________________
શંકા-સમાધાન
૪૩૩
શંકા ૯૬૦. મોહનીય કર્મના ક્ષય વિશે વિસ્તારથી જણાવવા વિનંતી.
સમાધાન– મોહનીય કર્મ સર્વ કર્મોમાં મુખ્ય છે. સંસારનું બીજ મોહનીય કર્મ છે. આથી આપણે જે કંઇ ધર્મ કરવાનો છે તે આ મોહનીય કર્મને તોડવા માટે જ કરવાનો છે. એક મોહનીય કર્મ તૂટે એટલે બીજા કર્મોને તૂટતાં વાર લાગતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “જેમ ગર્ભસૂચિનો(=મધ્યમાં રહેલા તંતુનો) નાશ થતાં સંપૂર્ણ તાડવૃક્ષ નાશ પામે છે તેમ, મોહનીય કર્મનો ક્ષય થતાં શેષ સઘળાં કર્મોનો ક્ષય થાય છે. મોહનીય કર્મનો ક્ષય થયા પછી તરત જ (એક અંતર્મુહૂર્ત પછી) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો એકી સાથે સર્વથા નાશ પામે છે. પછી આયુષ્ય પૂર્ણ થતાં બાકીના ચાર અઘાતી કર્મો પણ નાશ પામે છે.” આમ જીવે મોહનીય કર્મનો નાશ કરવા માટે પુરુષાર્થ કરવાનો છે.
મોહનીય કર્મના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદ છે. દર્શનમોહનું કાર્ય અશુદ્ધ માન્યતા છે. ચારિત્રમોહનું કાર્ય અશુદ્ધ(=હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિ છે. જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે. આવી માન્યતા શુદ્ધ માન્યતા છે. આનાથી વિપરીત માન્યતા અશુદ્ધ છે. જ્યારે દર્શનમોહનો ક્ષયોપશમ (અથવા ક્ષય કે ઉપશમ) થાય છે ત્યારે જીવ શુદ્ધ માન્યતાવાળો બને છે. જ્યારે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય છે ત્યારે જીવ શુદ્ધ પ્રવૃત્તિવાળો(=હિંસાદિ પાપોથી રહિત પ્રવૃત્તિવાળો) બને છે. આમાં જીવ પહેલાં શુદ્ધ માન્યતાવાળો બને છે. પછી શુદ્ધ પ્રવૃત્તિવાળો બને છે. જે જીવ શુદ્ધ માન્યતાવાળો અને શુદ્ધ પ્રવૃત્તિવાળો બને છે તે જ જીવ મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી શકે છે.
દર્શનમોહનો ક્ષયોપશમ (કે ક્ષય-ઉપશમ) થયા પછી જ ચારિત્ર મોહનો ક્ષયોપશમ થઇ શકે છે. દર્શનમોહનો ક્ષયોપશમ(કે ક્ષયઉપશમ) થાય છે ત્યારે જીવ શુદ્ધ માન્યતાવાળો બને છે. “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” આવી માન્યતા શુદ્ધ માન્યતા છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International