SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬ માનવનો ભવ વર્તમાન છે અને પાછલા બે ભવ ભાવી છે. આજે કેવલી ભગવાન આ જીવને “માનવ છે” એમ દેખે છે. ઘોડાપણું પૂર્વભવમાં હતું અને ગાયપણે પૂર્વતરભવમાં આ જીવ હતો એમ દેખે છે. દેવ પણે ભાવિ, અને મત્સ્યપણે દીર્ઘભાવિ પણ જાણે છે. આમ જાણવાનું કારણ શેય એવું આ જીવદ્રવ્ય હાલ તેવું છે. માટે તેમ જુએ છે અને જાણે છે. પરંતુ તેમાંથી માનવનો ભવ પૂર્ણ કરી તે જીવ દેવ થયો, એકભવ બદલાયો, પરંતુ એક ભવ બદલાયે છતે ખરેખર પાંચે ભવો બદલાઈ જ જાય છે. (માળાના મણકાની જેમ). કેવલી ભગવાન હવે આ જીવને માનવપણે વર્તમાનરૂપે નથી જોતા અને નથી જાણતા, કારણ કે હવે જોય તેવું નથી, માનવપણે અતીત, ઘોડાપણે અતીતતર, અને ગાયપણે અતીતતમ જાણે છે. જ્યારે દેવપણે વર્તમાન અને મત્સ્યપણે માત્ર ભાવિ આમ જાણે છે અને જુએ છે. આ જીવ જ્યારે માનવ હતો ત્યારે પણ કેવલીભગવાન તેના ભાવિ એવા દેવપર્યાયને જાણતા જ હતા, પરંતુ દેવ થશે એમ ભાવિ રૂપે જાણતા હતા, હવે ભાવિ રૂપે દેવપર્યાય નથી જાણતા, કારણ કે કેવલજ્ઞાનમાં કંઈ ખામી નથી ન્યૂનતા નથી પરંતુ જીવગત તે દેવપર્યાય હાલ ભાવિ નથી, વર્તમાન છે. દેવપર્યાય ભાવિ મટીને વર્તમાન બન્યો છે. તેથી તેવા તેવા પર્યાયોને જાણવાવાળાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ બદલાય છે. આ રીતે સર્વત્ર સમજવું. બીજુ એક ટ્રેનનું દ્રષ્ટાન્ત લઈએ - અમદાવાદથી ઉપડેલી એક ટ્રેન મુંબઈ જઈ રહી છે. હાલ અડધે સુરત આવીને ઉભી છે. તે ટ્રેનમાં નડીયાદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરના સ્ટેશનોનું અતીતપણું છે. સુરત સ્ટેશનનું વર્તમાનપણું છે અને નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, દહાણું, વિરાર, બોરીવલ્લી અને બોમ્બે સેન્ટ્રલનું ભાવિપણું છે. કેવલી ભગવાન પણ આ દ્રવ્યના આ પર્યાયોને ક્રમશઃ અતીત પર્યાયોને અતીતપણે અને ક્રમશઃ અનાગત પર્યાયોને અનાગતપણે જાણે જ છે. તથા ટ્રેનના અનુભવી મતિ-શ્રુતજ્ઞાની પણ આ જાણે જ છે કે આ ટ્રેન આટલાં સ્ટેશનો પસાર કરીને આવી છે અને આટલાં સ્ટેશનો હવે પસાર કરવાનાં છે. હવે તે ટ્રેન સુરતથી ઉપડીને નવસારી ગઈ, ઉપરછલ્લી રીતે જોઈએ તો એક જ સ્ટેશન બદલાયું છે આમ લાગે છે પરંતુ સુરત જે વર્તમાન હતું તે અતીત થઈ ગયું, અંકલેશ્વર પ્રથમ પણે અતીત હતું તે દ્વિતીયપણે અતીત થયું, ભરૂચ દ્વિતીયપણે અતીત હતું તે તૃતીયપણે અતીત થયું એમ ભાવિમાં પણ નવસારી ભાવિ હતું કે વર્તમાન થઈ ગયું, બીલ્લીમોરા બીજા નંબરે ભાવિ હતું તે પ્રથમ નંબરે ભાવિ થઈ ગયું. આમ સર્વે અતીત સ્ટેશનો અને અનાગન સ્ટેશનો કાલને આશ્રયી બદલાઈ જ ગયાં, તેથી પેસેન્જરોમાં પણ તેને તેને અનુકુલ હીલચાલ શરૂ થઈ જાય છે. આ રીતે એક સ્ટેશન બદલાયે છતે સર્વે સ્ટેશનો બદલાય છે. (આ વાત જરાક સ્થિરબુદ્ધિ કરીને વિચારવાથી સમજાય તેમ છે.) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy