________________
૩૨૮
ઉપદેશામૃત ડહોળીને ન ચલાય; પણ કેડસમું પાણી હોય તો પણ પગ જાળવીને ઊંચો લઈ પછી પાછો જાળવીને આગળ મૂકવો, પાણી ડહોળાય નહીં અને અપકાયના જીવો દુભાય નહીં તેમ ચાલતાં પણ તેમણે શીખવ્યું હતું. નદી ઊતરવાની હોય ત્યારે સંથારો કરે કે જો તે દરમિયાન મગર કે એવું કોઈ ઢસડી જાય તો “વાવઝીવ વોવિહાર' અને પાર જઈ શકાય તો સામા કાંઠા સુધી. આમ કરીને પ્રતિક્રમણ, ખમાસણું કરીને નદી ઊતરતા. ઊતરીને પાણી નીતરી જતાં સુધી ઊભું રહેવું જોઈએ. કપડું નીચોવાય તો નહીં. લીલોતરી સમારતી-મોળતી વખતે જ્ઞાનીને કેટલી દયા વર્તે છે તે તે જ જાણે છે | મુમુક્ષુ–કાવિઠે મચ્છરમાં બેસતા પણ ઉડાડતા નહીં. ચાર(લીલા ઘાસ)ના ભારા પર એક જણ બેઠેલો. તેને કૃપાળુદેવે કહેલું કે નીચે બેસો તો ભાઈ, જીવ દબાય છે.
મુનિ મો–એ પુરુષે તો ઠેઠ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. માત્ર આપણી કચાશ છે. “અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ' એવી જેની દશા હોય તેની શી વાત કરવી? અમે બધા તો એમની દશા જોઈને ચકિત જ થઈ જતા.
[‘વિમલપુરાણમાંથી શ્રેણિકરાજાનું ચરિત્ર વંચાતાં.] આ વાત ભારે છે ! ઘણા મર્મવાળી વાત છે. શાસ્ત્ર ઘણી વખત શસ્ત્ર થઈ પડે છે. અહીં વંચાય અને એમ ને એમ વાંચી લે એમાં ઘણો ભેદ છે. અહીં ભૂલ નીકળે; મૂળ વાત તરફ, આત્મા તરફ લક્ષ રહે. શ્રેણિક રાજા કહે કે તેની રાણી કહે; પણ બઘાં કર્મ અને તેનો જીવને સંજોગ કે બીજું? કર્મ ફૂટી નીકળેલાં દેખાય. નહીં તો વાર્તાઓ વાંચતાં સાંભળતાં તો જીવ કેવાં કેવાં કર્મ બાંધે છે? અહીં તો વાત ફોડીને તેનો વિસ્તાર થાય અને ગ્રહણ કરવા યોગ્ય વિચારાય. અહીં આત્મા વગર બીજું હોય ? આ જગા તમે કેવી જાણો છો ? આ ઘર્મની જગાનું કોઈ અપૂર્વ બળ છે! યોગ્યતાની માત્ર ખામી છે, વૈરાગ્યની ખામી છે. આવો જોગ મળવો દુર્લભ છે. ચેતવા જેવું છે. પછી કંઈ બનવાનું છે? અમારે અત્યારે ગમે તેવું તણાઈને ઘર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરવાનું મન હોય પણ ક્યાંથી બળ અને સ્થિરતા લાવીએ? જો કંઈ હઠ, બળ કરીને કરવા જઈએ તો વળી કંઈ આડું ફાટે તો સમું નમું કરવામાં કંઈ થોડું ઘણું થતું હોય તેય અટકે. જ્યાં સુધી શાતા છે ત્યાં સુધી ચેતી લેવા જેવું છે.
આ અવસર ચૂકવા જેવો નથી; ચેતી લેવાની જરૂર છે. એકના એક ખેતરમાં જેવો પાક કરવો હોય તેવો થાય–શેરડી કરવી હોય તો ય થાય અને તમાકુ કરવી હોય તો ય થાય. આટલું બધું ઘંઘા વગેરે માટે કરીએ છીએ, ત્યારે જે આપણા આત્માને ઓળખ્યો નથી તેને માટે હવે નહીં કરીએ ? તમાકુ માટે જમીન કેવી ચોખ્ખી કરવી પડે છે અને કેટલી બધી મહેનત લેવી પડે છે, તો ઘર્મની પ્રાપ્તિ માટે પુરુષાર્થ ન કરવો જોઈએ ? જો મરણ ન હોત તો તો ઠીક, પણ ઘડીકમાં ફૂટી જાય એવું આ પરપોટા કે શીશી જેવું શરીર છે ત્યાં સુધીમાં ‘ઝબકે મોતી પરોવી લે” તેમ આત્મહિત સાધી લેવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org