈતન્યાદિ ગુણોને જ પર્યાય કહેવાય છે. આમ ગુણ અને પર્યાય તાત્ત્વિક પણે ભિન્ન નથી. છતાં પણ જિનેશ્વર ભગવંતોએ તે તે સૂત્રોમાં વર્ણપર્યાય ગંધ પર્યાય, જ્ઞાનપર્યાય, દર્શનપર્યાય, ચારિત્રપર્યાય આમ સઘળા પણ દ્રવ્યધર્મોને પર્યાય શબ્દથી જ વર્ણવેલા છે. ક્યાંય ગુણશબ્દથી વર્ણવેલા નથી. તેથી પર્યાયથી ભિન્ન એવા ગુણો નથી. ટીકામાં પણ આમ જ કહેલ છે. તેથી પરિવર્તન પામતા એવા દ્રવ્યધર્મોને (ગુણોને) જ પર્યાય કહેલા છે અને તે પર્યાયોને આશ્રયી કરાતી ભગવાનની ધર્મ દેશના પર્યાયાર્થિકનયની દેશના છે. આમ કહેવાય છે. શાસ્ત્રોમાં ક્યાંય ગુણાર્થિકનયની દેશના છે આમ કહેવાતું નથી. તેથી સમજવું જોઈએ કે દ્રવ્યમાં રહેલા ગુણધર્મોનું વધઘટ થવા રૂપે કે રૂપાન્તર થવા રૂપે જે પરિવર્તન થાય છે. તે જ પર્યાય કહેવાય છે અને તેને જ દ્રવ્યપર્યાય સમજવા જોઈએ. પૂજ્ય ઉપાધ્યાજી મ.શ્રીએ રાસમાં કહ્યું છે કે
જો ગુણ ત્રીજો હોઈ પદારથ, તો ત્રીજો નય લહિઈ રે ! દ્રવ્યારથ પર્યાયારથ નય, દોઈ જ સૂત્રિ કહિઈ રે !
ઢાળ-૨, ગાથા ૧૨ કહેવાનો સારાંશ એ છે કે દ્રવ્ય એ મૂળભૂત આધારદ્રવ્ય છે. તેમાં રહેલા ગુણો હીનાધિકપણે અથવા રૂપાન્તર થવા રૂપે પરિણામ પામ્યા જ કરે છે. એટલે “તેલની ધારા પડે છે” આવું બોલીએ ત્યાં તેલ પોતે જ ધારારૂપે પરિણામ પામીને પડે છે. તેલ અને ધારા જુદાં જુદાં નથી. તે રીતે દ્રવ્યાશ્રયે રહેલા ગુણો પરિવર્તન શીલ છે. માટે ગુણો અને પર્યાયો એ ભિન્ન ભિન્ન નથી. તેથી દ્રવ્યથી પણ ગુણો ભિન્ન પદાર્થ નથી. ગુણોના પર્યાયો એ જ દ્રવ્યના પર્યાયો કહેવાય છે. દ્રવ્ય અને પર્યાય એમ બે જ સ્વરૂપ હોવાથી નય પણ બે જ છે. પર્યાયો (પરિવર્તનો) કોના થાય છે ? તેના ઉત્તરમાં સમજવું કે દ્રવ્યના આશ્રયે રહેલા ગુણોના પર્યાયો થાય છે. અને તેને જ દ્રવ્યના પર્યાયો કહેવાય છે. | ૧૨ ll
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org