________________
૭૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭
ભાવાર્થ:
ગાથા-૧૬માં કહ્યું કે શ્રુતજ્ઞાનનો વિષય, અવધિજ્ઞાનનો વિષય અને મનઃપર્યવજ્ઞાનનો વિષય અસર્વાર્થ વિષયવાળો છે. વળી અર્થથી મતિજ્ઞાનનો વિષય અસર્વાર્થ વિષયવાળો છે તેમ કહ્યું અને પરસ્પર ચારે જ્ઞાનોના વિષયો પરસ્પર વિલક્ષણ છે તેમ કહ્યું એ કારણથી ચાર જ્ઞાનવાળા પુરુષમાં પણ ચારેય જ્ઞાનનો ઉપયોગ ભિન્ન ભિન્ન કાળમાં હોય એ રૂપ ચા૨નો વિભાગ ઘટે છે, પરંતુ જ્ઞાન-દર્શન પ્રધાન છે જેમાં એવા જિનોએ સંપૂર્ણ ઘાતિકર્મ નાશ કર્યા છે, તેઓને જ્ઞાન-દર્શનનો પૃથક્ વિભાગ ક્રમસર પણ ઘટતો નથી કે યુગપદ્ પણ ઘટતો નથી; કેમ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન સર્વ વિષયવાળું છે, તેથી એક જ સમયમાં સર્વ શેય એવા સર્વ દ્રવ્ય-પર્યાયને કેવલી જુએ છે અને જાણે છે તેમ જ માનવું પડે; પરંતુ ચાર જ્ઞાનના સ્વામીને ચાર જ્ઞાનમાંથી ક્રમસર તે તે જ્ઞાનનો ઉપયોગ વર્તે છે છતાં ચતુર્ભાની કહેવાય છે તેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ છે એમ ક્રમવાદી જે સ્વીકારે છે તે રીતે કેવલી કેવલજ્ઞાનવાળા અને કેવલદર્શનવાળા છે એમ કહી શકાય નહીં; કેમ કે એમ સ્વીકા૨વાથી કેવલજ્ઞાન-કેવલદર્શન સર્વ વિષયવાળું છે તે સિદ્ધ થાય નહીં.
વળી યુગપદ્ કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ સ્વીકારીએ તોપણ કેવલજ્ઞાન-કેવલદર્શન સર્વ વિષયવાળું છે તેમ કહી શકાય નહીં; કેમ કે તેમ સ્વીકા૨વાથી કેવલજ્ઞાન માત્ર સર્વ પર્યાયના વિષયવાળું છે, દ્રવ્યના વિષયવાળું નથી અને કેવલદર્શન માત્ર સર્વ દ્રવ્યના વિષયવાળું છે, પર્યાયના વિષયવાળું નથી એમ પ્રાપ્ત થાય. વસ્તુતઃ કેવલ સકલવિષયવાળું છે માટે અક્રમઉપયોગદ્વયાત્મક એક કેવલ જ છે, પરંતુ કેવલજ્ઞાનનો વિષય સર્વ પર્યાય છે અને કેવલદર્શનનો વિષય સર્વ દ્રવ્ય છે તેમ સ્વીકારી શકાય નહીં.
અહીં પ્રશ્ન થાય કે કેવલનું સકલ વિષયપણું કેમ છે ? તેથી કહે છે
કેવલીનું કેવલજ્ઞાન સકળ વિષયવાળું છે; કેમ કે સંપૂર્ણ આવરણનો અપગમ થયેલ છે. જે અનાવૃત હોય તે અસકલ વિષયવાળું હોઈ શકે નહીં અને સર્વ ઘાતિકર્મના ક્ષયથી કેવલ થયેલ છે માટે અનાવૃત છે તે સર્વસંમત છે, તેથી કેવલનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે તેમ સ્વીકારવું ઉચિત છે.
અહીં પૂર્વપક્ષી કહે કે પ્રદીપાદિ અનાવૃત હોય છે તે છતાં અસર્વવિષયવાળા હોઈ શકે છે, તેથી પ્રદીપની સાથે અને આદિ પદથી પ્રાપ્ત સૂર્યની સાથે અનાવૃત એવા કેવલને સર્વ વિષય સ્વીકારવામાં વ્યભિચાર છે.
આશય એ છે કે જેમ પ્રદીપ અનાવૃત હોય છે છતાં સર્વ વસ્તુનું પ્રકાશન કરતો નથી, સૂર્ય પણ વાદળા આદિથી અનાવૃત હોય ત્યારે પણ સર્વ વસ્તુનું પ્રકાશન કરતો નથી તેમ કેવલજ્ઞાન પણ અનાવૃત હોય ત્યારે પણ સર્વ વસ્તુનું પ્રકાશન કરતું નથી, પરંતુ તેના વિષયભૂત પર્યાયનું પ્રકાશન કરે છે જ્યારે દ્રવ્યનું પ્રકાશન કરતું નથી. કેવલદર્શન પણ તેના વિષયભૂત દ્રવ્યનું પ્રકાશન કરે છે પરંતુ પર્યાયનું પ્રકાશન કરતું નથી તેમ સ્વીકારી શકાશે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેનું નિરાકરણ કરતાં ટીકાકા૨શ્રી કહે છે
કેવલજ્ઞાનનું અનંતપણું છે જ્યારે પ્રદીપાદિનું અનંતપણું નથી માટે પ્રદીપાદિ સાથે વ્યભિચાર નથી અર્થાત્ પ્રદીપાદિ પરિમિત પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે, પૂર્ણ પ્રકાશ ક૨વાના સ્વભાવવાળા નથી; જ્યારે કેવલજ્ઞાન પૂર્ણ વસ્તુના પ્રકાશન કરવાના સ્વભાવવાળું છે, તેથી કેવલજ્ઞાનનું અનંતપણું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org