________________
શંકા-સમાધાન
૫૦૯
શંકા- ૧૧૦૬. કુમારપાળની આરતીના ચઢાવા બોલીને રાત્રિભોજન કરનારા અને કંદમૂળ ખાનારા કુમારપાળ બને, આરતી ઉતાર્યા પછી ધર્મના નાટકો સિનેમા બનવા લાગે, આ બધું કઈ રીતે ધર્મના ખાતામાં ખતવવું એ સમજાવવા વિનંતી.
સમાધાન- શાસ્ત્રવિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ ધર્મના ખાતામાં ખતવી શકાય નહિ. ક્યારેક કેટલીક ધર્મપ્રવૃત્તિઓ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાના નીચેના શબ્દોની સ્મૃતિ કરાવે છે– વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે.
“ગૃહસ્થ વિષયરસમાં આસક્ત હોય, અર્થાત ગૃહસ્થને ધર્મથી કેવળ ભૌતિક સુખો જ જોઈતા હોય, સાધુઓ કુગુરુઓ મદથી ભરેલા હોય, તો એ બંને મળીને જે ધર્મ કરે તેમાં બહારથી ધૂમધામ હોય, પણ જ્ઞાનમાર્ગ(=જિનાજ્ઞા) દૂર રહી જાય, અર્થાત્ અશુદ્ધ ધર્મક્રિયા ફાલે-ફૂલે અને શુદ્ધ ધર્મક્રિયા દૂર થાય. વિષયરસમાં આસક્ત ગૃહસ્થ ધર્મ કરે તો વિષયસુખ માટે કરે, પરલોકમાં સ્વર્ગનાં સુખો મળે અને વર્તમાનમાં લોકમાં વાહવાહ થાય વગેરે આશયથી કરે. માન-પાનના ભૂખ્યા ગુરુ ગૃહસ્થના આત્માની ચિંતા કરવાના બદલે પોતાની વાહવાહ કેમ થાય એની ચિંતા કરે. એથી ગૃહસ્થોની પાસે ધર્મપ્રભાવનાના બહાને પોતાની નામના-વાહવાહ થાય તેવું કરાવે. પરિણામે બંનેનું આત્મશુદ્ધિનું લક્ષ્ય ક્યાંય અટવાઈ જાય. આનો અર્થ એ થયો કે “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે.” ધૂમ એટલે માન ભૂખ્યા સાધુઓ. ધામ એટલે વિષયરસમાં આસક્ત ગૃહસ્થો. એ બંનેથી ધમાધમ એટલે આડંબરવાળી અશુદ્ધ ધર્મક્રિયાઓ.
દરેક ગૃહસ્થ કે સાધુએ પોતે જે કોઈ ધર્મપ્રવૃત્તિ કરે છે તે કયા આશયથી કરે છે તે તપાસવું જોઈએ. આમાં પોતે જ પોતાનો નિર્ણય કરી શકે, બીજાઓ ન કરી શકે. કારણ કે અંતરમાં મલિન આશય હોય, પણ બહારથી શાસન પ્રભાવના માટે આ કરીએ છીએ એમ કહે એટલે બીજાઓ તો આનો આશય સારો છે એમ જ કહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org