________________
[૭૦] સં. ૧૯૮૬માં કરમસદ, સુણાવ, વેરા, બોરસદ, દાઓલ આદિ સ્થળોએ વિચર્યા હતા. સં. ૧૯૮૭માં કાવિઠા, સીમરડા, નડિયાદ, નાર, અંધેરી અને સં. ૧૯૮૮માં પેટલાદ, દંતાલી, કાવિઠા, સીમરડા આદિ સ્થળોએ વિચર્યા હતા. તે દરમ્યાન શ્રી નાર મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ૩ ના રોજ કરી હતી. તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઘણા ઘણા ભદ્રિક જનોને ઘર્મનો રંગ ચડાવી સન્માર્ગ સન્મુખ કરતા હતા.
સં. ૧૯૮૬ના પોષ સુદ ૧૫ના રોજ શ્રી માણેકજી શેઠ આશ્રમમાં આવ્યા હતા, તે જ્યારે ઇન્દોર જતી વખતે પ્રભુશ્રી પાસે દર્શનાર્થે ગયા અને જણાવ્યું કે હું ઇન્દોર જાઉં છું ત્યારે તેમના પૂર્વના કોઈ મહદ્ પુણ્યયોગે પ્રભુશ્રીએ તેમને અપૂર્વ બોઘ કર્યો. તે પણ બોઘમાં એવા તલ્લીન થઈ ગયા કે ગાડીનો ટાઈમ પણ ભૂલી ગયા. પછી પ્રભુશ્રીએ કહ્યું કે ગાડી તો ગઈ ! ત્યારે તેમનાથી સ્વાભાવિક બોલાઈ જવાયું કે એ ગાડી ગઈ તે તો પાછી આવશે, પરંતુ આ ગાડી (શરીર) તે કંઈ પાછી આવવાની છે ? ત્યાર પછી જેમ કોઈ છેલ્લી શિખામણ દેવાતી હોય તેવો અદ્ભુત બોઘ થયો. પછી બીજા ટાઈમમાં તે ઇન્દોર ગયા. - માહ વદમાં તેમની તબિયત નરમ થઈ. એક મુમુક્ષુ તેમની પાસે ગયેલા તેમને તેમણે કહ્યું કે મારી આ વર્ષમાં ઘાત છે તેથી દેહનો ભરૂસો નથી. માટે તારે અહીં રહેવું અને મને નિરંતર મંત્રનું સ્મરણ આપ્યા કરવું. મને ભાન ન હોય તો પણ તારે મારી પાસે બેસીને સ્મરણ બોલ્યા જ કરવું. બીજા કોઈ કામમાં તારે ન જવું, પણ સ્મરણનો જાપ કર્યા જ કરવો.
માહ વદ સાતમના દિવસે સગાંસ્નેહીઓ તથા ગામપરગામના મુમુક્ષુઓને બોલાવીને ક્ષમાયાચના કરી લીધી.
માહ વદ આઠમના રોજ તેમની તબિયત વઘારે બગડી. બપોરે બાર વાગ્યા પછી તેમણે હાથે લખીને આશ્રમ પર એક તાર મૂક્યો. તેમાં પોતે જણાવ્યું કે આ મારી છેલ્લી પ્રાર્થના છે : આપશ્રીની આશિષ અને શરણું મને અખંડ રહો.
આશ્રમમાં તાર મળતાં પ્રભુશ્રીજીએ તારથી જવાબ આપ્યો કે આત્માને મરણ છે જ નહીં, મંત્રમાં બધું સમાય છે એટલે મંત્રનું ધ્યાન રાખશો; અને બ્રહ્મચારીજી આવે છે. તાર પહોંચ્યો અને પોતે વાંચ્યો તેથી વિશેષ જાગૃતિ આવી, ઉલ્લાસભાવ વધી ગયો.
નિરંતર તેમની પાસે મંત્રનો જાપ કરવા રહેલા મુમુક્ષભાઈએ મંત્રની ધૂન અખંડ જગાવી અને શ્રી માણેકજી શેઠનો પવિત્રાત્મા પરમ જાગૃતિપૂર્વક તેમાં જ એકાગ્ર થઈ સમાઘિભાવ સન્મુખ થઈ રાત્રિના ૧૧ વાગે પોતાનું અપૂર્વ હિત કરી દેહત્યાગ કરી ચાલ્યો ગયો.
પૂનામાં પ્રભુશ્રીજી શ્રી માણેકજી શેઠને ત્યાં જ ચોમાસું રહ્યા હતા. ત્યારથી તેમને સઘર્મનો રંગ ચડાવ્યો હતો. તે દિનપ્રતિદિન વધતો ગયો હતો. તન, મન, ઘન-સર્વસ્વથી તેમણે સંતની સેવા કરવામાં ખામી રાખી ન હતી. તેમની સરળતા, સદ્ગુરુ પરમકૃપાળુની આજ્ઞામાં એકનિષ્ઠતા, ઉદારતા, લઘુતા, અનુકંપા, વાત્સલ્યતા અને આશ્રમની ઉન્નતિ માટે સર્વસ્વ અર્પવાની તત્પરતા આદિ તેમના ગુણો પ્રશંસનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org