________________
ઉપદેશામૃત
૨૩
તા. ૩૧-૧૦-૩૫
માયા બધી ખોટી છે. આટલું મારે ધન છે, આ પુત્રપરિવાર છે, આ અધિકાર છે તેથી હવે મારે કંઈ ડરવા જેવું નથી—મારે શી ખામી છે ? આમ જીવ માને છે. અને અહંભાવ-મમત્વભાવ સહિત દાન, દયા, તપ આદિ ધર્મ પાળે છે. પણ તે બધાં તો પાડાને ખેતરમાંથી હાંકી કાઢવા રાડાં લઈને મારે તેના જેવાં છે. પાડો કહે છે કે એવાં તો હું બહુ ચાવી ગયો છું; તેમ આ માયાનાં સાધનો અનંતકાળથી જીવ પામતો આવ્યો છે અને ક્રિયાકાંડમાં પ્રવર્તતો આવ્યો છે, તેનાથી જન્મમરણ ટળતાં નથી.
૧૩૮
પણ કોઈ કાળે પ્રાપ્ત નથી કર્યું એવું તો સમકિત છે, આત્મશ્રદ્ધા છે. તે પ્રાપ્ત કરવાની ભાવના, તીવ્ર જિજ્ઞાસા વારંવાર કર્તવ્ય છે. આત્માનું ઓળખાણ થયે જ કલ્યાણ છે. અને ત્યારે જ મિથ્યાત્વનો નાશ થશે અને મોક્ષનો માર્ગ ખુલ્લો થશે. સ્વચ્છંદ એ મોક્ષમાર્ગને રોકનાર, બંધ કરનાર કમાડ છે. તેને દૂર કરવાનું સાધન પણ આત્મજ્ઞાન અને આત્મભાવના છે.
આત્માર્થના લક્ષથી, આત્મભાવનાથી જેટલું પ્રવર્તન, ભાવ થશે તેટલું જીવન લેખાનું છે; બાકીનું બધું માયા-પ્રપંચમાં વહ્યું જાય છે. એમ વિચારી, વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના સહિત વર્તાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાનપણે કરતા રહેવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વગે૨ે ભક્તિ-સ્મરણમાં નિત્ય નિયમિતપણે અમુક કાળ કાઢવા લક્ષ રાખશો.
⭑
Jain Education International
⭑
૨૪ માગશર, સં. ૧૯૯૨, તા.૧૪-૧૧-૩૫
આ દુષમકાળમાં આ મનુષ્યભવનાં આયુષ્ય બહુ અનિશ્ચિત છે. કાળનો ભરોસો નથી અને માયાનો પાર આવવાનો નથી. આમ ને આમ જીવ અધૂરાં મૂકીને પરભવથી આવ્યો છે. પણ પૂર્વે કાંઈક જાણ્યે-અજાણ્યે પુણ્ય બાંધેલું તેના ફળરૂપે આ મનુષ્યભવ, ઉત્તમ કુળ, નીરોગી કાયા, નિશ્ર્ચિતપણે આજીવિકા ચાલે તેવાં સાધન, સત્પુરુષનો યોગ અને પરમકૃપાળુદેવ જેવા સાચા પુરુષનું શરણ, સ્મરણ આદિ જોગવાઈ મળી આવી છે. આટલી ઊંચી સ્થિતિએ જીવ આવ્યો છે, છતાં પ્રમાદ કરે તો સર્વ સામગ્રી વહી જતાં વાર લાગે તેમ નથી. નાનું બાળક પણ પથારી કે પલંગથી પડી જવાશે એમ જાણી ડરે છે અને બચવાનો પ્રયત્ન કરે છે. પણ આ મૂઢ જીવ આ ઉચ્ચ દશાથી પડી અધોગતિમાં ક્યાંય ખૂંચી જશે તેનો ભય નથી, તેમ ચેતતો નથી. મનુષ્યભવ આમ ને આમ વહી જશે તો પછી શી દશા થશે તેનું જીવને હજી ભાન નથી. ચાર ગતિમાં અને તેમાં પણ નર– તિર્યંચમાં કેટલાં બધાં દુઃખ છે તે મૃગાપુત્રના ચિરત્રમાં પરમકૃપાળુદેવે ‘ભાવનાબોધ'માં કેટલું બધું વિસ્તારથી લખ્યું છે ? છતાં જીવને સત્પુરુષના વચનની સત્યતા છાતીમાં વાગતી નથી, ત્રાસ આવતો નથી. એ સર્વ મોહનીય કર્મનો છાક છે. સત્સંગ-સમાગમે બોધ શ્રવણ કરવાની, સચોટ થપ્પડ વાગવાની જરૂર છે, તો જ જીવ જાગૃત થાય એમ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org