________________
શંકા-સમાધાન
૩૩૭
ગુપ્તિનું) પાલન કરવાનું અનિવાર્ય છે, તેમાં એવો નિયમ છે કે સાધુઓથી સતત સ્ત્રીની સમક્ષ જોઇ શકાય નહિ. સાધ્વીજીઓથી સતત પુરુષ સમક્ષ જોઇ શકાય નહિ. જો સાધ્વીજીઓનું વ્યાખ્યાન પુરુષો સાંભળી શકતા હોય તો સાધ્વીજીઓને સતત પુરુષોની સમક્ષ વ્યાખ્યાન વાંચવું પડે અને તેથી સતત પુરુષ સમક્ષ દૃષ્ટિ રાખવી પડે. સાધ્વીજીઓથી સતત પુરુષો સમક્ષ દૃષ્ટિ રાખી શકાય નહિ. જેવી રીતે તપતા સૂર્ય તરફ દૃષ્ટિ કરીને તરત દૃષ્ટિને સૂર્ય સામેથી હટાવી લેવી પડે છે, તેવી રીતે સાધ્વીજીઓએ પુરુષ તરફ સામાન્ય નજર ગયા પછી તુરત હટાવી લેવી જોઇએ. વ્યાખ્યાન સિવાય પણ ક્યારેક પુરુષોની સાથે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે પણ આ નિયમનું પાલન કરવાનું હોય છે. આ જ નિયમ સાધુઓને સ્ત્રીઓની સમક્ષ વાત કરવાના પ્રસંગે લાગુ પડે છે. સાધ્વીજીઓ પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચે તો આ નિયમનું પાલન ન થાય.
સાધુઓ પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચે છે. સ્ત્રીઓ સાઇડમાં બેસીને સાંભળે છે. આથી તેમને ઉક્ત નિયમમાં બાધ આવતો નથી.
બીજી વાત. જેણે પ્રકલ્પ(=નિશીથ) અધ્યયનનો અભ્યાસ કર્યો હોય તેને જ વ્યાખ્યાન વાંચવાનો અધિકાર શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે. સાધ્વીજીઓને પ્રકલ્પ અધ્યયનના અભ્યાસનો નિષેધ છે. આથી સાધ્વીજીઓને વ્યાખ્યાન વાંચવાનો અધિકાર નથી. આમ છતાં જેમ આજે અપવાદથી પ્રકલ્પ અધ્યયનનો અભ્યાસ નહિ કરનારા સાધુઓ વ્યાખ્યાન વાંચે છે તેમ સાધ્વીજીઓ પણ અપવાદથી વ્યાખ્યાન વાંચી શકે છે, પણ સ્ત્રીઓ સમક્ષ જ વાંચી શકે છે.
દીર્ઘદષ્ટિથી વિચારવામાં આવે તો સાધ્વીજીઓ કેવળ સ્ત્રીઓની જ સમક્ષ વ્યાખ્યાન વાંચે તેમાં વધારે લાભ છે. સાધ્વીજી કેવળ સ્ત્રીઓની સમક્ષ વ્યાખ્યાન વાંચે ત્યારે બહેનોને એમ થાય છે કે સાધ્વીજી ભગવંત અમને કહી રહ્યા છે તેથી બહેનો વ્યાખ્યાનને વધારે લક્ષ દઇને સાંભળે તથા ન સમજાયેલી વિગત સાધ્વીજીને છૂટથી પૂછીને ચર્ચા કરી શકે. આથી તેમને ધર્મનો બોધ સારો થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org