________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩-૪
૨૧૯ ખાત્રી પૂર્વક, પૂરેપુરા અનુભવ પૂર્વક), જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જ કહેનારૂં જે વચન તે પ્રતીત્યવચન કહેવાય છે. સાપેક્ષ વચન, યથાર્થ વચન, કોઈ પણ જાતની અપેક્ષાપૂર્વક બોલાતુ વચન, કોઈ પણ જાતની બાધા ન આવે તે પ્રકારે બોલાતું જે વચન તે પ્રતીત્ય વચન છે. અર્થાત્ જે આપ્તવચન છે જે સર્વજ્ઞ વચન છે. તે પ્રતીત્યવચન કહેવાય છે. આપ્તવચન, સાપેક્ષવચન, યથાર્થવચન, સ્યાદ્વાદવચન, અનેકાન્તવચન, સર્વજ્ઞવચન આ બધા પ્રતીત્યવચનના પર્યાયવાચી શબ્દો છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપની સાથે જરા પણ બાધા ન આવે તેવા પ્રકારનો જે વચનવ્યવહાર છે. તે પ્રતીત્ય વચન છે.
કોઈ પણ વિવક્ષિત એકદ્રવ્ય વર્તમાનકાળે જે સ્વરૂપે પરિણામ પામ્યું હોય છે. તે દ્રવ્ય વર્તમાનકાલે તે સ્વરૂપે તો ચોક્કસ છે જ, તેમ કહેવામાં કંઈ વિવાદ નથી. પણ તે દ્રવ્ય તેના પોતાના અતીત અને અનાગત પર્યાયોની સાથે સંકળાયેલું (સમન્વય પામેલું) પણ છે. અતીત-અનાગત પર્યાયોથી વર્તમાન પર્યાયાપન્ન એવું આ દ્રવ્ય સર્વથા ભિન્ન (વિખુટુ પડેલું) નથી. જેમ કે ૧૦ તોલા સોનું છે. તેનું કડુ બનાવેલું હતું, તે ભંગાવીને કુંડલ હાલ બનાવેલ છે. ભાવિમાં તેમાંથી કેયૂર (કંદોરો) બનાવવાની ઈચ્છા છે. કડુ અતીત પર્યાય, કુંડલ વર્તમાન પર્યાય, અને કેયૂર એ ભાવિપર્યાય છે. તેમાં તે ૧૦ તોલા સોનું હાલ કુંડલ સ્વરૂપે પરિણામ પામ્યું છે. માટે કુંડલ સ્વરૂપે તો તે સુવર્ણ છે જ. પરંતુ તે કુંડલરૂપે રહેલું વર્તમાનકાલીન સુવર્ણદ્રવ્ય અતીત એવા કડા પર્યાયની સાથે અને ભાવિ એવા કેયૂર પર્યાયની સાથે પણ અવશ્ય સંકળાયેલું છે. સમન્વયાત્મક છે. તેથી જ જગતમાં આવા વચનવ્યવહારો થાય છે કે પહેલાં મારૂં જે કડુ હતું તેમાંથી મેં આ કુંડલ બનાવ્યું છે. કુંડલ દેખતાં જ અતીતકાલીન કહાપર્યાયનું સ્મરણ થાય છે. કડુ પહેરવાનો જેને ઘણો રાગ છે. (ભાવ છે) તેને કુંડલ દેખતાં જ કડાની સ્મૃતિ થતાં જ ઘણા દુઃખનો અનુભવ થાય છે. તેથી કડા અને કુંડલની વચ્ચે સુવર્ણ દ્રવ્ય સ્વરૂપે સંબંધ છે. (અર્થાત્ કથંચિત્ અભેદ છે) અને કડાકુંડલપણાના પર્યાય સ્વરૂપે કથંચિત્ ભેદ પણ છે. કડુ હાથે પહેરાય છે અને કુંડલ કાને પહેરાય છે. હાથે કુંડલ નથી પહેરાતું અને કાને કડુ નથી પહેરાતું, માટે કથંચિ ભેદ પણ જરૂર છે જ. આ પ્રમાણે વર્તમાનકાલીન કુંડલ પર્યાય ભાવિમાં બનનારા કેયૂર પર્યાયની સાથે પણ કથંચિત્ સંકળાયેલું છે અભેદ પણ છે અને કથંચિભેદ પણ છે. સુવર્ણપણે અભિન્ન છે અને કુંડલ-કેયૂર પણ ભિન્ન છે. આને જ જૈનશાસ્ત્રોમાં ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. કાલક્રમે ઉપરા ઉપર આવતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં દ્રવ્યની જે ધ્રુવતા (સામાન્યતા) છે. તે જ ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. તેને લક્ષ્યમાં રાખીને જ જગતમાં આવા વચનવ્યવહારો પ્રવર્તે છે કે મારું જે પહેલાં કડુ હતું, તેનું જ મેં આ કુંડલ બનાવ્યું છે અને હવે હું તેનું જ કેયૂર બનાવવાનો છું. વર્તમાન પર્યાયને પામેલા કોઈપણ દ્રવ્યને અતીત અને અનાગત પર્યાયોની સાથે સમન્વયાત્મક જે વચનવ્યવહાર છે. તે જ ઉર્ધ્વતા સામાન્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org