________________
વંદન-અભિનંદન
સમગ્ર વિશ્વસાહિત્ય અને અધ્યાત્મજગતમાં જૈન ધર્મનું પ્રદાન માત્ર વ્યાપક જ નહિ, ગહન પણ છે. સુધર્માસ્વામી, ભદ્રબાહુસ્વામી, સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય જેવા મનીષીઓ દ્વારા ઉપલબ્ધ જ્ઞાનગર્ભિત ગ્રંથોની પરંપરા યુગેયુગે વિશ્વને લાભાન્વિત કરતી રહી છે. એ અમર પરંપરામાં સામ્પ્રત સમયના સાધક અને ચિંતક આચાર્ય મહાપ્રજ્ઞનું નામ અધ્યાત્મ-નભોમંડળમાં તેજસ્વી તારલા સ્વરૂપ છે. મુનિ નથમલથી આચાર્ય મહાપ્રજ્ઞના પદને સુશોભિત કરનાર હે મહામનીષી, આપના ૭૫ મા જન્મદિવસે અનેકાન્ત ભારતી પ્રકાશન પરિવાર આપનાં શ્રી ચરણોમાં શત-શત વંદન કરી સહસ્રસહસ્ર અભિનંદન પાઠવે છે. આપશ્રી થકી અંકુરિત પ્રેક્ષાધ્યાનની કલ્પલતા આપશ્રીની જ અમૃતધારા દ્વારા વિકસતી રહે એવી વિનમ્ર મંગલ ભાવના.
તેરાપંથના આદ્યસંસ્થાપક આચાર્ય ભિક્ષુને એરિસ્ટોટલ જેવા મહાન દાર્શનિકના પદે સ્થાપવામાં આપ જેવા મહાન દાર્શનિકની ભાષ્યશક્તિ જ સક્ષમ બની છે. આપનો વિનય અનન્ય છે. ગુરુ પ્રત્યેનો આપનો સમર્પણભાવ ઉદાહરણરૂપ છે. તેરાપંથ જૈન સંઘ એક જ આચાર્યની પરંપરા ધરાવે છે છતાં પૂજ્ય ગુરુદેવ અણુવ્રત અનુશાસ્તા સંત શ્રી તુલસી આપને આચાર્યપદે બિરાજમાન જોવાની લાગણીનું સંવરણ કરી ના શકયા તે વિશ્વઇતિહાસની વિરલ ઘટના છે.
આપશ્રીએ આગમ સાહિત્યનું જે સંપાદન કર્યું છે તે વિશ્વસાહિત્યમાં અજોડ છે. સાહિત્યની એવી કોઈ વિધા નથી જેને આપશ્રીએ સુશોભિત ના કરી હોય. યોગ-ધ્યાનના સાહિત્યમાં આપે વિજ્ઞાનનો જે સમન્વય કર્યો છે તે અચરજપ્રેરક છે. આપના સાહિત્યના અણમોલ ગ્રંથરત્નોને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાનો જે લહાવો અનેકાન્ત ભારતી પ્રકાશનને મળ્યો છે તે અમારા પરિવાર માટે હાથ ગ્રહીને મુક્તિ પંથે દોરનાર છે.
સાહિત્યનાં લગભગ તમામ ક્ષેત્રોમાં આપશ્રીએ ખેડાણ કર્યું છે. ભાષા ઉપર આપનું પ્રભુત્વ અદ્ભુત છે. ગણાધિપતિ ગુરુદેવના શબ્દોમાં આપ નવી શૈલીના નિર્માતા છો. આપશ્રીએ ૧૨૫ કરતાં અધિક ગ્રંથો રચીને માનવવિશ્વ ઉપર શાશ્વત ઉપકાર કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org