________________
૨૨. દેશીઓની સમીક્ષા
મધ્યકાલીન સાહિત્યમાં જૈન અને જૈનેત્તર કવિઓએ દેશીઓનો મોટા પ્રમાણમાં પ્રયોગ કરીને કાવ્ય સર્જન કર્યું છે. કાવ્યમાં ગેયતા એક લક્ષણ તરીકે સ્વીકૃત છે. કાવ્યની ગેયતાને સિદ્ધ કરવામાં દેશી સહાયક અંગ છે. જૈન સાહિત્યના સંશોધક મો. દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભા. ૮ માં નાની મોટી દેશીઓની સૂચિ આપી છે. તેમાં ૨૩૨૮ દેશીઓ છે. આ દેશીઓ વિશેના કેટલાક વિચારો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે.
મૂળ શબ્દ ‘દેશ’ છે તેને આધારે દેશી શબ્દ રચાયો છે. એટલે કે દેશને અનુસરતું, દેશને લગતું સંબંધ ધરાવતું આ અર્થની દષ્ટિએ વિચારીએ તો દેશી કોઈ ‘દેશ’ સાથે સંબંધ ધરાવે છે. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં દેશી રાજ્યો હતાં એટલે કે રાજાશાહીના યુગમાં નાનાં નાનાં રાજ્યો દેશ તરીકે ખ્યાતિ ધરાવતાં હતાં. સૌરાષ્ટ્ર દેશ, કચ્છ દેશ આવા નામથી ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ રાજાઓ વહીવટ કરતા હતા. એટલે દેશીના ઉદ્ભવ સ્થાન તરીકે આવો કોઈ દેશ હોવાનો સંભવ છે. કોઈ એક દેશીની રચના કોઈ દેશમાં થઈ હોય ત્યાર પછી તેનો પ્રચાર અન્ય દેશોમાં થયો હોય અને તે રીતે દેશી પ્રચલિત બનીને કાવ્યમાં પ્રયોજાયેલી હોય એમ અનુમાન કરવામાં આવે છે. દેશીઓનો પ્રયોગ સાહિત્યની સૃષ્ટિમાં માત્ર એક દેશ પૂરતો મર્યાદિત ન રહેતાં અન્ય રાજ્યોની ભાષામાં પણ ઓછા વત્તા પ્રમાણમાં પ્રયોગ થાય છે.
દેશી વિશેનો સંદર્ભ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. કવિ કનક સુંદર સં. ૧૬૯૭માં ‘હરિશ્ચંદ્ર રાસ' ની રચનાને અંતે જણાવ્યું છે કે ઃ
રાગ છત્રીશે જૂજુવા, નવિ નવિ ઢાલ રસાલ, કંઠ વિના શોભે નહીં, જ્યું નાટક વિણ તાલ. ઢાલ ચતુર ચૂકશો, કહેજો સઘલા ભાવ, રાગ સહિત આલાપ જો, પ્રબંધ પુણ્ય પ્રભાવ.
Jain Education International
૨૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org