________________
શંકા-સમાધાન
૪૩૯
શંકા- ૯૭૦. આગલા ભવોમાં જે પાત્રો સાથે વિવિધ પ્રકારનાં કર્મો બાંધ્યા હોય તે જ પાત્રો બીજા ભવોમાં એટલે કે ત્યાર પછીના ભવોમાં ફરી કોઈ પણ એક જ સ્થળે એકઠા થાય છે કે એમાં કોઈ ભેદ છે ?
સમાધાન– આગલા ભવોમાં જે પાત્રો સાથે વિવિધ પ્રકારનાં કર્મો બાંધ્યા હોય તે જ પાત્રો બીજા ભવોમાં એક જ સ્થળે એકઠા થાય જ એવો એકાંતે નિયમ નથી, એકઠા થાય પણ ખરા અને ન પણ થાય. સામાન્યથી એવો નિયમ છે કે જે વિશિષ્ટ પુણ્ય કે પાપ સામુદાયિક રૂપે કરેલાં હોય તે સમુદાયરૂપે ફળે છે. આથી જ આદિનાથ ભગવાન, ભરત, બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી એ પાંચ જીવોએ અનેક ભવો સુધી સમુદિત રૂપે આરાધના કરી તો તેમનો અનેકભવો સુધી સાથે મેળાપ થયો. તેમનાથ ભગવાન અને રાજુલનો પણ એ જ રીતે નવ ભવો સુધી મેળાપ થયો. આથી જ દીક્ષાની ભાવનાવાળો યુવાન માતા-પિતાને પણ દીક્ષાના ભાવનાવાળા કરે. તે મુમુક્ષુને માતા-પિતા એમ કહે કે તારો વિયોગ અમારાથી સહન ન થાય માટે અમે તને દીક્ષાની રજા નહિ આપીએ. ત્યારે મુમુક્ષુ કહે કે જો તમારાથી મારો વિયોગ સહન થતો નથી તો તમે પણ દીક્ષા લો. જેથી આ ભવમાં આપણે સાથે રહી શકીશું અને આવતા ભવમાં પણ સાથે રહી શકીશું. જો હું દીક્ષા ન લઉં તો બહુ બહુ તો આ ભવમાં જ સાથે રહી શકીએ. પણ જો આપણે બધા સાથે દીક્ષા લઈએ તો આવતા ભવોમાં પણ સાથે રહી શકીએ. કેમ કે સામુદાયિક રૂપે કરેલાં શુભ કાર્યો સમુદાયરૂપે ફળે છે. જો દીક્ષા ન લેવામાં આવે તો આપણા બધાનો ભવપરંપરાથી દીર્ધકાળનો વિયોગ થશે. માટે વિયોગ ન વેઠવા પણ તમારે દીક્ષા લેવી જોઇએ. મુમુક્ષુ આ રીતે પોતાના માતા-પિતા વગેરેને સમજાવે.
પાપ માટે પણ આવું બની શકે. સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોએ પૂર્વભવમાં એકી સાથે તેવું પાપ કર્યું કે જેથી બધા સગરચક્રીના પુત્ર થયા અને એકી સાથે મૃત્યુ પામ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org